ભગવાન શિવના ભક્તો માટે શ્રાવણનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. માન્યતા છે કે આ મહિનો મહાદેવને અત્યંત પ્રિય છે, તેથી આ દરમિયાન ભક્તો રુદ્રાભિષેક, જપ, ઉપવાસ અને શિવપૂજા દ્વારા ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને શ્રાવણના સોમવારના વ્રતને ખૂબ શુભ માનવામાં આવે છે અને ભક્તો માનતા હોય છે કે શ્રદ્ધાથી કરેલા આ વ્રતથી મનની ઇચ્છાઓ પૂર્ણ થાય છે.
આ વખતે શ્રાવણ મહિનામાં બે મોટા ગ્રહણ આવવાના હોવાથી ઘણા ભક્તોમાં પ્રશ્ન ઊભો થયો છે કે શું તેનો પ્રભાવ પૂજા-પાઠ પર પડશે? હિંદુ ધર્મમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ દરમિયાન સામાન્ય રીતે પૂજા અને માંગલિક કાર્યો ટાળવામાં આવે છે. પરંતુ આ વર્ષે આવનારા બંને ગ્રહણ ભારતમાંથી દેખાશે નહીં, તેથી સૂતક કાળ માન્ય રહેશે નહીં.
શ્રાવણ 2026માં ગ્રહણ ક્યારે થશે?
શ્રાવણ મહિનામાં પ્રથમ ગ્રહણ 12 ઓગસ્ટ 2026ના રોજ લાગશે. આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ રહેશે. તે આર્કટિક વિસ્તાર, પોર્ટુગલ, સ્પેન અને આઇસલેન્ડ જેવા દેશોમાં જોવા મળશે. ભારતમાંથી તે દેખાશે નહીં.
બીજું ગ્રહણ 28 ઓગસ્ટ 2026ના રોજ લાગશે. આ દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવારે થશે. આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ આંશિક રહેશે અને મુખ્યત્વે આફ્રિકા, યુરોપ અને અમેરિકા જેવા પ્રદેશોમાં જોવા મળશે. ભારતમાંથી આ ગ્રહણ પણ દેખાશે નહીં. આમ સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણનો સૂતક કાળ પાળવાનો રહેશે નહી.
શું ગ્રહણનો પ્રભાવ શ્રાવણની પૂજા પર પડશે?
જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, જ્યારે ગ્રહણ ભારતમાંથી દેખાતું નથી ત્યારે તેનો સૂતક કાળ માન્ય ગણાતો નથી. તેથી શ્રાવણ દરમિયાન ભક્તો નિર્ભય બનીને ભગવાન શિવની પૂજા કરી શકશે. મંદિર દર્શન, અભિષેક, જપ, પાઠ અને સોમવારના વ્રતમાં કોઈ અવરોધ માનવામાં આવતો નથી.
હિંદુ પરંપરામાં સૂતક કાળ દરમિયાન પૂજા-પાઠ, રસોઈ અને અન્ય શુભ કાર્યો ટાળવાની પરંપરા છે, પરંતુ આ વર્ષે બંને ગ્રહણ ભારત દેખાશે નહી આથી આવી કોઈ મનાઈ લાગુ પડતી નથી.
ઉત્તર ભારતમાં શ્રાવણ 2026 ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે?
ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો 30 જુલાઈ 2026થી શરૂ થશે અને 28 ઓગસ્ટ 2026ના રોજ શ્રાવણ પૂર્ણિમા સાથે પૂર્ણ થશે. આ વર્ષે શ્રાવણમાં કુલ 4 સોમવાર આવશે:
3 ઓગસ્ટ 2026 – પ્રથમ શ્રાવણ સોમવાર
10 ઓગસ્ટ 2026 – બીજો સોમવાર
17 ઓગસ્ટ 2026 – ત્રીજો સોમવાર
24 ઓગસ્ટ 2026 – ચોથો સોમવાર
ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો 15 દિવસ વહેલો શરૂ થતો હોવાથી શ્રાવણની પૂર્ણિમાએ એટલે કે રક્ષાબંધને પૂર્ણ થશે જ્યારે ગુજરાતમાં અમાસ સુધી શ્રાવણ મહિનો રહેશે.
જે ભક્તો સોમવારનું વ્રત શરૂ કરવા ઇચ્છે છે તેઓ શ્રાવણથી શરૂઆત કરી શકે છે. તેમજ 16 સોમવારના વ્રતની શરૂઆત માટે પણ શ્રાવણનો સમય અત્યંત શુભ માનવામાં આવે છે. ભક્તો આ સમગ્ર મહિનામાં ભોળેનાથની આરાધના કરીને આધ્યાત્મિક શાંતિ અને આશીર્વાદ પ્રાપ્ત કરવાની કામના રાખે છે.
આ પણ વાંચો: Shani Vakri : શનિની વક્રી દશાથી આ રાશિના જીવનમાં આવશે મુશ્કેલી
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)