ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ આવતો આ પવિત્ર દિવસ ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપને સમર્પિત છે. આ દિવસની ખાસિયત એ પણ છે કે ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા ગણેશોત્સવનું સમાપન ગણપતિ વિસર્જન સાથે કરવામાં આવે છે. એટલે એક તરફ આ દિવસ વિઘ્નહર્તા ગણેશજીને વિદાય આપવાનો હોય છે, તો બીજી તરફ ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવવાનો અવસર પણ હોય છે.
અનંત ચતુર્દશી 2026 ક્યારે છે?
દ્રિક પંચાંગ અનુસાર, ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 25 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે 11:18 વાગ્યે શરૂ થશે અને 26 સપ્ટેમ્બરની રાત્રે 11:06 વાગ્યે પૂર્ણ થશે. ઉદયતિથિના નિયમ અનુસાર અનંત ચતુર્દશીનું વ્રત અને પૂજા 25 સપ્ટેમ્બર 2026ના રોજ કરવામાં આવશે. આ જ દિવસે ગણપતિ વિસર્જન પણ કરવામાં આવશે.
ધાર્મિક માન્યતા અનુસાર અનંત ચતુર્દશી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે વિશેષ દિવસ છે. આ દિવસે વિધિપૂર્વક પૂજા અને વ્રત કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને અનેક પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળે છે તેવી માન્યતા છે.
શા માટે બાંધવામાં આવે છે ‘અનંત દોરો’?
અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કર્યા બાદ વિશેષ દોરો ધારણ કરવાની પરંપરા છે. તેને અનંત સૂત્ર, અનંત દોરો અથવા અનંત ધાગો કહેવામાં આવે છે. સામાન્ય રીતે પુરુષો આ દોરો જમણા હાથમાં અને મહિલાઓ ડાબા હાથમાં બાંધે છે.
પૂજા દરમિયાન આ દોરાને પવિત્ર કરવામાં આવે છે. તેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનું ધાર્મિક માન્યતામાં કહેવાય છે. શ્રદ્ધા સાથે અનંત દોરો ધારણ કરવાથી જીવનના દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે તથા સુખ અને સમૃદ્ધિના દિવસો શરૂ થાય છે તેવી માન્યતા છે.
અનંત દોરાની 14 ગાંઠોનું રહસ્ય
અનંત દોરો સામાન્ય રીતે કપાસ અથવા રેશમના ધાગાથી તૈયાર કરવામાં આવે છે. તેને હળદર, કંકુ અથવા કેસરથી રંગવામાં આવે છે અને તેમાં 14 ગાંઠો બાંધવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ 14 ગાંઠો 14 લોકનું પ્રતીક છે.
હિંદુ ધર્મના શાસ્ત્રોમાં 14 લોકનો ઉલ્લેખ જોવા મળે છે. તેમાંથી સાત લોક ઉપરના અને સાત લોક નીચેના માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ સમગ્ર સૃષ્ટિના પાલનહાર હોવાથી આ 14 લોક તેમની અનંત શક્તિ સાથે જોડાયેલા માનવામાં આવે છે. તેથી 14 ગાંઠવાળો અનંત દોરો ધારણ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ જળવાઈ રહે છે તેવી ધાર્મિક માન્યતા છે.
આ રીતે અનંત ચતુર્દશી માત્ર ગણેશ વિસર્જનનો દિવસ નથી, પરંતુ ભગવાન વિષ્ણુની ભક્તિ, અનંત દોરાની પરંપરા અને આધ્યાત્મિક સંકલ્પ સાથે જોડાયેલો મહત્વપૂર્ણ પર્વ પણ છે.
આ પણ વાંચો: Vastu Tips: રોટલી બનાવ્યા પછી ભૂલથી પણ તવો ઊંધો ન રાખો, બની શકે છે આર્થિક મુશ્કેલીનું કારણ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)