નવરાત્રિનો તહેવાર શક્તિની ઉપાસના માટે એક પવિત્ર પ્રસંગ છે. આ નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, અને ભક્તો ઉપવાસ કરે છે. કન્યા પૂજન પણ આ દિવસે કરવામાં આવે છે. ત્યારે આવો જાણીએ કેમ આઠમના દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે.
નવરાત્રિની આઠમે કુંવારિકાઓનું પૂજન અને ભોજન કરાવવામાં આવે છે. દેવી દુર્ગાના અવતાર તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કુંવારિકીઓનો આદર કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને પરિવારને સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સુખાકારીનો આશીર્વાદ આપે છે.
અષ્ટમીએ કરાય છે કન્યા પૂજન
પરંપરાગત રીતે, ઘણા ભક્તો ખાસ કરીને અષ્ટમી તિથિ પર કન્યા પૂજન કરે છે. આ વર્ષે શારદીય નવરાત્રીની અષ્ટમી તિથિ 30 સપ્ટેમ્બરના રોજ આવે છે. આ દિવસે દેવી દુર્ગાના અવતાર તરીકે છોકરીઓની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ અષ્ટમી પૂજા ફક્ત એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ સ્ત્રી શક્તિ અને તેમના નિર્દોષ બાળપણ માટે આદરનું પ્રતીક છે, જે ભક્તોના જીવનમાં દેવીના આશીર્વાદ અને સકારાત્મક ઉર્જા લાવે છે.
અષ્ટમી તિથિ પર કન્યા પૂજનનો શુભ સમય
બ્રહ્મ મુહૂર્ત: સવારે 5.00 થી 6.12
કન્યા પૂજન મુહૂર્ત: સવારે 10.40 થી બપોરે 12.15
કન્યા પૂજન માટેના નિયમો અને પદ્ધતિઓ
- કન્યા પૂજન માટે 2 થી 10 વર્ષની છોકરીઓને આમંત્રણ આપવું જોઈએ.
- પરંપરાગત રીતે, ભૈરવનું સ્વરૂપ ગણાતા નાના છોકરાને પણ છોકરીઓ સાથે આમંત્રણ આપવું જોઈએ.
- છોકરીઓના પગ ધોઈને તેમનું સ્વાગત કરો.
- તેમને સ્વચ્છ આસન પર બેસાડો અને કુમકુમ અને ચોખાના દાણાનું તિલક લગાવો.
- આ પછી તેમને પ્રેમ પૂર્વક હલવો, પુરી, કાળા ચણા, ખીર વગેરે ભોજન જમાડો
- છોકરીઓને દક્ષિણા અને ભેટ આપો,
- તેમને આદરપૂર્વક વિદાય આપો અને તેમના આશીર્વાદ મેળવો.
અષ્ટમી તિથિનું મહત્વ
અષ્ટમી તિથિનું પોતાનું ખાસ મહત્વ છે. આ દિવસને નવરાત્રીનો મુખ્ય દિવસ માનવામાં આવે છે અને તેથી તેને મહાઅષ્ટમી પણ કહેવામાં આવે છે. આ દિવસે દેવી દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મહાગૌરીને પવિત્રતા, શાંતિ અને કરુણાની દેવી માનવામાં આવે છે. અષ્ટમી પર કન્યાઓની પૂજા કરવાથી ભક્તો પર વિશેષ આશીર્વાદ મળે છે, જેનાથી તેમના જીવનમાં સકારાત્મક ઉર્જા, સુખ, સમૃદ્ધિ અને શુભતા આવે છે.