શું નાની ઉંમરના બાળકો પર પણ સાડાસાતી, રાહુ-કેતુ અથવા અન્ય મહાદશાનો ખરાબ પ્રભાવ પડે છે? આ સવાલ માતા-પિતાના મનમાં ઘણી વખત આવે છે. ખાસ કરીને જ્યારે કોઈ રાશિ પર સાડાસાતી ચાલી રહી હોય અને એ જ રાશિ બાળકની હોય, ત્યારે માતા-પિતા ચિંતિત થઈ જાય છે કે તેની અસર તેમના બાળક પર પણ પડશે કે નહીં.

જ્યોતિષ શાસ્ત્રમાં આ બાબતને લઈને કેટલીક માન્યતાઓ જોવા મળે છે. માન્યતા અનુસાર નાની ઉંમરના બાળકના જીવનમાં બનતી ઘણી ઘટનાઓ પર તેના પોતાના ગ્રહો કરતાં માતા-પિતાના કર્મો અને ગ્રહોની અસર વધુ જોવા મળે છે. 

શું માસુમ બાળકો પર સાડાસાતી અને ગ્રહદોષની અસર થાય છે?

જો કોઈ વ્યક્તિ કહે કે તમારા પાંચ વર્ષના બાળકની કુંડળીમાં રાહુ-કેતુ ખરાબ સ્થિતિમાં છે અને તેના કારણે તેને મુશ્કેલી આવશે, તો આવી વાતોથી ગભરાવું જોઈએ નહીં. બાળકની ઉંમર જો 16 વર્ષથી ઓછી હોય તો ગ્રહોની સ્થિતિનો તેના જીવન પર તે રીતે પ્રભાવ માનવો યોગ્ય નથી. 12 વર્ષની ઉંમર સુધી બાળક પોતાના કર્મો માટે સંપૂર્ણ રીતે જવાબદાર માનવામાં આવતું નથી. આ સમયગાળા દરમિયાન બાળકના કર્મોની જવાબદારી તેના માતા-પિતા સાથે જોડાયેલી માનવામાં આવે છે.

12 વર્ષ સુધી માતા-પિતાના કર્મોનો પ્રભાવ

જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જન્મથી લઈને આશરે 12 વર્ષની ઉંમર સુધી બાળકના જીવનમાં માતા-પિતાના કર્મો અને ગ્રહોની સ્થિતિનો મહત્વપૂર્ણ પ્રભાવ હોઈ શકે છે. આ કારણે જો બાળક વારંવાર બીમાર પડે, તેને કોઈ મુશ્કેલી આવે અથવા જીવનમાં અડચણોનો સામનો કરવો પડે, તો જ્યોતિષીય દૃષ્ટિકોણથી તેના કારણો શોધતી વખતે માતા-પિતાની કુંડળી અને ગ્રહોની સ્થિતિને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

માતા-પિતાએ ચિંતા કરવી જોઈએ?

બાળકની કુંડળીમાં કોઈ ગ્રહ નબળો છે અથવા તેની રાશિ પર સાડાસાતી ચાલી રહી છે તે જાણીને તરત જ ચિંતા કરવાની જરૂર નથી. ખાસ કરીને નાની ઉંમરના બાળક અંગે ભય પેદા કરતી વાતો પર વિશ્વાસ કરતા પહેલાં યોગ્ય જાણકારી મેળવવી જરૂરી છે.

આ પણ વાંચો: Budhaditya Yog: સિંહ રાશિમાં બુધાદિત્ય યોગ, આ રાશિની પ્રગત્તિ પાક્કી

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)