આ મહિનામાં ગ્રહોની ચાલમાં સતત મોટા પરિવર્તનો જોવા મળી રહ્યા છે. 18 જુલાઈ 2026ના રોજ ચંદ્ર સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં ગોચર કરશે, જેને કેટલાક જ્યોતિષીઓ વિશેષ મહત્વની ખગોળીય સ્થિતિ તરીકે જુએ છે. જ્યોતિષીય માન્યતા મુજબ આ ગોચર સાથે લાંબા સમયથી રહેલું રાહુ-કેતુનું માયાજાળ સમાપ્ત થશે, જેના કારણે કેટલાક મુખ્ય ગ્રહો તેમના બંધનમાંથી મુક્ત થઈ વધુ અનુકૂળ ફળ આપવા સક્ષમ બની શકે છે.
શું છે રાહુ-કેતુની માયાજાળ?
જ્યોતિષીય ગણતરી અનુસાર 12 રાશિઓનું કુલ ચક્ર 360 ડિગ્રીનું હોય છે અને તેનો અર્ધભાગ 180 ડિગ્રીનો ગણાય છે. જ્યારે સૂર્ય, મંગળ, બુધ, શુક્ર, શનિ અને અન્ય મુખ્ય ગ્રહો એકસાથે આ અર્ધચક્રની અંદર આવી જાય અને રાહુ-કેતુ વચ્ચે ઘેરાઈ જાય, ત્યારે તેને રાહુ-કેતુનું માયાજાળ અથવા ગ્રહોનું બંધન કહેવામાં આવે છે.
જ્યોતિષમાં એવી માન્યતા છે કે આવી સ્થિતિ દરમિયાન ગ્રહોની શુભ અસર ઓછી થઈ શકે છે અને તેઓ પોતાની સંપૂર્ણ શુભતા પ્રદાન કરવામાં મર્યાદિત બની શકે છે. જોકે, આવા પ્રભાવ વ્યક્તિની જન્મકુંડળી અને અન્ય ગ્રહસ્થિતિઓ પર પણ આધારિત હોય છે.
18 જુલાઈ પછી શું બદલાશે?
હાલની ગ્રહસ્થિતિ મુજબ સૂર્ય કર્ક રાશિમાં, મંગળ વૃષભમાં, રાહુ કુંભમાં, કેતુ સિંહમાં, શુક્ર સિંહમાં અને શનિ મીન રાશિમાં સ્થિત છે. ચંદ્ર 18 જુલાઈએ સિંહમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે આ અર્ધચક્ર તૂટશે એવી જ્યોતિષીય માન્યતા છે.
આ બદલાવ પછી કેટલાક જ્યોતિષીઓના મત મુજબ પાંચ મુખ્ય ગ્રહો રાહુ-કેતુના પ્રભાવમાંથી બહાર આવીને વધુ સકારાત્મક પરિણામ આપી શકે છે. તેની અસર વ્યક્તિગત જીવન ઉપરાંત વેપાર, રાજકારણ, હવામાન અને સામાજિક પરિસ્થિતિઓ પર પણ જોવા મળી શકે છે.
જુલાઈ 2026ના મહત્વના ફેરફારો
દેવગુરુ બૃહસ્પતિ અસ્ત:
દેવગુરુ બૃહસ્પતિ પહેલેથી જ અસ્ત અવસ્થામાં છે. જ્યોતિષીય માન્યતા મુજબ આ સમય દરમિયાન કેટલાક શુભ કાર્યોમાં વિલંબ થઈ શકે છે.
સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ:
સૂર્યદેવ કર્ક રાશિમાં ગોચર કરી ચૂક્યા છે. આ ગોચરથી કેટલીક રાશિઓના જીવનમાં નવા ફેરફારો જોવા મળી શકે છે.
બુધનું ગોચર અને માર્ગી થવુ:
બુધ મિથુન રાશિમાં ગોચર કરી ચૂક્યા છે અને 24 જુલાઈ 2026ના રોજ માર્ગી થશે. વેપાર, સંચાર, શિક્ષણ અને બુદ્ધિ સંબંધિત ક્ષેત્રોમાં તેની અસર જોવા મળી શકે છે.
શનિની વક્રી ચાલ:
27 જુલાઈ 2026ના રોજ શનિ દેવ વક્રી થશે, જેને આ મહિનાના સૌથી મહત્વપૂર્ણ જ્યોતિષીય પરિવર્તનોમાંનું એક માનવામાં આવે છે. શનિની વક્રી ચાલ કેટલાક લોકો માટે આત્મમંથન અને અધૂરા કાર્યો પૂર્ણ કરવાનો સમય બની શકે છે.
આ પણ વાંચો: Vastu Tips : ઘરના મુખ્ય દરવાજે શા માટે લગાવવામાં આવે ત્રાંબાનો સૂર્ય, જાણીલો રહસ્ય
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)