કુંડળીમાં ગ્રહોની સ્થિતિ આપણા સ્વભાવ, ભાગ્ય અને જીવનની દિશાને પ્રભાવિત કરે છે. આ ગ્રહોના આધારે જ્યોતિષમાં રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. આ જ રત્ન આપણા જીવનમાં સકારાત્મક પરિણામ લાવે છે જો કે રત્ન ધારણ કરવાના ખાસ નિયમ છે. ગમે તે રત્ન પહેરી શકાતા નથી. ધાર્યુ પરિણામ મેળવવા માટે યોગ્ય સમયે યોગ્ય રીતે રત્ન ધારણ કરવા જરૂરી છે.

બીજાનું પહેરેલુ કે ધારણ કરેલુ રત્ન ધારણ કરવાથી વિપરીત પરિણામ આવે 

બીજાનું પહેરેલુ કે ધારણ કરેલુ રત્ન ધારણ કરવાથી વિપરીત પરિણામ આવે છે. આથી રત્ન શાસ્ત્રના કેટલાક નિયમો જાણવા ખુબ જરૂરી છે. ઘણી વખત સાંભળવામાં આવે છે કે બીજા વ્યક્તિની રત્નવાળી અંગૂઠી પહેરવી અશુભ માનવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે તેના પાછળ જ્યોતિષ, ઊર્જા અને માનસિક પ્રભાવ જેવા ઊંડા કારણો જોડાયેલા છે. જો તમે પણ વિચાર્યા વગર કોઈની જૂની રત્નની અંગૂઠી પહેરી લો, તો તે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

ગ્રહોની ઊર્જા આકર્ષીને તેને સક્રિય કરવાનું સાધન માનવામાં આવે

હકીકતમાં રત્ન માત્ર શણગારનો ભાગ નથી, પરંતુ તે ગ્રહોની ઊર્જા આકર્ષીને તેને સક્રિય કરવાનું સાધન માનવામાં આવે છે. દરેક રત્ન કોઈ નક્કી કરેલા ગ્રહની શક્તિ વધારવામાં મદદ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી રત્ન પહેરે છે, ત્યારે તે રત્ન તેના વ્યક્તિગત વિચારો, ઊર્જા અને જીવનની પરિસ્થિતિઓથી પ્રભાવિત થઈ જાય છે. આવી સ્થિતિમાં એ જ રત્ન જો અન્ય વ્યક્તિ પહેરે તો તેની ઉપર પણ અગાઉના ધારકની ઊર્જાની અસર પડી શકે છે.

વ્યક્તિમાં અચાનક ચિંતા, ગુસ્સો, નુકસાન કે ખોટા નિર્ણયો થવા લાગે છે.

ઉદાહરણ તરીકે, જો કોઈએ આર્થિક મુશ્કેલી, તણાવ કે બીમારીના સમયમાં રત્ન પહેર્યું હોય, તો તેના નકારાત્મક કંપન રત્નમાં સંગ્રહિત થઈ જાય છે. ત્યાર બાદ એ રત્ન જો કોઈ બીજો પહેરી લે, તો તેને પણ અન્યના તણાવ, અડચણો અથવા ગ્રહો દ્વારા થતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વ્યક્તિમાં અચાનક ચિંતા, ગુસ્સો, નુકસાન કે ખોટા નિર્ણયો થવા લાગે છે.

હંમેશા કોઈ જ્યોતિષી અથવા પંડિતની સલાહ લઈને જ રત્ન પહેરવું 

જ્યોતિષ અનુસાર રત્ન ત્યારે જ શુભ ફળ આપે છે, જ્યારે તે વ્યક્તિની કુન્ડળી મુજબ યોગ્ય ગ્રહ, યોગ્ય ધાતુ અને યોગ્ય વિધિથી પહેરવામાં આવે. બીજા વ્યક્તિની અંગૂઠી પહેરવાથી ગ્રહોની સમતુલા બગડી શકે છે. તેથી હંમેશા કોઈ જ્યોતિષી અથવા પંડિતની સલાહ લઈને જ રત્ન પહેરવું જોઈએ.

જો કોઈ કારણસર તમને જૂનું રત્ન જ વાપરવું હોય, તો તેનું વિશેષ શુદ્ધિકરણ, મંત્રજાપ અને ઊર્જા સંતુલનની પ્રક્રિયા કરવી જરૂરી છે. બીજા વ્યક્તિની રત્નવાળી અંગૂઠી પહેરવી જોખમકારક બની શકે છે. સારું એ છે કે તમે તમારી કુન્ડળી મુજબ નવું અને શુદ્ધ રત્ન જ ધારણ કરો. 


(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)