શિવ' એટલે કલ્યાણ અને 'રાત્રિ' એટલે રાત. ભગવાન ભોલેનાથની કૃપા મેળવવાનો અવસર એટલે મહાશિવરાત્રિ. આ વર્ષે 15 ફેબ્રુઆરી, 2026 ના રોજ મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવશે. મહાશિવરાત્રિ એ હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને મહત્વના તહેવારોમાંનો એક છે. આ દિવસે શિવપૂજનનું માહાત્મય છે. આ દિવસે ભક્તો શિવપૂજામાં મગ્ન બને છે. વહેલી સવારથી શ્રદ્ધાળુઓ શિવમંદિરમાં ભોલેનાથના દર્શન કરવા મંદિરે જાય છે.

મહાશિવરાત્રિ પર શિવલિંગ અને ભોલેનાથના પૂજનનું મહત્વ

મહાશિવરાત્રિ પર્વ પર જૂનાગઢમાં ભવનાથના તળેટીમાં મૃગી કુંડ પાસે સાધુ-સંતો શાહી સ્નાન કરે છે. જયારે ગુજરાતના સોમનાથ સહિત અનેક સ્થાનો પર ભવ્ય મેળાનું આયોજન થાય છે. મહાશિવરાત્રિમાં રાત્રિના ચાર પ્રહરની પૂજાનું વિશેષ મહત્વ છે. ભક્તો રાત્રે જાગીને 'ઓમ નમઃ શિવાય' ના જાપ અને ભજન-કીર્તન કરે છે. આજના દિવસે મહાદેવને અત્યંત પ્રિય ત્રણ પાનવાળું 'બિલિપત્ર' ચઢાવવામાં આવે છે. તેમજ દૂધ, જળ, મધ, ઘી અને દહીંથી પંચામૃતની પવિત્ર સામગ્રીથી શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે. ભક્તો આખો દિવસ ઉપવાસ અથવા ફળાહાર કરે છે. 

મહાશિવરાત્રિનો ઉપવાસ દરેક માટે નથી ફરજિયાત

ધાર્મિક માન્યતા મુજબ મહાશિવરાત્રીનું વ્રત રાખવાથી ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે, ભક્તોની ઇચ્છાઓ પૂર્ણ થાય છે. વધુમાં, જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે. જો કે કોઈપણ ઉપવાસ નિયમ મુજબ કરવામાં આવે તો જ શ્રેષ્ઠ ફળ મળે છે. શાસ્ત્રોમાં મહાશિવરાત્રિમાં ઉપવાસ કરવા માટે કોઈ ચોક્કસ નિયમ નથી. એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ઉપવાસ દરેક માટે ફરજિયાત નથી. ચોક્કસ પરિસ્થિતિઓમાં મહાશિવરાત્રીનો ઉપવાસ પણ ટાળવો જોઈએ. આ લોકો ભગવાન શિવનું પૂજન કરીને પણ ભોલેનાથના આર્શીવાદ લઈ શકે છે.

આ લોકોએ મહાશિવરાત્રિનો ઉપવાસ કરવાનું ટાળવું

ગર્ભવતી અને સ્તનનપાન કરાવતી મહિલાઓએ મહાશિવરાત્રિનો ઉપવાસ કરવાનું ટાળવું. ઉપવાસ રાખવાથી તેમના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આ સમયમાં તેમના શરીરને પૂરતા પોષણની જરૂર હોય છે. ડૉક્ટરની સલાહ બાદ ફળો અથવા હળવો ખોરાક ખાઈ શકો છો. આ ઉપરાંત ડાયાબિટીસ, હાઈ કે લો બ્લડ પ્રેશર, હૃદય રોગ અથવા કોઈપણ ગંભીર બીમારીથી પીડાતા લોકોએ ઉપવાસ ટાળવો જોઈએ. તેમજ વૃદ્ધ લોકોએ પણ તેમની શારીરિક ક્ષમતા મુજબ ઉપવાસ કે પૂજા કરવી જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સ્ત્રીઓએ માસિક સ્રાવ દરમિયાન મંદિર કે શિવલિંગને સ્પર્શ ન કરવો જોઈએ. આ લોકો ભગવાન શિવની પૂરા હૃદયથી પૂજા કરવાથી પણ સારું ફળ મેળવી શકે છે.


આ પણ વાંચો : Mahashivratri 2026 : મહાશિવરાત્રિની પૂજા બાદ ઘરે લાવો આ એક વસ્તુ, થશે ધનપ્રાપ્તિ !


(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી. )