આ મહિનામાં દેશભરમાં લાખો શિવભક્તો કાવડ યાત્રા કરે છે. હરિદ્વાર, ગંગોત્રી, ગૌમુખ અને અન્ય પવિત્ર તીર્થસ્થળોથી ગંગાજળ ભરીને તેઓ પોતાના ગામ અને શહેર સુધી પગપાળા યાત્રા કરે છે. ત્યારબાદ શ્રાવણ શિવરાત્રીના દિવસે શિવલિંગ પર ગંગાજળ ચઢાવી જળાભિષેક કરે છે.

કાવડ યાત્રાની શરૂઆત 30 જુલાઈથી થઈ ચૂકી છે

વર્ષ 2026માં કાવડ યાત્રાની શરૂઆત 30 જુલાઈથી થઈ ચૂકી છે અને 11 ઓગસ્ટે શ્રાવણ શિવરાત્રીના દિવસે જળાભિષેક સાથે તેનું સમાપન થશે. આ યાત્રા દરમિયાન માર્ગમાં અનેક સ્થળોએ કાવડિયાઓ માટે સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે, જ્યાં ભોજન, પીવાનું પાણી, શરબત, ફળ, દવાઓ અને આરામની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કાવડિયાઓની સેવા કરવી એટલે ભગવાન શિવની સેવા કરવાના સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે.

કાવડિયાઓને શિવના સ્વરૂપ સમાન કેમ માનવામાં આવે છે?

કાવડ યાત્રા કરનાર ભક્ત અનેક દિવસો સુધી કઠોર નિયમોનું પાલન કરે છે. તેઓ ગંગાજળ લઈને પગપાળા યાત્રા કરે છે અને સમગ્ર માર્ગ દરમિયાન 'બોલ બમ', 'હર હર મહાદેવ' જેવા જયઘોષ સાથે ભગવાન શિવનું સ્મરણ કરતા રહે છે. ઘણા કાવડિયાઓ યાત્રા દરમિયાન સાત્વિક આહાર લે છે, નશાથી દૂર રહે છે અને સંપૂર્ણ ભક્તિભાવ સાથે પોતાના ધાર્મિક નિયમોનું પાલન કરે છે.

ધાર્મિક માન્યતા મુજબ જે ભક્ત ભગવાન શિવના નામમાં લીન થઈને આવી કઠિન યાત્રા કરે છે, તેની સેવા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. તેથી કાવડિયાઓને પાણી પીવડાવવું, ભોજન કરાવવું અથવા તેમની આરામની વ્યવસ્થા કરવી એ મહાદેવની સેવા સમાન માનવામાં આવે છે.

સેવા પાછળ છુપાયેલો છે ભક્તિનો ભાવ

કાવડ યાત્રા માત્ર ગંગાજળ લાવવાની યાત્રા નથી, પરંતુ શ્રદ્ધા, ત્યાગ, અનુશાસન અને ભક્તિનું પ્રતિક છે. કાવડિયાઓ અનેક કિલોમીટર સુધી ગરમી, વરસાદ અને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરીને યાત્રા પૂર્ણ કરે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ તેમને પાણી આપે, ભોજન કરાવે, તબીબી મદદ કરે અથવા આરામ માટે સ્થળ ઉપલબ્ધ કરાવે તો તેને નિઃસ્વાર્થ સેવા માનવામાં આવે છે.

હિંદુ પરંપરામાં નિઃસ્વાર્થ સેવાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. કાવડિયાઓની સેવા દ્વારા વ્યક્તિ માત્ર ભક્તોની મદદ જ કરતો નથી, પરંતુ ભગવાન શિવ પ્રત્યે પોતાની શ્રદ્ધા અને સમર્પણ પણ વ્યક્ત કરે છે.

શ્રાવણમાં સેવા કરવાનું ધાર્મિક મહત્વ

શ્રાવણ દરમિયાન કરવામાં આવેલા દાન, સેવા અને ભગવાનના ભક્તોની સહાયને વિશેષ પુણ્યદાયી માનવામાં આવે છે. તેથી જ કાવડ માર્ગો પર અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા મફત સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. અહીં ભક્તોને ભોજન, પાણી, દૂધ, ફળ, દવાઓ અને આરામની તમામ જરૂરી સુવિધાઓ આપવામાં આવે છે.

ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન શિવ પોતાના ભક્તોથી ખૂબ પ્રસન્ન થાય છે. તેથી તેમના ભક્તોની સેવા કરનાર વ્યક્તિને પણ શિવકૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ, શાંતિ તથા સકારાત્મકતા વધે છે. જોકે, આ માન્યતાઓ ધાર્મિક આસ્થા પર આધારિત છે અને દરેક વ્યક્તિ તેને પોતાની શ્રદ્ધા અનુસાર સ્વીકારી શકે છે.

આ પણ વાંચો: Surya Grahan 2027: 2 ઓગસ્ટે જોવા મળશે સદીનું સૌથી મોટુ સૂર્યગ્રહણ, 6 મિનિટ 23 સેકન્ડ છવાઇ જશે અંધારુ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)