હિન્દુ ધર્મમાં ભાઈબીજના તહેવારનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે. આ પર્વ માત્ર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ, સ્નેહ અને વિશ્વાસનું પ્રતીક નથી, પરંતુ તેની પાછળ એક રસપ્રદ પૌરાણિક કથા પણ જોડાયેલી છે. આ કથાનો સંબંધ મૃત્યુના દેવતા યમરાજ અને તેમની બહેન યમુના સાથે છે. દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે.
ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે યમુનાએ પોતાના ભાઈ યમરાજને ઘરે ભોજન માટે આમંત્રિત કર્યા હતા. બહેને ભાઈનું સ્વાગત કરીને તેમના કપાળ પર તિલક કર્યું હતું અને પ્રેમથી ભોજન કરાવ્યું હતું. ત્યારથી ભાઈબીજના દિવસે બહેનો પોતાના ભાઈના કપાળ પર તિલક કરીને તેમના લાંબા આયુષ્ય અને સુખી જીવનની કામના કરે છે. આ દિવસે યમુના નદીમાં સ્નાન કરવાનું પણ વિશેષ પુણ્યદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે યમુનામાં સ્નાન કરવાથી યમરાજનો ભય દૂર થાય છે અને અકાળ મૃત્યુથી રક્ષણ મળે છે.
યમરાજને બહેન યમુનાએ આપ્યું હતું આમંત્રણ
પૌરાણિક કથા અનુસાર, સૂર્યદેવ અને સંજ્ઞાનાં સંતાન યમરાજ અને યમુના ભાઈ-બહેન હતાં. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ અને લાગણી હતી. યમુનાની હંમેશાં એવી ઇચ્છા રહેતી હતી કે તેમના ભાઈ યમરાજ એક દિવસ તેમના ઘરે આવે અને તેમના હાથે બનાવેલું ભોજન કરે.
યમુના અનેક વખત યમરાજને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપતાં હતાં, પરંતુ યમરાજ પોતાની વ્યસ્તતાને કારણે તેમની બહેનના ઘરે જઈ શકતા નહોતા. એક દિવસ કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ યમરાજ પોતાની બહેન યમુનાને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા.
ભાઈને ઘરે આવેલા જોઈને યમુના ખૂબ જ ખુશ થઈ ગયાં હતાં. તેમણે યમરાજનું ભાવપૂર્વક સ્વાગત કર્યું, તેમના કપાળ પર તિલક લગાવ્યું અને પ્રેમથી ભોજન કરાવ્યું. બહેનના આ સ્નેહ અને આતિથ્યથી પ્રસન્ન થઈને યમરાજે તેમને વરદાન માંગવા કહ્યું.
યમરાજ પાસેથી યમુનાએ માંગ્યું હતું આ ખાસ વરદાન
યમુનાએ પોતાના ભાઈ યમરાજ પાસે વરદાન માંગ્યું કે જે પણ ભાઈ આ પવિત્ર દિવસે પોતાની બહેનના ઘરે જઈને તેના હાથનું ભોજન કરશે, તેના જીવનમાંથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય. યમરાજે બહેનની આ ઇચ્છા સ્વીકારી હતી.
આ ઉપરાંત યમુનાએ બીજું વરદાન પણ માંગ્યું હતું. તેમણે કહ્યું હતું કે જે વ્યક્તિ ભાઈબીજના દિવસે યમુના નદીમાં સ્નાન કરશે તેને યમરાજનો ભય નહીં રહે અને અકાળ મૃત્યુથી મુક્તિ મળશે. યમરાજે આ વરદાન પણ આપ્યું હતું. ત્યારથી કારતક શુક્લ દ્વિતીયાના દિવસે યમુના નદીમાં સ્નાન કરવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.
ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે યમુના નદીમાં સ્નાન કરનાર વ્યક્તિને યમરાજના ભયથી મુક્તિ મળે છે. તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.
ભાઈબીજના દિવસે યમુના ઘાટ પર ઉમટે છે ભક્તોની ભીડ
યમરાજ અને યમુનાની આ પૌરાણિક કથા તથા ધાર્મિક માન્યતાને કારણે આજે પણ ભાઈબીજના દિવસે યમુના નદીના વિવિધ ઘાટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થાય છે. ભક્તો પવિત્ર નદીમાં સ્નાન કરીને પૂજા-અર્ચના કરે છે અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરે છે.
આ દિવસે બહેનો પોતાના ભાઈઓને તિલક લગાવીને તેમના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સુખી જીવનની કામના કરે છે. આમ, ભાઈબીજનો તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમની સાથે યમરાજ અને યમુનાના પવિત્ર સંબંધની યાદ અપાવે છે.
આ પણ વાંચો: Guru Mangal Yuti: નવેમ્બરમાં આ રાશિઓ માટે ખુલશે સફળતાના નવા રસ્તા, ગુરુ-મંગળની યુતિ લાવશે ધનલાભની તક!
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)