'અક્ષય'નો અર્થ થાય છે-જેનો ક્યારેય ક્ષય (નાશ) ન થાય. એવી માન્યતા છે કે આ દિવસે જે પણ વસ્તુ ખરીદવામાં આવે કે શુભ કાર્ય શરૂ કરવામાં આવે, તેમાં સદાય વૃદ્ધિ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
આજે અખાત્રીજ નિમિતે અમદાવાદ શહેરમાં શુભ મુહૂર્તમાં સોના-ચાંદી અને વાહનોની ખરીદીમાં નોંધપાત્ર તેજી રહેવાની આશા વ્યક્ત કરાઇ રહી છે. વેપારીઓ માટે આ દિવસ વર્ષનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. સોના-ચાંદીમાં ભાવ વધારો છતાંય આ વર્ષે સિક્કા, લાઇટવેટ જ્વેલરી અને 9,14, અને 18 કેરેટના સોનાના દાગીનાની વધુ ડિમાંડ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રકમમાં વધુ ખરીદી જોવા મળશે જોકે ભાવ વધારાના કારણે જથ્થામાં ઓછી ખરીદી રહેશે.
હજારોની સંખ્યામાં વાહનોની ડિલિવરી થશે
આ દિવસે માત્ર જ્વેલરી જ નહીં પરંતુ વાહનોની ખરીદીમાં પણ ભારે ઉછાળો જોવા મળશે. ટુ-વ્હિલર અને ફોર વ્હિલર માટે શો-રૂમોમાં એડવાન્સમં બુકિંગ થઇ ગયા છે. આ દિવસે વાહનોની ડિલિવરી અપાશે. ખાસ ઓફર્સ. ડિસ્ટાઉન્ટ યોજનાઓથી ગ્રાહકો આકર્ષાયા છે. ડિલિવરી માટે શો-રૂમોમાં વિશેષ તૈયારીઓ પણ કરાઇ છે.
અક્ષય તૃતિયા એટલે એવી તિથિ, જેનો ક્યારેય ક્ષય નથી થતો. આજે, જ્યારે આપણે વર્ષ 2026માં ઉભા છીએ, ત્યારે અક્ષય તૃતિયાની ઉજવણી અને ખરીદીની રીતરસમમાં આવેલા બદલાવો આપણને એક નવી જ દિશામાં લઈ જઈ રહ્યા છે. આ તહેવાર હવે માત્ર 'તિજોરીમાં મુકવાનું સોનું' ખરીદવાનો નથી રહ્યો, પરંતુ એક 'સ્માર્ટ લાઈફ્સ્ટાઈલ'નો હિસ્સો બની ગયો છે.
શ્રદ્ધા અને રોકાણઃ એક સિક્કાની બે બાજુ
ભારતીય સંસ્કૃતિમાં અક્ષય તૃતિયા એ લક્ષ્મીજીના આગમનનો દિવસ માનવામાં આવે છે. પરંપરાગત રીતે, આ દિવસે સોનું ખરીદવું એ સમૃદ્ધિની ગેરંટી ગણાય છે. પરંતુ આજના ગુજરાતી ગ્રાહક માટે, આ ખરીદી હવે માત્ર લાગણી નથી રહી, તે એક 'ગણતરીપૂર્વકનું રોકાણ' પણ છે. શેરબજારના ઉતાર-ચઢાવ અને વૈશ્વિક અર્થતંત્રની અનિશ્ચિતતા વચ્ચે, સોનું આજે પણ સૌથી ભરોસાપાત્ર 'સેફ્ હેવન' (સુરક્ષિત આશ્રયસ્થાન) છે. શ્રદ્ધા અને રોકાણનો આ સમન્વય જ આ દિવસને અન્ય તહેવારોથી અલગ પાડે છે.
અખાત્રીજ શુકન અને પવનની દિશા
જૂના જમાનામાં જ્યારે હવામાન ખાતા જેવી સુવિધાઓ ન હતી ત્યારે ખેડૂતો અખાત્રીજના દિવસે પવનની દિશા જોઇને આવનારા વરસાદનો અંદાજ મેળવતા હતા.જો પવન પશ્ચિમ (વાયવ્ય) દિશાનો હોય તો સારો વરસાદ એ સારા પાકની આશા રખાતી.અને ખેડૂત ખેતરના ચારે ખૂણે માટીના ઢગલા કરી તે પર જળ છાંટીને પણ શુકન જોતા હતા.
અખાત્રીજ એટલે વણજોયુ મુહૂર્ત
ખેડૂત માટે આ દિવસ એટલે આશા અને પુરુશાર્થનો સંગમ. પ્રાચીન સમયથી ખેડૂતો આ દિવસે દેવુ ચુકવવાનુ ટાળે છે.અને નવી વસ્તુઓ કે સાધનોની ખરીદી કરે છે.જેથી લક્ષ્મીનો કાયમી વાસ રહે.આજે પણ અનેક ગામોમાં ખેડૂતો આ પંરપરાઓને એટલી જ શ્રધ્ધાથી વળગી રહ્યા છે.છતાં હવે આ પરંપરાઓ લુપ્તતાને આરે આવી ઉભી છે.
આ પણ વાંચો:Yagya Guidelines: હવન-પૂજન વચ્ચે ઉભા ન થશો, ઘરની સુખ શાંતિ પર થશે અસર
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)