વર્ષ 2026માં મહાશિવરાત્રિ વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ ધરાવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ પવિત્ર રાત્રે ભગવાન શિવ અને માતા પાર્વતીનો દૈવી વિવાહ થયો હતો. તેથી આ રાત વૈવાહિક સુખ, સમર્પણ અને શિવ-શક્તિના મિલનનું પ્રતિક માનવામાં આવે છે.

પંચાંગ મુજબ, વર્ષ 2026માં મહાશિવરાત્રિનું વ્રત 15 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે. આ દિવસે ભક્તો શ્રદ્ધાભાવથી ભગવાન શિવની પૂજા-અર્ચના કરે છે અને આખી રાત જાગરણ કરીને ભગવાન શિવનું સ્મરણ કરે છે.

મહાશિવરાત્રિની રાત્રે બ્રહ્માંડની દૈવી ઊર્જા અત્યંત સક્રિય હોય છે

શાસ્ત્રોમાં જણાવાયું છે કે મહાશિવરાત્રિની રાત્રે બ્રહ્માંડની દૈવી ઊર્જા અત્યંત સક્રિય હોય છે. માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવે તાંડવ નૃત્ય કર્યું હતું, જે સૃષ્ટિના સર્જન, પાલન અને સંહારનું પ્રતિક છે. આધ્યાત્મિક દૃષ્ટિએ આ રાત ધ્યાન, જપ અને સાધના માટે ખૂબ શુભ માનવામાં આવે છે. “ૐ નમઃ શિવાય” મંત્રનો 108 વાર જપ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે અને મનની શુદ્ધિ થાય છે એવી માન્યતા છે.

મહાશિવરાત્રિ પર રાત્રિ જાગરણનું પણ વિશેષ મહત્વ

મહાશિવરાત્રિ પર રાત્રિ જાગરણનું પણ વિશેષ મહત્વ છે. ભક્તો આખી રાત શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર, ધતુરો અને ભાંગ અર્પણ કરે છે. ચાર પ્રહરની પૂજાનું વિધાન છે, જેમાં દરેક પ્રહરમાં અભિષેક અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આથી પાપોનો નાશ થાય છે અને જીવનના કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

આત્મચિંતન, સંયમ અને આંતરિક જાગૃતિ માટે ઉત્તમ અવસર 

આધ્યાત્મિક રીતે આ રાત આત્મચિંતન, સંયમ અને આંતરિક જાગૃતિ માટે ઉત્તમ અવસર છે. ઉપવાસ રાખવાથી શરીર શુદ્ધ બને છે અને મન એકાગ્ર થાય છે. મહાશિવરાત્રિ માત્ર તહેવાર નહીં, પરંતુ આત્મા અને પરમાત્માના મિલનની પવિત્ર રાત છે, જે સાધકોને આધ્યાત્મિક પ્રગતિ તરફ પ્રેરિત કરે છે.

આ પણ વાંચો: Rahu Nakshatra Parivartan : શતભિષા નક્ષત્રમાં રાહુનો પ્રવેશ, આ રાશિનો ભાગ્યોદય નક્કી

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)