જન્મતારીખના તમામ અંકોનો સરવાળો કરીને મળતો એક અંક મૂળાંક તરીકે ઓળખાય છે. માન્યતા મુજબ દરેક મૂળાંકની પોતાની વિશેષતાઓ હોય છે. તેમાં મૂળાંક 1ને આત્મવિશ્વાસ, નેતૃત્વ અને નવી શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે.

મહત્ત્વાકાંક્ષી અને લક્ષ્યકેન્દ્રિત હોય

મૂળાંક 1 ધરાવતા લોકો સામાન્ય રીતે મહત્ત્વાકાંક્ષી અને લક્ષ્યકેન્દ્રિત હોય છે. તેઓ જીવનમાં કંઈક મોટું હાંસલ કરવાની ઇચ્છા રાખે છે અને પોતાના સપનાઓને સાકાર કરવા સતત પ્રયત્નશીલ રહે છે. આવા લોકો પડકારોથી ડરતા નથી અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મક્કમ રહીને આગળ વધવાનો પ્રયાસ કરે છે.

સકારાત્મકતા અને નેતૃત્વના ગુણ હોય

અંકજ્યોતિષ મુજબ મૂળાંક 1નો સ્વામી ગ્રહ સૂર્ય માનવામાં આવે છે. તેથી આવા લોકોમાં આત્મવિશ્વાસ, સકારાત્મકતા અને નેતૃત્વના ગુણ સ્વાભાવિક રીતે જોવા મળે છે. તેઓ કોઈપણ કાર્યમાં પહેલ કરવાની હિંમત ધરાવે છે અને ઘણી વખત અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે.

આ લોકો સ્વતંત્ર વિચારસરણી ધરાવતા હોય છે. તેઓ પોતાના નિર્ણયો જાતે લેવા પસંદ કરે છે અને અન્ય પર વધુ આધાર રાખવાનું ટાળે છે. નવી યોજના બનાવવી, નવા વિચારો રજૂ કરવું અને તેને સફળતાપૂર્વક અમલમાં મૂકવાની તેમની ક્ષમતા તેમને ભીડથી અલગ બનાવે છે.

અધૂરું કામ છોડવાનું પસંદ કરતા નથી

મૂળાંક 1 ધરાવતા લોકો સામાન્ય રીતે અધૂરું કામ છોડવાનું પસંદ કરતા નથી. તેઓ જે કાર્ય હાથ ધરે છે તેને પૂર્ણ કરવા માટે સતત મહેનત કરે છે. ઘણી વખત તેમની દૃઢતા અને સતત પ્રયાસ તેમને સફળતાની ઊંચાઈ સુધી પહોંચાડે છે. જોકે, ક્યારેક વધુ આત્મવિશ્વાસ અથવા પોતાના નિર્ણય પર અડગ રહેવાની વૃત્તિના કારણે તેમને અન્ય લોકો સાથે મતભેદ પણ થઈ શકે છે.

કારકિર્દીની વાત કરીએ તો આવા લોકો વ્યવસાય, વહીવટ, રાજકારણ, રમતગમત, કલા, મીડિયા, લેખન અથવા સરકારી સેવા જેવા અનેક ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરી શકે છે. તેમની નેતૃત્વ ક્ષમતા તેમને ટીમનું સફળ સંચાલન કરવામાં મદદરૂપ બને છે. ઘણા લોકો પોતાના સ્ટાર્ટઅપ અથવા વ્યવસાય દ્વારા પણ સારી ઓળખ બનાવી શકે છે.

કાર્યશૈલી અને આત્મવિશ્વાસને કારણે આગળ રહે

સામાજિક જીવનમાં પણ મૂળાંક 1 ધરાવતા લોકો પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહે છે. તેઓ નવી તક ઝડપથી ઓળખી શકે છે અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. તેમની કાર્યશૈલી અને આત્મવિશ્વાસને કારણે લોકો તેમનાથી પ્રભાવિત થાય છે.

આ પણ વાંચો: Grah Gochar: શનિ-કેતુના ષડાષ્ટક યોગથી આ રાશિને બમ્પર લાભ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)