ત્રણ વખત તાળી પાડવાની પરંપરા પણ એવી જ એક રીત છે, જેને લોકો કરે તો છે, પરંતુ સમજે ઓછા છે. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ભગવાન શિવના મંદિરમાં આરતી પૂર્ણ થયા પછી અથવા અભિષેક બાદ ભક્તો ત્રણ વખત તાળી જરૂર પાડે છે? મોટા ભાગના લોકો તેને પરંપરા માનીને અનુસરે છે, પરંતુ તેના પાછળ ઊંડો ભાવ અને અર્થ છુપાયેલો છે.
જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તાળી પાડવી માત્ર અવાજ કરવો નથી, પરંતુ ભક્તની આસ્થા, ભાવના અને ભગવાન પ્રત્યેના સમર્પણનું પ્રતિક છે. ત્રણ તાળી દ્વારા ભક્ત મન, વચન અને કર્મથી પોતાને ભગવાનને અર્પિત કરે છે. આવો જાણીએ આ પરંપરાનું આધ્યાત્મિક મહત્વ.
પ્રથમ, બીજી અને ત્રીજી તાળીના અર્થ
હિંદુ ધર્મમાં માન્યતા છે કે ભક્ત જ્યારે શિવ મંદિરમાં જાય છે, ત્યારે માત્ર દર્શન માટે નથી જતો, પરંતુ પોતાની ભાવનાઓ સાથે પોતાને શિવની શરણમાં સમર્પિત કરે છે. ત્રણ તાળીઓ એ જ ભાવ વ્યક્ત કરે છે. દરેક તાળીને અલગ અર્થ આપવામાં આવ્યો છે, જે શ્રદ્ધા, પ્રાર્થના અને સમર્પણ સાથે જોડાયેલો છે.
પ્રથમ તાળી “હું તમારા શરણમાં છું”
પ્રથમ તાળી ભક્તની હાજરી દર્શાવે છે. તેનો અર્થ છે કે ભક્ત પોતાને ભગવાન સમક્ષ રજૂ કરે છે “હે મહાદેવ, હું તમારા ચરણોમાં આવી ગયો છું.”
બીજી તાળી, મનની વાત પહોંચાડવી
બીજી તાળી પ્રાર્થના અને ઇચ્છાઓ સાથે જોડાયેલી છે. આ સમયે ભક્ત પોતાની સમસ્યાઓ, ઈચ્છાઓ અથવા આશાઓ ભગવાન સમક્ષ રજૂ કરે છે. જેમ કે નોકરી, પ્રગતિ, સંતાનસુખ અથવા આરોગ્ય માટે પ્રાર્થના.
ત્રીજી તાળી, ક્ષમા અને પૂર્ણ સમર્પણ
ત્રીજી તાળી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમાં ભક્ત પોતાની ભૂલો માટે ક્ષમા માંગે છે અને સંપૂર્ણ સમર્પણ વ્યક્ત કરે છે. જો પૂજા દરમિયાન કોઈ ભૂલ થઈ હોય અથવા મન ભટક્યું હોય, તો આ તાળી દ્વારા ભક્ત ભગવાનને ક્ષમા યાચે છે અને પોતાનું અહંકાર છોડે છે.
પૌરાણિક માન્યતાઓમાં તાળીની પરંપરા
લોકમાન્યતાઓ અને પૌરાણિક કથાઓમાં પણ શિવ પૂજા દરમિયાન તાળી પાડવાનો ઉલ્લેખ મળે છે. કહેવાય છે કે ભગવાન રામે લંકા વિજય પહેલાં સમુદ્ર કિનારે શિવલિંગ સ્થાપી વિધિવત્ પૂજા કરી અને અંતે ત્રણ વખત તાળી પાડી હતી. તેમ જ રાવણને પણ ભગવાન શિવનો મહાભક્ત માનવામાં આવે છે. કથાઓ મુજબ તે શિવ પૂજા દરમિયાન ત્રણ વખત તાળી પાડી પોતાની હાજરી, પ્રાર્થના અને સમર્પણ વ્યક્ત કરતો હતો.
આ રીતે શિવ મંદિરમાં ત્રણ વખત તાળી પાડવાની પરંપરા માત્ર રિવાજ નથી, પરંતુ શ્રદ્ધા, વિનમ્રતા અને પૂર્ણ સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે.
આ પણ વાંચો: Grah Gochar: એપ્રિલમાં શનિ-બુધની યુતિ, આ રાશિનો ગોલ્ડન ટાઇમ શરૂ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)