તમે ભલે અઢળક કમાણી કરો, મોટું ઘર બનાવો કે માતા-પિતાની સેવા કરો, છતાં તમારી સારી બાબતોને અવગણવામાં આવે છે. લોકો તમારી એક નાની ખામી પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. કડવી હકીકત એ છે કે માણસને બહારના દુશ્મનો કરતાં પોતાના લોકો વધુ દુઃખ પહોંચાડે છે. બહારનો દુશ્મન શરીર પર ઘા કરે છે, જ્યારે ઈર્ષાળુ સંબંધીઓ મન અને આત્માને ઘાયલ કરે છે.
ચાણક્ય નીતિ મુજબ ઈર્ષ્યા એક ગંભીર માનસિક બીમારી સમાન છે. જ્યારે આવા લોકો તમારી સફળતા જુએ છે ત્યારે તેમને તમારી ખુશીથી નહીં, પરંતુ પોતાની નિષ્ફળતાથી તકલીફ થાય છે. તમારી સફળતા તેમને તેમની કમજોરીનો અરીસો દેખાડે છે અને ત્યાંથી તમને નીચા બતાવવાના પ્રયત્નો શરૂ થાય છે.
આવા ઇર્ષાખોર સગાઓની બોલતી કેવી રીતે બંધ કરશો?
કોઈ પ્રતિક્રિયા ન આપો
સૌથી મોટી ભૂલ એ છે કે આપણે તરત જ પ્રતિક્રિયા આપી દઈએ છીએ. કોઈ ટોણો મારે તો જવાબ આપવા કરતાં શાંત રહો, હળવું સ્મિત આપો અને આગળ વધી જાઓ. ઈર્ષાળુ લોકોને તમારી સ્પષ્ટતા નહીં, પરંતુ તમારી પ્રતિક્રિયા જોઈએ છે. જ્યારે તમે પ્રતિક્રિયા આપતા નથી, ત્યારે તેઓ પોતે જ બેચેન થઈ જાય છે.
આ રણનીતિ આવશે કામ
આવા લોકો તમારી વ્યક્તિગત માહિતી એકત્ર કરે છે જેથી પછી તેનો ઉપયોગ તમારી સામે કરી શકે. તેથી સીધા જવાબ આપવાના બદલે સામાન્ય જવાબ આપો, જેમ કે "બધું ભગવાનની કૃપા છે" અથવા "આગળ શું થાય તે જોશું." તમે જેટલી ઓછી માહિતી આપશો, એટલા વધુ સુરક્ષિત રહેશો.
સહમતિનો પ્રહાર
જો કોઈ તમારી ખામી બતાવીને તમને નિશાન બનાવે, તો તેની સાથે સહમત થઈ જાઓ. ઉદાહરણ તરીકે, "હા, તમે સાચું કહી રહ્યા છો." આ રીતે સામેની વ્યક્તિનું સૌથી મોટું હથિયાર નિષ્ફળ થઈ જાય છે, કારણ કે તેને વાદ-વિવાદ જોઈએ છે, સહમતિ નહીં.
અતિશય વિનમ્રતા મોટુ હથિયાર
જો કોઈ જાહેરમાં તમને નીચા બતાવવાનો પ્રયાસ કરે, તો ખૂબ જ નમ્રતાથી જવાબ આપો. જેમ કે, "તમે મારી એટલી ચિંતા કરો છો, હું ખરેખર ભાગ્યશાળી છું." આથી તમારી પ્રતિષ્ઠા વધશે અને સામેની વ્યક્તિ ખોટી દેખાશે.
સફળતાને બોલવા દો
ચાણક્ય નીતિ કહે છે કે પોતાની સફળતાનો દેખાડો કરવો નહીં. શાંતિથી મહેનત કરો અને પરિણામને જ તમારી ઓળખ બનવા દો. શબ્દો કરતાં તમારી સિદ્ધિઓ વધુ અસરકારક જવાબ આપે છે.
અંતર જાળવો
દરેક સમયે દરેક માટે ઉપલબ્ધ રહેવું તમારી કિંમત ઘટાડે છે. તમારા સમયને મહત્વ આપો. જ્યારે તમે હંમેશા ઉપલબ્ધ ન રહો, ત્યારે લોકો તમારી વધુ કદર કરવા લાગે છે.
આ પણ વાંચો: Lucky Zodiac Signs: આર્દ્રા નક્ષત્રમાં બુધનું ગોચર, આ રાશિના બંધ કિસ્મતના તાળા ખુલશે