સામાન્ય રીતે હિંદુ ધર્મમાં મૃત્યુ પછી અગ્નિ સંસ્કારને સૌથી પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અગ્નિ શરીરને પંચતત્વોમાં વિલીન કરીને આત્માને તેના બંધનમાંથી મુક્ત કરે છે. પરંતુ જ્યારે વાત નાના બાળકો અથવા અવિવાહિત બાળકોની આવે છે, ત્યારે આ પરંપરા બદલાઈ જાય છે. તેનુ મુખ્ય કારણ બાળકોની નિર્મળતા અને નિષ્કપટ સ્વભાવ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ, નાના બાળકો કોઈ એવા કર્મ કરતા નથી જેના કારણે તેઓ જન્મ-મરણના બંધનમાં બંધાય. તેમની આત્મા પહેલેથી જ શુદ્ધ અને મુક્ત માનવામાં આવે છે, તેથી તેમને અગ્નિથી શુદ્ધ કરવાની જરૂર નથી માનવામાં આવતી.
બાળકોનો દાહ સંસ્કાર કેમ નથી થતો?
ગરુડ પુરાણ અનુસાર, જે બાળકના દૂધના દાંત ન નીકળ્યા હોય અથવા જે ખૂબ નાનું હોય, તેનું દાહ સંસ્કાર કરવામાં આવતું નથી. કેટલીક માન્યતાઓ મુજબ 2 થી 5 વર્ષની ઉંમર સુધીના બાળકોને દફનાવવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ ઉંમર સુધી બાળકોમાં ‘હું’ અને ‘મારું’ જેવી ભાવના વિકસતી નથી. આધ્યાત્મિક દ્રષ્ટિએ માનવામાં આવે છે કે મનુષ્યના ત્રણ શરીર હોય છે સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીર. મોટા લોકોમાં આ ત્રણેય શરીર મજબૂત રીતે જોડાયેલા હોય છે, જેને અલગ કરવા અગ્નિની જરૂર પડે છે. પરંતુ બાળકોમાં આ જોડાણ નબળું હોય છે, તેથી તેમની આત્મા સરળતાથી શરીર છોડે છે.













