કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હજારો શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો કાશ્મીર ખીણમાં પહોંચ્યો હતો. આ પવિત્ર યાત્રા 28 ઑગસ્ટ સુધી ચાલશે અને કુલ 57 દિવસ દરમિયાન લાખો ભક્તો બાબા બરફાનીના દર્શન કરવા પહોંચશે. સમુદ્ર સપાટીથી આશરે 3,978 મીટરની ઊંચાઈએ આવેલી અમરનાથ ગુફા સુધી પહોંચવું સહેલું નથી, છતાં દર વર્ષે શિવભક્તોમાં આ યાત્રા માટે અદભુત ઉત્સાહ જોવા મળે છે.
ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય સંભળાવ્યું
ધાર્મિક માન્યતા મુજબ અમરનાથ ગુફા એ પવિત્ર સ્થળ છે, જ્યાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય સંભળાવ્યું હતું. તેથી આ ગુફાને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે જે ભક્ત શ્રદ્ધાભાવે અમરનાથ યાત્રા પૂર્ણ કરીને બરફથી સ્વયંભૂ પ્રગટ થતા શિવલિંગના દર્શન કરે છે, તેને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. અનેક પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં પણ આ યાત્રાના મહિમાનો ઉલ્લેખ જોવા મળે છે.
અનેક પૌરાણિક અને લોકપ્રચલિત કથાઓ
અમરનાથ ગુફાની શોધ અંગે અનેક પૌરાણિક અને લોકપ્રચલિત કથાઓ પ્રચલિત છે. ભૃગુ સંહિતા અનુસાર, મહર્ષિ ભૃગુને આ ગુફાના પ્રથમ દર્શન થયા હતા. પૌરાણિક કથા કહે છે કે એક સમયે સમગ્ર કાશ્મીર પ્રદેશ પાણીથી ભરાઈ ગયો હતો. ત્યારબાદ મહર્ષિ કશ્યપે વિવિધ નદીઓ અને જળમાર્ગો દ્વારા પાણી બહાર કાઢ્યું હતું. ત્યાર પછી મહર્ષિ ભૃગુ હિમાલયમાં તપ કરવા માટે યોગ્ય સ્થાન શોધી રહ્યા હતા. તે દરમિયાન તેમને આ દિવ્ય ગુફા જોવા મળી અને ત્યાં તેમણે ભગવાન શિવના બરફ સ્વરૂપના દર્શન કર્યા. આ કારણથી મહર્ષિ ભૃગુને અમરનાથ ગુફાના પ્રથમ દર્શન કરનાર ઋષિ માનવામાં આવે છે.
આ કથાઓ ધાર્મિક માન્યતાઓ અને લોકપરંપરાઓ પર આધારિત
બીજી તરફ લોકમાન્યતાઓમાં બૂટા મલિક નામના એક ભરવાડની કથા પણ ખૂબ પ્રસિદ્ધ છે. કહેવાય છે કે આશરે 15મી સદી દરમિયાન તેને એક સાધુ મળ્યા, જેમણે તેને કોલસાથી ભરેલી એક થેલી આપી હતી. ઘરે પહોંચ્યા પછી જ્યારે તેણે થેલી ખોલી ત્યારે તેમાં કોલસાની જગ્યાએ સોનાના સિક્કા હતા. આશ્ચર્યચકિત બનેલા બૂટા મલિક ફરી તે સાધુને શોધવા નીકળ્યા.
શોધ દરમિયાન તેમને પહાડોમાં એક ગુફા જોવા મળી, જ્યાં કુદરતી રીતે રચાયેલ બરફનું શિવલિંગ બિરાજમાન હતું. ત્યારથી આ સ્થળની પ્રસિદ્ધિ વધી અને અમરનાથ યાત્રા વધુ લોકપ્રિય બની હોવાનું માનવામાં આવે છે.
અમરનાથ યાત્રા અડગ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક અનુભૂતિનું પ્રતિક
જોકે આ કથાઓ ધાર્મિક માન્યતાઓ અને લોકપરંપરાઓ પર આધારિત છે, તેમ છતાં કરોડો ભક્તો માટે અમરનાથ યાત્રા અડગ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક અનુભૂતિનું પ્રતિક છે. દર વર્ષે હજારો લોકો તમામ મુશ્કેલીઓનો સામનો કરીને બાબા બરફાનીના દર્શન કરવા પહોંચે છે અને પોતાના જીવનને ધન્ય માને છે.
આ પણ વાંચો: Guru Ast: 14 જુલાઈથી 12 ઑગસ્ટ સુધી દેવગુરુ બૃહસ્પતિ થશે અસ્ત, જાણો શું પડશે અસર