ધાર્મિક માન્યતા મુજબ આ નવરાત્રિ શક્તિ ઉપાસના, સાધના અને માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તો માતા દુર્ગાના નવ સ્વરૂપોની સાથે દસ મહાવિદ્યાઓની પણ આરાધના કરે છે. માન્યતા છે કે શ્રદ્ધા અને ભક્તિથી કરાયેલી ઉપાસનાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ ખુલ્લો બને છે.

આષાઢ ગુપ્ત નવરાત્રિ ક્યારે શરૂ થશે?

વર્ષ 2026માં આષાઢ ગુપ્ત નવરાત્રિ 15 જુલાઈથી શરૂ થઈ 22 જુલાઈ સુધી ચાલશે. જ્યારે 23 જુલાઈએ નવરાત્રિના વ્રતનું પારણું કરવામાં આવશે. આ વર્ષે તિથિના સંયોગને કારણે ત્રીજું અને ચોથું નવરાત્રિ 17 જુલાઈના રોજ એક જ દિવસે ઉજવાશે.

ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત

આષાઢ ગુપ્ત નવરાત્રિમાં ઘટસ્થાપનનું વિશેષ મહત્વ છે. વર્ષ 2026માં 15 જુલાઈના રોજ સવારે 5:33 વાગ્યાથી સવારે 10:09 વાગ્યા સુધી ઘટસ્થાપન માટે શુભ મુહૂર્ત રહેશે. પ્રતિપદા તિથિ 14 જુલાઈના બપોરે 3:12 વાગ્યાથી શરૂ થઈ 15 જુલાઈના સવારે 11:50 વાગ્યા સુધી રહેશે.

આષાઢ ગુપ્ત નવરાત્રિ 2026નું સંપૂર્ણ કેલેન્ડર

15 જુલાઈ (બુધવાર): પ્રથમ નોરતુ– ઘટસ્થાપન અને માતા શૈલપુત્રીની પૂજા

16 જુલાઈ (ગુરુવાર): દ્વિતીય નોરતુ– માતા બ્રહ્મચારિણીની પૂજા

17 જુલાઈ (શુક્રવાર): તૃતીય અને ચતુર્થ નોરતુ– માતા ચંદ્રઘંટા અને માતા કુષ્માંડાની પૂજા

18 જુલાઈ (શનિવાર): પંચમ નોરતુ – માતા સ્કંદમાતાની પૂજા

19 જુલાઈ (રવિવાર): ષષ્ઠ નોરતુ – માતા કાત્યાયનીની પૂજા

20 જુલાઈ (સોમવાર): સપ્તમ નોરતુ – માતા કાલરાત્રિની પૂજા

21 જુલાઈ (મંગળવાર): અષ્ટમ નોરતુ – દુર્ગા અષ્ટમી અને માતા મહાગૌરીની પૂજા

22 જુલાઈ (બુધવાર): નવમ નોરતુ – માતા સિદ્ધિદાત્રીની પૂજા અને મહાનવમી

23 જુલાઈ (ગુરુવાર): નવરાત્રિ વ્રતનું પારણું

ગુપ્ત નવરાત્રિનું ધાર્મિક મહત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર ગુપ્ત નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપો ઉપરાંત દસ મહાવિદ્યાઓ – માતા કાળી, તારા, ત્રિપુરાસુંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ત્રિપુર ભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલાની આરાધના કરવામાં આવે છે.

માનવામાં આવે છે કે વૈદિક સમયમાં ગુપ્ત નવરાત્રિનું રહસ્ય માત્ર ઋષિઓ, સાધુઓ અને તપસ્વીઓને જ જાણીતું હતું. તેઓ આ દિવસોમાં વિશેષ સાધના અને તંત્ર ઉપાસના કરીને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરતા હતા. આજે પણ અનેક સાધકો માટે આ નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

માન્યતા છે કે આ પવિત્ર દિવસોમાં ઉપવાસ, જપ, પૂજા અને દાન-પુણ્ય કરવાથી દેવીની કૃપા પ્રાપ્ત થાય છે, જીવનના અવરોધો દૂર થાય છે અને સુખ, સમૃદ્ધિ તથા આધ્યાત્મિક ઉન્નતિનો આશીર્વાદ મળે છે.

આ પણ વાંચો: Swapna Shastra: સ્વપ્નમાં દેખાય આ સંકેતો તો રહો સાવધાન! ભવિષ્યમાં થઈ શકે આર્થિક નુકસાન

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)