આ મંદિર આસામની રાજધાની દિસપુર નજીક નીલાંચલ પર્વત પર આવેલું છે અને તેને તંત્ર સાધનાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. કામાખ્યા દેવીને ઇચ્છા, સર્જન અને શક્તિની દેવી તરીકે પૂજવામાં આવે છે, પરંતુ આ મંદિર સાથે જોડાયેલો ઇતિહાસ અને માન્યતાઓ લોકોને અચંબિત કરી દે છે.
સતીએ યજ્ઞકુંડમાં આત્મદાહ કર્યો
પૌરાણિક કથાઓ મુજબ, જ્યારે ભગવાન શિવના પત્ની સતીએ યજ્ઞકુંડમાં આત્મદાહ કર્યો, ત્યારે શોકમાં ડૂબેલા ભગવાન શિવ સતીના દેહને લઈને તાંડવ કરવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે સતીના દેહના ભાગો કર્યા, જેથી સૃષ્ટિની રક્ષા થઈ શકે. માનવામાં આવે છે કે સતીની (યોની) અવયવ જ્યાં પડ્યો, ત્યાં કામાખ્યા શક્તિ પીઠની સ્થાપના થઈ. આ કારણે આ મંદિર અન્ય શક્તિ પીઠોથી સંપૂર્ણપણે અલગ છે.
કામાખ્યા મંદિરની સૌથી રહસ્યમય વાત
કામાખ્યા મંદિરની સૌથી રહસ્યમય વાત એ છે કે અહીં દેવીની કોઈ મૂર્તિ નથી. ગર્ભગૃહમાં એક કુદરતી શિલા છે, જેમાં એક તીરાડ છે અને ત્યાંથી પાણીનો સ્ત્રોત વહે છે. આને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. અહીં દેવીની પૂજા માસિક ધર્મવાળી શક્તિના સ્વરૂપમાં થાય છે, જે સ્ત્રી શક્તિ અને સર્જનનું પ્રતિક છે.
અંબુબાચી મેળો આ મંદિરની સૌથી મોટી વિશેષતા
દર વર્ષે અંબુબાચી મેળો આ મંદિરની સૌથી મોટી વિશેષતા છે. માન્યતા મુજબ આ સમયમાં દેવી રજસ્વલા થાય છે, તેથી મંદિરના કપાટ ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવે છે. ચોથા દિવસે વિશેષ પૂજા બાદ મંદિર ફરી ખોલવામાં આવે છે. આ દરમિયાન દેવીના વસ્ત્રો લાલ થઈ જાય છે, જેને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.
તંત્ર સાધના, રહસ્ય, આસ્થા અને સ્ત્રી શક્તિના અનોખા સંગમના કારણે કામાખ્યા દેવી મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ એક આધ્યાત્મિક રહસ્ય છે, જે દરેક શ્રદ્ધાળુને આશ્ચર્યમાં મૂકી દે છે.
આ પણ વાંચો: Mangal Guru Shadashtak Yog : ષડાષ્ટક યોગથી આ રાશિને ફાયદો, આ રાશિની ચમકશે કિસ્મત
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)