ખરા દીલથી પોતાના ઇષ્ટની પૂજા કરવાથી જીવનમાં સકારાત્મક ઊર્જા વધે છે, મનને શાંતિ મળે છે અને વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ મજબૂત રહે છે. ઇષ્ટ દેવની કૃપાથી સાધકને માનસિક શક્તિ, આત્મવિશ્વાસ અને યોગ્ય માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે છે.
ઘણા લોકો પોતાની પારિવારિક પરંપરા, વ્યક્તિગત આસ્થા અથવા કોઈ ખાસ અનુભવના આધારે પોતાના ઇષ્ટ દેવ પસંદ કરે છે. કોઈ ભગવાન શિવને પોતાનો આરાધ્ય માને છે તો કોઈ શ્રીરામ, શ્રીકૃષ્ણ, માતા દુર્ગા, હનુમાનજી અથવા ગણેશજીની ભક્તિ કરે છે. સનાતન ધર્મની ખાસિયત એ છે કે અહીં દરેક વ્યક્તિને પોતાની શ્રદ્ધા મુજબ આરાધ્ય પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.
પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જેમની આસ્થા તમામ દેવી-દેવતાઓમાં સમાન હોય છે. તેઓ દરેક ભગવાનની પૂજા કરે છે અને કોઈ એક આરાધ્ય પસંદ કરવો તેમના માટે સરળ નથી હોતો. આવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્ર અને અંક જ્યોતિષ વ્યક્તિને તેના મૂળાંકના આધારે ઇષ્ટ દેવ અને દેવી વિશે સંકેત આપે છે. મૂળાંક વ્યક્તિની જન્મ તારીખ પરથી કાઢવામાં આવે છે અને તે તેના સ્વભાવ, વિચારસરણી અને આધ્યાત્મિક ઊર્જાને દર્શાવે છે.
ઉદાહરણ તરીકે, મૂળાંક 1 નો સંબંધ સૂર્ય સાથે માનવામાં આવે છે, તેથી આ મૂળાંકના લોકો માટે ભગવાન સૂર્ય અથવા શ્રીરામની ઉપાસના શુભ માનવામાં આવે છે. મૂળાંક 2 ધરાવતા લોકો માટે ભગવાન શિવ અને ચંદ્ર દેવની પૂજા લાભદાયક ગણાય છે. જ્યારે મૂળાંક 5 ના લોકો પર ભગવાન વિષ્ણુ અને ગણેશજીની વિશેષ કૃપા માનવામાં આવે છે. આ જ રીતે દરેક મૂળાંકનો સંબંધ કોઈને કોઈ ગ્રહ અને દૈવી શક્તિ સાથે જોડાયેલો હોય છે.
જો વ્યક્તિ પોતાના મૂળાંક મુજબ ઇષ્ટ દેવની આરાધના કરે તો તેને માનસિક શાંતિ, આધ્યાત્મિક પ્રગતિ અને જીવનમાં સકારાત્મક પરિણામો મળવા લાગે છે. નિયમિત પૂજા, મંત્ર જાપ અને શ્રદ્ધાથી કરાયેલ સ્મરણ વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આત્મબળ વધારવાનું કાર્ય કરે છે.
જન્મ તારીખથી જાણો તમારા ઇષ્ટ દેવ કોણ છે?
મૂળાંક 1 (જન્મ તારીખ 1, 10, 19, 28): ભગવાન સૂર્ય અથવા ભગવાન શ્રીરામ
મૂળાંક 2 (જન્મ તારીખ 2, 11, 20, 29): ભગવાન શિવ
મૂળાંક 3 (જન્મ તારીખ 3, 12, 21, 30): ભગવાન વિષ્ણુ અથવા ભગવાન શિવ
મૂળાંક 4 (જન્મ તારીખ 4, 13, 22, 31): કાળ ભૈરવ
મૂળાંક 5 (જન્મ તારીખ 5, 14, 23): ભગવાન ગણેશ
મૂળાંક 6 (જન્મ તારીખ 6, 15, 24): ભગવાન વિષ્ણુ અથવા ભગવાન શ્રીકૃષ્ણ
મૂળાંક 7 (જન્મ તારીખ 7, 16, 25): ભગવાન ગણેશ અથવા ભગવાન કાર્તિકેય
મૂળાંક 8 (જન્મ તારીખ 8, 17, 26): ભગવાન શિવ અથવા શનિ દેવ
મૂળાંક 9 (જન્મ તારીખ 9, 18, 27): હનુમાનજી