આ યાત્રાનો ઉલ્લેખ સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ અને પુરુષોત્તમ મહાત્મ્ય જેવા ધાર્મિક ગ્રંથોમાં પણ જોવા મળે છે. રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ એ માનવામાં આવે છે કે જે ભક્તો આખા વર્ષ દરમિયાન મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરી શકતા નથી, તેમને પણ ભગવાનના દર્શન કરવાનો અવસર મળે.
નાથ નીકળે નગરચર્યાએ
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે વચન આપ્યું હતું કે તેઓ ત્રણ વિશેષ વિગ્રહ સ્વરૂપે સુદર્શન ચક્ર સાથે સમુદ્ર કિનારે આવેલ જગન્નાથ પુરીમાં પ્રગટ થશે અને નિલાદ્રિ પર્વત પર સદાય નિવાસ કરશે. તેમના આ સ્વરૂપના દર્શન સમગ્ર વિશ્વના લોકો કરી શકશે. આ માન્યતા સાથે જગન્નાથ ભગવાનની મહિમા અને રથયાત્રાનું વિશેષ મહત્વ જોડાયેલું છે.

રથયાત્રાનો આ બાહ્ય હેતુ છે, પરંતુ તેની પાછળ એક ઊંડો આધ્યાત્મિક અર્થ પણ છે. શ્રીચૈતન્ય મહાપ્રભુએ જગન્નાથ રથયાત્રાના ગૂઢ રહસ્યને ભક્તિ અને પ્રેમ સાથે જોડીને સમજાવ્યું હતું. તેમના અનુસાર જગન્નાથ મંદિર દ્વારકા અથવા કુરુક્ષેત્રનું પ્રતિક છે, જ્યારે ગુડિચા મંદિર વૃંદાવનનું પ્રતિક માનવામાં આવે છે.
રથયાત્રા અને શ્રીકૃષ્ણ-ગોપીઓના પ્રેમનું રહસ્ય
શ્રીકૃષ્ણ બાળપણથી લઈને લગભગ 11 વર્ષની ઉંમર સુધી વૃંદાવનમાં રહ્યા હતા. ત્યાં તેમણે પોતાની મધુર લીલાઓ દ્વારા વ્રજવાસીઓને આનંદ આપ્યો હતો. ત્યારબાદ તેઓ અક્રૂરજી (ઓધવજી) સાથે મથુરા ગયા અને કંસનો વધ કરીને પોતાના માતા-પિતા વસુદેવ અને દેવકીજીને મુક્ત કરાવ્યા.
જ્યારે મથુરા પર વારંવાર જરાસંધના આક્રમણ થવા લાગ્યા ત્યારે શ્રીકૃષ્ણે પ્રજાની સુરક્ષા માટે મથુરાવાસીઓને દ્વારકા લઈ ગયા. શ્રીકૃષ્ણના વિયોગમાં વ્રજવાસીઓ ખૂબ જ દુઃખી થયા.
ઘણા વર્ષો પછી સૂર્યગ્રહણના અવસરે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ અને વ્રજવાસીઓનું પુનર્મિલન થયું. ગોપીઓએ શ્રીકૃષ્ણને મળીને રાહત અનુભવી, પરંતુ રાજસી વેશમાં રહેલા શ્રીકૃષ્ણને જોઈને તેમને વૃંદાવન જેવી પ્રેમભરી લાગણીનો અનુભવ ન થયો.
અમારું મન જ વૃંદાવન છે
ત્યારે શ્રીરાધાજીએ કહ્યું કે અમારું મન જ વૃંદાવન છે અને તમે અમારા હૃદયરૂપ રથ પર બેસીને ફરી તે વૃંદાવનમાં આવો, જ્યાં અમારી સાથે તમારી પ્રેમભરી લીલાઓ થઈ હતી. શ્રીચૈતન્ય મહાપ્રભુએ જગન્નાથ રથયાત્રા દરમિયાન આ જ ભાવને પ્રગટ કર્યો હતો.
પ્રેમમાં પ્રગટ થયું શ્રીજગન્નાથ સ્વરૂપ
એક વખત દ્વારકામાં માતા રોહિણી શ્રીકૃષ્ણની વ્રજ લીલાઓનું વર્ણન કરી રહ્યા હતા. દ્વારકાની રાણીઓ ખૂબ જ આશ્ચર્ય સાથે આ કથા સાંભળી રહી હતી. વ્રજની પ્રેમભરી વાતો કરતાં કરતાં માતા રોહિણી ભાવવિભોર થઈ ગયા.
બીજી તરફ દ્વાર પર ઊભેલા શ્રીકૃષ્ણ પણ વ્રજની મધુર લીલાઓ સાંભળીને ભાવમાં ડૂબી ગયા. વ્રજવાસીઓના નિષ્કપટ પ્રેમને યાદ કરતાં તેમનું હૃદય દ્રવિત થયું. તેમની સાથે બલરામજી અને સુભદ્રાજી પણ આ પ્રેમભાવમાં લીન થઈ ગયા.
કહેવાય છે કે ત્રણેયના નેત્રોમાંથી આંસુ વહેવા લાગ્યા, તેમના હાથ-પગ સંકોચાઈ ગયા અને તેમનું સ્વરૂપ ધીમે ધીમે શ્રીજગન્નાથ, શ્રીબલદેવ અને શ્રીસુભદ્રાના દિવ્ય વિગ્રહ જેવું બની ગયું.
આ ઘટનામાં ભગવાનના ભક્તો પ્રત્યેના અતૂટ પ્રેમ અને ભક્તિની શક્તિનું દર્શન થાય છે. જગન્નાથ રથયાત્રા માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ ભગવાન અને ભક્ત વચ્ચેના પ્રેમ, મિલન અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે.
આ પણ વાંચો: Grah Gochar 2026: સૂર્ય-ચંદ્રમાં વચ્ચે ખુબજ શુભ યોગ, આ રાશિના જીવનમાં આવશે સમૃદ્ધિ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)