મંગળવાર સાથે વદ-ચોથ આવે તેને અંગારકી ચોથ કહેવાય છે. જેને બીજા શબ્દોમાં સંકટ ચતુર્થી એટલે કે, સંકટમાંથી મુક્ત કરવાવાળી ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવે છે. આ દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશની પૂજા કરે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે અને ભગવાન વિનાયક તમામ સંકટ હરે છે. દર મહિને પૂર્ણિમા પછી આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે. જ્યારે અમાસ પછીની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આમ મહિનામાં બે વાર ચતુર્થી વ્રત રાખવામાં આવે છે. એક અંગારકી ચોથનો ઉપવાસ કરવા પર 21 ચોથ કર્યાનું ફળ અને પુણ્ય મળે છે.

ભક્‍તો ઉપવાસ કરીને ભગવાન ગણેશની પુજા કરે

આ ચર્તુથી ચંદ્રોદય સુધીની હોય છે. ભક્‍તો સંકટ ચતુર્થીએ ઉપવાસ કરીને ભગવાન ગણેશની પુજા કરીને પારણા કરે છે. અંગારકી ચોથ વિઘ્નહર્તા દેવ શ્રીગણેશની કૃપા મેળવવા માટે ઉત્તમ ગણાય છે. ગણેશ ચતુર્થી અને મંગળવાર આ દિવસને અંગારકી સંકષ્ટ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે, આમ જોઇએ તો અંગારકી ચોથ સામાન્ય રીતે વર્ષમાં એક કે બે જ વાર આવે છે.

અંગારકી ચોથનો ગણેશ ભક્તોમાં અનન્ય મહિમા છે

અંગારકી ચોથનો ગણેશ ભક્તોમાં અનન્ય મહિમા છે. ભક્તો વ્રત ઉપવાસ કરી ગણેશ સ્તોત્ર અને અથ‌ર્વશીર્ષના પાઠ કરે છે. રાત્રે ચંદ્રોદય પછી જ ચંદ્રની પૂજા-અર્ચના કરી પ્રસાદી ગ્રહણ કરે છે. વિદ્યાર્થી વર્ગ માટે પરીક્ષામાં સફળતા મેળવવા અંગારકી ચોથના દિવસે લાલ કરેણ અથવા જાસૂદનું ફૂલ ચઢાવવું જોઇએ.

અંગારક ચતુર્થી નામ કેવી રીતે પડ્યુ

અંગારકી ચોથ સાથે પૌરાણિક માન્‍યતા અનુસાર એક ધાર્મિક માન્‍યતા જોડાયેલી છે. ભારદ્વાજ ઋષિ ગણેશજીના પરમ ભક્‍ત હતા. તો તેમના પૂત્ર અંગારક ઋષિ પણ પિતાના પગલે ગણેશજીના ભક્‍ત બન્‍યા. અંગારક ઋષિ વિધ્‍નહર્તાની ભકિત કરવા લાગ્‍યા તેમની તપસ્‍યા અને ભાવ જોઇને ભગવાન ગણેશજી તેમનાં પર પ્રસન્‍ન થયા અને તેમને એક વરદાન માંગવાનું કહ્યું. આ સમયે અંગારક ઋષિએ ભારે નમ્રતાથી કહ્યુ બસ તમારી કૃપા જોઇએ, આ દિવસથી યોગ અને સંયોગ જોઇને ચર્તુથી અને મંગળવારના દિવસ આવતો યોગ અને અંગારક ચતુર્થી નામ અપાયું.

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)