ગણપતિ પૂજાનો આજે છઠ્ઠો દિવસ છે. હવે અનેક સ્થળોએ સાર્વજનિક ગણેશોત્સવમાં સ્થાપિત ગણપતિની મૂર્તિના વિસર્જનની શરૂઆત થઇ ગઇ છે. ગણપતિ પૂજાની પરંપરા અનુસાર, જે લોકો ગણપતિની સ્થાપના કરે છે તેઓ પોતાની માન્યતા અને સંકલ્પ પ્રમાણે દોઢ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અથવા દસ દિવસ બાદ ગણપતિ બાપ્પાનું વિધિપૂર્વક વિસર્જન કરે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણપતિ વિસર્જન સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. એવું માનવામાં આવે છે કે વિસર્જન દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ‘ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ’ના જયઘોષ સાથે બાપ્પાને વિદાય આપતી વખતે કઈ ભૂલો ટાળવી જોઈએ, ચાલો જાણીએ.
પૂજા અને ભોગ વિના વિસર્જન ન કરવું
માન્યતા અનુસાર ગણપતિ વિસર્જનમાં ઉતાવળ કરવી જોઈએ નહીં. વિસર્જન પહેલાં આરતી, ભજન અને વિધિપૂર્વક ઉત્તરાંગ પૂજા કરવાની પરંપરા છે. ભોગમાં મોદક, લાડુ, મોહનભોગ અને ફળ અર્પણ કરવામાં આવે છે.

નિર્માલ્યને ગમે ત્યાં ન ફેંકવું
ગણપતિની પૂજામાં ઉપયોગમાં લેવાયેલા ફૂલ, પાન, સોપારી, નાળિયેર, હાર, દુર્વા વગેરેને નિર્માલ્ય કહેવામાં આવે છે. પૂજા પૂર્ણ થયા બાદ અથવા વિસર્જન સમયે આ સામગ્રી રસ્તા, કચરાના ઢગલા કે ગટરમાં ફેંકવી ન જોઈએ. તેને ધાર્મિક ભાવના સાથે યોગ્ય રીતે સંભાળવાની પરંપરા છે.
ભોગમાં તુલસી ન ચઢાવવા
હિંદુ ધાર્મિક માન્યતા અનુસાર ગણેશ પૂજામાં તુલસીના પાન અર્પણ કરવામાં આવતા નથી. તેથી ગણપતિની પૂજા દરમિયાન કે વિસર્જન પહેલાં આપવામાં આવતા અંતિમ ભોગમાં પણ તુલસીના પાનનો ઉપયોગ ન કરવાની માન્યતા છે.
મૂર્તિનું મુખ યોગ્ય દિશામાં રાખવું
પ્રચલિત પરંપરા અનુસાર ગણપતિ બાપ્પાને વિસર્જન માટે લઈ જતી વખતે તેમનું મુખ ભક્તો અથવા પૂજા સ્થળ તરફ રાખવામાં આવે છે. આ સમયે ભાવ એવો રાખવામાં આવે છે કે જાણે ઘરના સૌથી પ્રિય મહેમાનને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી રહી હોય.
અશોભનીય વર્તનથી બચવું
ગણપતિ વિસર્જન દરમિયાન ઉત્સાહ અને આનંદનું વાતાવરણ રહે છે. ઢોલ-તાશા, ભજન અને નૃત્ય પણ કરવામાં આવે છે. જોકે, ઉજવણી દરમિયાન અશ્લીલતા, અમર્યાદિત વર્તન, વધુ પડતી ઉછળકૂદ અથવા હંગામો ન કરવો જોઈએ.
ગણપતિની મૂર્તિથી આગળ ન ચાલવું
પરંપરા અનુસાર વિસર્જનની યાત્રા દરમિયાન ભક્તોએ ગણપતિની મૂર્તિની પાછળ ચાલવું જોઈએ. મૂર્તિથી આગળ ચાલવું યોગ્ય માનવામાં આવતું નથી. તેથી બાપ્પાની વિદાય દરમિયાન શ્રદ્ધા અને શિસ્ત જાળવવી જોઈએ.
વિસર્જન બાદ નકારાત્મકતા ન રાખવી
ગણપતિ વિસર્જન બાદ ઘણા ભક્તો ભાવુક થઈ જાય છે અને મનમાં ખાલીપો અનુભવતા હોય છે. આવી સ્થિતિમાં નિરાશા કે નકારાત્મક વિચારો ન રાખવા જોઈએ. વિસર્જન બાદ ઘરમાં ઝઘડો, વિવાદ કે અપશબ્દોથી બચવું જોઈએ. ગણપતિ બાપ્પાની વિદાયને ભક્તિ, શાંતિ અને સકારાત્મક ભાવના સાથે પૂર્ણ કરવાની પરંપરા છે.
આ પણ વાંચો: Vastu Shastra: ચાંદીનો સિક્કો, કાચબો કે કોડી? ઘરમાં આ વસ્તુઓ રાખવાથી મળે છે શુભ પરિણામ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)