ભારતીય સંસ્કૃતિમાં આદ્યશક્તિ મહાકાળી માતા (મા કાલી)ની આરાધના અતિ પ્રાચીન અને ગહન આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. મહાકાળી માતા એ માત્ર સંહારક કે રૌદ્ર સ્વરૂપ નથી,પરંતુ દુષ્ટોનો નાશ કરી ભક્તોનું માતૃવત્ પાલન કરતી પરમ કરુણામયી શક્તિ છે. દેશના પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી મધ્ય ભારત સુધી મહાકાળી માતાનાં અનેક તીર્થધામો જોવા મળે છે,જ્યાં ભક્તિ,તપસ્યા,ભવ્ય ઇતિહાસ અને સ્થાપત્યકળાનો અદ્ભુત સંગમ પણ જોવા મળે છે. માતા સતીના અંગો પડવાથી સ્થાપિત શક્તિપીઠોથી માંડીને સંતો-વિદ્વાનોની તપોભૂમિ બનેલાં ભારતના પ્રમુખ અને દિવ્ય કાલી મંદિરોનો મહિમા અપરંપાર છે.

કાલીઘાટ કાલી મંદિર (કોલકાતા,પશ્ચિમ બંગાળ)

કોલકાતામાં સ્થિત કાલીઘાટ મંદિર મા કાલીના સૌથી પવિત્ર ઉપાસના કેન્દ્રોમાં મોખરે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ સ્થળે મા સતીના પગની આંગળીઓ પડી હતી,જેથી તે ૫૧ શક્તિપીઠોમાં ગણાય છે. ૧૯મી સદીની શરૂઆતમાં સબર્ણ રાય ચૌધરી પરિવારે વર્તમાન ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અહીં મા કાલીનું ત્રિનેત્રયુક્ત,બહાર વિસ્તરેલી સુવર્ણ જિભ અને ચતુર્ભુજ સ્વરૂપ દિવ્ય અને આકર્ષક છે,જે રૌદ્રતા અને માતૃવાત્સલ્યનો અનોખો સમન્વય દર્શાવે છે.

દક્ષિણેશ્વર કાલી મંદિર (કોલકાતા,પશ્ચિમ બંગાળ)

હુગલી નદીના પૂર્વ કિનારે સ્થિત આ મંદિર વિશ્વવિખ્યાત આધ્યાત્મિક કેન્દ્ર છે. ઈ.સ. ૧૮૫૫માં પરોપકારી રાણી રાસમણીએ આ વિશાળ પરિસર બંધાવ્યું હતું. અહીં મા કાલી 'ભવતારિણી' (સંસારસાગરમાંથી તારનારી) તરીકે પૂજાય છે. બંગાળી સ્થાપત્યશૈલીના આ પરિસરમાં મુખ્ય મંદિર સાથે 12 શિવ મંદિરો અને રાધા-કૃષ્ણ મંદિર સ્થાપિત છે. પરમહંસ શ્રી રામકૃષ્ણ દેવે અહીં લાંબો સમય પૂજારી તરીકે સેવા આપી આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી,જેના લીધે આ સ્થળ વૈશ્વિક શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે.

વૈતાલ દેઉળ મંદિર (ભુવનેશ્વર,ઓડિશા)

ઓડિશાના ભુવનેશ્વરમાં સ્થિત ૮મી સદીનું આ પ્રાચીન મંદિર મા ચામુંડાને સમર્પિત છે. તે કલિંગ વાસ્તુકલાની વિશિષ્ટ 'ખાખરા શૈલી' (અર્ધ-નળાકાર છત)નું અજોડ ઉદાહરણ છે. મંદિરની બાહ્ય દીવાલો પર શિવ-પાર્વતી,શિકારના દ્રશ્યો અને મિથુન શિલ્પો કંડારેલા છે. ગર્ભગૃહમાં મુંડમાળા ધારણ કરી શવ પર આરૂઢ અષ્ટભુજા મા ચામુંડા બિરાજે છે. શાક્ત પરંપરામાં મહાસરસ્વતી,મહાલક્ષ્મી અને મહાકાલીની સંયુક્ત ઊર્જાનું આ રહસ્યમય અને શિલ્પકળાથી સભર કેન્દ્ર છે.

કાલી મંદિર (પટના,બિહાર)

બિહારની રાજધાની પટનામાં પવિત્ર ગંગા નદીના તટે આવેલું આ મંદિર નગરનું સૌથી પ્રાચીન અને આદરણીય સ્થાન ગણાય છે. પવિત્ર નદીના સાનિધ્યને કારણે અહીંનું વાતાવરણ અતિ શાંત અને દિવ્ય રહે છે. ગંગા સ્નાન કરી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા કાલીના દર્શને આવે છે. આ ક્ષેત્રમાં કાલી ઉપાસકો માટે તે વર્ષોથી અખંડ આસ્થા અને મનોકામના પૂર્ણ કરતું તીર્થસ્થળ રહ્યું છે.

ગઢ કાલિકા મંદિર (ઉજ્જૈન,મધ્યપ્રદેશ)

અવંતિકા નગરી ઉજ્જૈનમાં સ્થિત ગઢ કાલિકા મંદિર વિદ્યા અને સાધનાનું ઐતિહાસિક કેન્દ્ર છે. લોકવાયકા મુજબ મહાકવિ કાલિદાસે અહીં મા કાલિકાની કઠોર તપસ્યા કરી અદ્ભુત કાવ્ય-પ્રતિભા અને જ્ઞાનનું વરદાન મેળવ્યું હતું. આથી જ્ઞાનપીપાસુઓ,સાધકો અને વિદ્યાર્થીઓ માટે આ મંદિર અત્યંત મહત્ત્વનું છે. અહીં મા કાલીની પ્રતિષ્ઠા સાથે શક્તિના પ્રતીક એવા'શ્રી યંત્ર'નું પણ વિશેષ પૂજન કરવામાં આવે છે.

કાલી બારી મંદિર (શિમલા,હિમાચલ પ્રદેશ)

હિમાચલ પ્રદેશના શિમલામાં મોલ રોડ નજીક ટેકરી પર આવેલું આ મંદિર કુદરતી સૌંદર્ય અને આધ્યાત્મિકતાનો સંગમ છે. ઈ.સ. 1823માં જાખૂ પર્વત પર બંગાળી બ્રાહ્મણ દ્વારા તેની સ્થાપના થઈ હતી,જે બાદમાં ઈ.સ.1845માં બેન્ટોની હિલ પર સ્થળાંતરિત કરાઈ. મંદિરના સ્થાપત્ય અને પૂજા-વિધિમાં બંગાળી સંસ્કૃતિની ઊંડી છાપ જોવા મળે છે. નવરાત્રિ દરમિયાન હિમાલયની શાંતિ વચ્ચે અહીં ભક્તિનો અનોખો માહોલ રચાય છે.

ચામુંડા દેવી મંદિર (કાંગડા,હિમાચલ પ્રદેશ)

કાંગડા ખીણમાં બનેર નદીના કિનારે હિમાલયની પહાડીઓ વચ્ચે આવેલું આ ધામ 'ચામુંડા નંદીકેશ્વર ધામ'તરીકે ઓળખાય છે. દુર્ગા સપ્તશતી અનુસાર દેવી કૌશિકીના ભ્રૂકુટિમાંથી પ્રગટ થઈને ચંડ-મુંડ રાક્ષસોનો સંહાર કર્યો હોવાથી દેવી 'ચામુંડા'કહેવાયાં. ગર્ભગૃહમાં દેવીની દિવ્ય મૂર્તિ સાથે પવિત્ર ચરણચિહ્નો ધરાવતી શિલા પૂજાય છે. શિવ અને શક્તિના અખંડ ઐક્યનું પ્રતીક આ મંદિર ઉત્તર ભારતનું મોટું તીર્થસ્થળ છે.

કૃપામયી કાલી મંદિર (બરાનગર,પશ્ચિમ બંગાળ)

’જોય મિત્રા કાલીબાડી'તરીકે પ્રખ્યાત આ ઐતિહાસિક મંદિરનું નિર્માણ ઈ.સ. 1848માં જમીનદાર જય નારાયણ મિત્રાએ કરાવ્યું હતું. અહીં મા કાલી કરુણામયી રૂપે પૂજાય છે. આ પરિસર બંગાળી વાસ્તુકળાની ભવ્ય 'નવરત્ન' (નવ શિખરવાળી) શૈલીમાં નિર્મિત છે,જેની ફરતે ૧૨ શિવ મંદિરો સ્થાપિત છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ વારંવાર આ પવિત્ર સ્થાને દર્શન અને સાધના અર્થે આવતા હોવાથી તેનું આધ્યાત્મિક ગૌરવ અનેકગણું છે.

મહાકાલી શક્તિપીઠ (પાવાગઢ,ગુજરાત)

ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક પાવાગઢ પર્વતની ટોચે બિરાજમાન મા કાલિકાનું મંદિર 51 શક્તિપીઠો પૈકીનું એક પવિત્ર ધામ છે. માન્યતા મુજબ અહીં સતીનો જમણો અંગૂઠો પડ્યો હતો. 10મી-11મી સદીનું આ પૌરાણિક મંદિર તાંત્રિક દ્રષ્ટિએ પણ પૂજનીય છે,જ્યાં કાલી યંત્રની પૂજા થાય છે. ગર્ભગૃહમાં કેન્દ્રમાં કાલિકા માતા,જમણી તરફ મહાકાલી અને ડાબી તરફ બહુચરા માતાજીનાં દર્શન થાય છે. ચૈત્રી અને આસો નવરાત્રિ દરમિયાન દેશભરમાંથી લાખો ભક્તો પર્વત ચઢીને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવે છે.

આ પણ વાંચો: Kali Chaudas 2026: નરક ચતુર્દશી એટલે કાળી ચૌદસ, જાણો આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી પરંપરાઓ અને માન્યતાઓ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)