ઘણા લોકો હથેળી પરના નિશાનોને સામાન્ય માનીને અવગણે છે, પરંતુ જ્યોતિષીય અને હસ્તરેખા સંબંધિત માન્યતાઓમાં આ ચિહ્નો વ્યક્તિના સ્વભાવ, નેતૃત્વ ક્ષમતા અને જીવનમાં મળનારી તકો અંગે સંકેત આપતા હોવાનું માનવામાં આવે છે. એવી માન્યતા છે કે કેટલાક ખાસ નિશાન ધરાવતા લોકોમાં નેતૃત્વ કરવાની કુદરતી આવડત હોય છે અને તેઓ સમાજમાં પ્રભાવશાળી સ્થાન અથવા રાજકીય ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. જોકે, આ માન્યતાઓ પરંપરાગત હસ્તરેખા શાસ્ત્ર પર આધારિત છે અને તેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો ઉપલબ્ધ નથી.
ત્રિશૂળનું નિશાન
જો તર્જની આંગળીની નીચે આવેલા ગુરુ પર્વત પર સ્પષ્ટ ત્રિશૂલનું ચિહ્ન જોવા મળે તો હસ્તરેખા શાસ્ત્રમાં તેને શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર આવા લોકોમાં મજબૂત નેતૃત્વ ક્ષમતા હોય છે. તેઓ પોતાના જ્ઞાન, આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતાના આધારે લોકોમાં પ્રભાવ ઊભો કરી શકે છે. આવા લોકો પોતાની વાત અસરકારક રીતે રજૂ કરવામાં કુશળ હોય છે અને લોકોને પોતાની સાથે જોડવાની આવડત ધરાવતા હોવાનું કહેવાય છે. આ ગુણો તેમને સામાજિક કે રાજકીય ક્ષેત્રમાં આગળ વધવામાં મદદરૂપ બની શકે છે.
સ્ટાર (તારો)નું નિશાન
અંગૂઠાની બાજુમાં આવેલી તર્જની આંગળીની નીચે જો સ્ટારનું નિશાન હોય તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર આવા લોકોની વાણી ખૂબ જ પ્રભાવશાળી હોય છે. તેઓ પોતાના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકે છે અને લોકોનો વિશ્વાસ સરળતાથી જીતી શકે છે. માન્યતા મુજબ તેઓ મોટી ટીમો અથવા સંગઠનોનું સફળતાપૂર્વક નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે. રાજકારણ, સામાજિક સેવા અથવા જાહેર જીવન જેવા ક્ષેત્રોમાં તેઓ પોતાની અલગ ઓળખ બનાવી શકે છે.
ક્રોસનું નિશાન
તર્જની આંગળીની નીચે ગુરુ પર્વત પર સ્પષ્ટ ક્રોસનું ચિહ્ન પણ નેતૃત્વ સાથે જોડાયેલું માનવામાં આવે છે. હસ્તરેખા શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આવા લોકોમાં સંગઠન શક્તિ, નિર્ણયક્ષમતા અને જવાબદારી નિભાવવાની વિશેષ ક્ષમતા જોવા મળે છે. તેઓ લોકો વચ્ચે સમન્વય જાળવી શકે છે અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ યોગ્ય માર્ગદર્શન આપી શકે છે. તેમની વાણી અને વ્યક્તિત્વના કારણે લોકો તેમના વિચારોને સરળતાથી સ્વીકારી લેતા હોવાનું માનવામાં આવે છે
આ પણ વાંચો: Amarnath Yatra 2026: અમરનાથ યાત્રા ક્યારે શરૂ થશે? જાણો હિમલિંગ અને પવિત્ર ગુફાનું રહસ્ય
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)