અંગારકી ચોથ ભગવાન ગણેશને સમર્પિત વિશેષ તિથિ છે. મંગળવારે આવતી ચોથને અંગારકી ચોથ કહેવાય છે, જે અત્યંત શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર અંગારકી ચોથનું વ્રત કરવાથી 21 ચોથ કર્યાનું પુણ્ય ફળ મળે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા, દુર્વા અર્પણ અને મંત્રજાપ કરવાથી જીવનના વિઘ્નો દૂર થાય છે. માન્યતા છે કે અંગારકી ચોથનું વ્રત સંતાન સુખ, આરોગ્ય, સમૃદ્ધિ અને સફળતા પ્રદાન કરે છે. ભક્તિભાવથી કરવામાં આવેલ પૂજા ભગવાન ગણેશની વિશેષ કૃપા અપાવે છે.

સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન 

સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે. આ યોગ વેળા દેવાધિદેવ ગણપતિની ઉપાસના અર્થે ગણેશ યાગ, મહાઆરતી તથા ભક્તિપ્રેરિત કાર્યક્રમો યોજાશે.

ક્ષય તિથિ વચ્ચે આજે અંગારકી ચોથ, ગણેશ મંદિરોમાં અનુષ્ઠાનોની ભરમાર

 મંગળવાર સાથે વદ ચોથ આવે ત્યારે તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે. આ ચોથને સંકટ ચતુર્થી અથવા સંકષ્ટી ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ સંકટને હરાવનારી ચતુર્થી એેવો થાય છે. આ દિવસે વિધિવિધાન સાથે ભગવાન ગણેશની પૂજા અને ઉપવાસ કરવાથી ભક્તોના જીવનમાંથી દુઃખ, અડચણો અને વિઘ્નો દૂર થાય છે એવી માન્યતા છે. દર મહિને પૂર્ણિમા બાદ આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી અને અમાસ બાદ આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આમ દર મહિને બે વખત ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. એક વખત અંગારકી ચોથનો ઉપવાસ કરવાથી 21 ચોથ કર્યાનું સમાન ફ્ળ અને પુણ્ય પ્રાપ્ત થતું હોવાનું માનવામાં આવે છે.

આજના દિવસે ગણેશ યાગ, ભવ્ય મહાઆરતી યોજાશે

આજના દિવસે ગણેશ યાગ, ભવ્ય મહાઆરતી યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે. ત્યારબાદ રાત્રે 8 વાગ્યે સમૂહ હનુમાન ચાલીસા ગાનનો કાર્યક્રમ યોજાશે. વધુમાં, ભગવાન ગણેશ બુદ્ધિના દેવતા હોવાથી આગામી ફેબ્રુઆરી અને માર્ચમાં પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ ખાસ કરીને ગણેશ મંદિર ખાતે દર્શન માટે આવે છે. આત્મવિશ્વાસ અને સકારાત્મક ઊર્જા સાથે પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવાના સિદ્ધિ વિનાયક ગણપતિના આશીર્વાદ મેળવે છે. 

આ પણ વાંચો: Sakat Chauth 2026 : ક્યારે છે સંકટ ચોથ? જાણો તિથિ, પૂજા અને શુભ મુહૂર્ત

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)