આજે શ્રાવણના પાંચ તહેવારોની શ્રેણીમાં એક એવા નાગપંચમીનું પર્વ છે. આજે ખાસ કરીને ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં નાગપંચમીનો તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આપણે ત્યાં અલગ અલગ નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. આજે આપણે જાણીએ કે દેશના પ્રસિદ્ધ એવા નાગ મંદિર જેમાં પૂજન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

નાગવાસુકી મંદિર

નાગવાસુકી મંદિરના દર્શન વગર સંગમ નગરી પ્રયાગરાજની યાત્રા અધુરી માનવામાં આવે છે. પાપનાશિની ગંગાના કિનારે આ પૌરાણિક મંદિર આવેલુ છે. માન્યતા અનુસાર સમુદ્ર મંથનમાં મંદરાચલ પર્વત પર મંથન કરતા નાગવાસુકીનો સમુદ્ર મંથનમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં નાગવાસુકીને ઇજા પહોંચી આથી તેમને આરામ કરવા ભગવાન વિષ્ણુએ તેમને સંગમ કિનારે મોકલી દીધા, ત્યારથી આ મંદિરમાં તેઓ બીરાજેલ છે.

નાગચંદ્રેશ્વર મંદિર

મહાકાલની નદરી ઉજ્જૈનમાં આ નાગચંદ્રેશ્વર મંદિર સ્થિત છે વર્ષમાં ફક્ત એક જ વાર નાગ દેવતાના દર્શન ખુલે છે, ખુબજ પ્રાચીન આ મંદિર મહાકાલ મંદિરના શિખર પર સ્થિત છે. આ મંદિરના દર્શન માત્રથી સર્પદંશ કે અકાળ મૃત્યુનો ભય ટળે છે. કાલસર્પ દોષ ટળે છે.

તક્ષકેશ્વર મંદિર

કુંભ નગરી પ્રયાગ રાજમાં તક્ષકેશ્વર મંદિર આવેલુ છે. પાતાળ લોકમાં વસતા આઠ પ્રમુખ નાગના દેવતા તક્ષક નાગ છે. નાગપંચમીએ આ મંદિરે ખુબ મોટી સંખ્યામાં ભીડ રહે છે. પવિત્ર શ્રાવણમાં શિવજી અને નાગદેવતાની પૂજા કરવામાં આવે છે.

કર્કોટક નાગ મંદિર

સનાતન પરંપરામાં કર્કોટક પ્રમુખ નાગ દેવતાના રૂપની પૂજા કરવામાં આવે છે. તેમને નાગ દેવતા માનવામાં આવે છે. કર્કોટક નાગ મંદિર ઉત્તરાખંડના નૈનીતાલ શહેરમાં ભીમતાલ સ્થાન પર આવેલ છે. માન્યતા છે કે નાગપંચમીએ વિધિ-વિધાનથી પૂજા કરવાથી સાધકને તમામ સુખ-સંપત્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, કુંડળીમાં કાલસર્પ દોષ દૂર થાય છે.

મન્નારશાલા સર્પ મંદિર

નાગદેવતા સાથે જોડાયેલ આ અદભૂત મંદિર દક્ષિણ ભારતના કેરળમાં સ્થિત છે. મન્નારશાલા સર્પ મંદિરમાં નાગ દેવતાની હજારો પ્રતિમા છે આ મંદિરમાં દંપત્તિને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.