કોઈ ગ્રહ ખરેખર કેટલો શક્તિશાળી છે તે જાણવા માટે ષડ્બળ (Shadbala)નું વિશેષ મહત્વ છે. ષડ્બળના આધારે કુંડળીમાં કયો ગ્રહ સૌથી વધુ બળવાન છે અને કયો નબળો છે તે જાણી શકાય છે. જ્યોતિષ અનુસાર, જે ગ્રહ ષડ્બળમાં સૌથી વધુ મજબૂત હોય છે, તેની મહાદશા દરમિયાન વ્યક્તિને શુભ પરિણામો મળવાની સંભાવના વધુ રહે છે.

જો કોઈ ગ્રહ કુંડળીમાં નબળો દેખાતો હોય પરંતુ ષડ્બળમાં શક્તિશાળી હોય, તો પણ તે સારા પરિણામ આપી શકે છે. બીજી તરફ, ઉચ્ચ રાશિમાં બેઠેલો ગ્રહ જો ષડ્બળમાં નબળો હોય તો તેના શુભ ફળ મળવામાં વિલંબ થઈ શકે છે.

ષડ્બળ એટલે શું?

સરળ ભાષામાં કહીએ તો ષડ્બળનો અર્થ છે ગ્રહના છ પ્રકારના બળ. આ પદ્ધતિ દ્વારા રાહુ અને કેતુ સિવાયના સાત મુખ્ય ગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિની શક્તિનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

ષડ્બળના 6 મુખ્ય આધાર

સ્થાન બળ 

ગ્રહ કુંડળીમાં કયા ભાવ અને કઈ રાશિમાં સ્થિત છે તેના આધારે સ્થાન બળ નક્કી થાય છે. જો ગ્રહ મૂળત્રિકોણ, ઉચ્ચ રાશિ, સ્વરાશિ અથવા મિત્ર રાશિમાં હોય તો તેને સ્થાન બળ પ્રાપ્ત થાય છે. ઉપરાંત કેન્દ્ર અને ત્રિકોણ ભાવમાં સ્થિત ગ્રહો પણ મજબૂત માનવામાં આવે છે.

દિગ્બળ 

દરેક ગ્રહની એક અનુકૂળ દિશા હોય છે. જો ગ્રહ પોતાની અનુકૂળ દિશામાં સ્થિત હોય તો તેને દિગ્બળ મળે છે, જે તેની શક્તિમાં વધારો કરે છે.

કાળ બળ

જન્મ દિવસ દરમિયાન થયો છે કે રાત્રે અને શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષમાં થયો છે તેના આધારે કાળ બળ નક્કી થાય છે. સૂર્ય, ગુરુ અને શુક્ર દિવસ દરમિયાન વધુ બળવાન માનવામાં આવે છે, જ્યારે ચંદ્ર, મંગળ અને શનિ રાત્રે વધુ પ્રભાવશાળી હોય છે. બુધ બંને સમયે સમાન અસર આપે છે.

ચેષ્ટા બળ 

ગ્રહની ગતિ, માર્ગી કે વક્રી સ્થિતિના આધારે ચેષ્ટા બળ નક્કી થાય છે. ગ્રહની ચાલ તેની અસરને પ્રભાવિત કરે છે.

નૈસર્ગિક બળ 

આ ગ્રહનું સ્વાભાવિક બળ છે, જે ક્યારેય બદલાતું નથી. તેમાં સૂર્ય સૌથી વધુ બળવાન માનવામાં આવે છે, ત્યારબાદ ચંદ્ર, શુક્ર, ગુરુ, બુધ, મંગળ અને અંતે શનિનો ક્રમ આવે છે.

દૃગ્બળ 

જે ગ્રહ પર ગુરુ અથવા શુક્ર જેવા શુભ ગ્રહોની શુભ દૃષ્ટિ હોય તેને દૃગ્બળ પ્રાપ્ત થાય છે. જ્યારે રાહુ, શનિ જેવા ક્રોધીત ગ્રહોની દૃષ્ટિ ગ્રહના શુભ ફળને અસર કરી શકે છે.

સૌથી શક્તિશાળી ગ્રહ કેવી રીતે ઓળખવો?

કુંડળીમાં રહેલા દરેક સાત ગ્રહનું ઉપર જણાવેલા છ બળના આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે. જે ગ્રહને સૌથી વધુ બળ પ્રાપ્ત થાય છે તે સૌથી શક્તિશાળી ગણાય છે. એવો ગ્રહ પોતાની મહાદશા અથવા અંતર્દશામાં વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન, સફળતા અને પ્રગતિ લાવી શકે છે.

જ્યોતિષ મુજબ જો કોઈ ગ્રહ રાજયોગ બનાવી રહ્યો હોય પરંતુ ષડ્બળમાં નબળો હોય તો રાજયોગના સંપૂર્ણ લાભ મળવામાં અવરોધ આવી શકે છે. જ્યારે બહારથી નબળો લાગતો ગ્રહ જો ષડ્બળમાં મજબૂત હોય તો તે અપેક્ષા કરતાં વધુ સારા પરિણામ આપી શકે છે.

આ પણ વાંચો: Shani Pradosh Vrat : શનિ પ્રદોષ વ્રતનું જાણીલો ધાર્મિક મહત્ત્વ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)