ખાસ કરીને 11 નવેમ્બરે ભૌમ પુષ્ય યોગ પડી રહ્યો છે. જ્યારે પુષ્ય નક્ષત્ર મંગળવારે આવે, ત્યારે તેને ભૌમ પુષ્ય યોગ કહેવામાં આવે છે, અને તેને સામાન્ય પુષ્ય નક્ષત્ર કરતાં અનેક ગુણો વધુ શુભ માનવામાં આવે છે.
પુષ્ય નક્ષત્ર દરમિયાન કરવામાં આવેલા કાર્યો સિદ્ધ થાય
પુષ્ય નક્ષત્ર દરમિયાન કરવામાં આવેલા કાર્યો સિદ્ધ થઈ શકે તેવી સંભાવના વધુ હોય છે. આ સમય દરમિયાન ખરીદી, નવા કાર્યની શરૂઆત, જમીન-મકાન, વાહન, સોનું-ચાંદી, ઇલેક્ટ્રોનિક્સ, અથવા કોઈપણ પ્રકારના રોકાણને અત્યંત શુભ ગણવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ નક્ષત્ર ગુરુ ગ્રહથી પ્રભાવિત છે, જે જ્ઞાન, સંપત્તિ, વૃદ્ધિ અને સૌભાગ્યનો કારક છે. બીજી તરફ ભૌમ એટલે કે મંગળ, શક્તિ, સાહસ અને ઊર્જાનું પ્રતિક છે. જ્યારે ગુરુ અને મંગળની શુભતા સાથે મળે છે, ત્યારે બનતો આ યોગ વ્યક્તિને મજબૂત નિર્ણય ક્ષમતા અને સકારાત્મક ફળ આપે છે.
આધ્યાત્મિક કાર્યો માટે પણ ખૂબ અનુકૂળ
10-11 નવેમ્બરની આ સમયાવધિ આધ્યાત્મિક કાર્યો માટે પણ ખૂબ અનુકૂળ માનવામાં આવે છે. પૂજા–પાઠ, દાન, મંત્ર જપ, ગ્રહશાંતિ અને નવા સંકલ્પ લેવા માટે આ સમય ઉત્તમ છે. નવો વ્યવસાય શરૂ કરવા, ઓફિસ ખોલવા કે જૂના વ્યવસાયનો વિસ્તાર કરવા ઇચ્છતા લોકો માટે આ યોગ વિશેષ લાભકારી બની શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસોમાં કરવામાં આવેલી ખરીદી દીર્ઘકાલીન લાભ આપે છે અને રોકાણથી સ્થિરતા મળે છે. લગ્ન, ગૃહ પ્રવેશ, નામકરણ અને બીજા માંગલિક કાર્યો માટે પણ આ સમય ખુબ જ શુભ છે.
10-11 નવેમ્બરનો પુષ્ય નક્ષત્ર, ખાસ કરીને 11 નવેમ્બરના ભૌમ પુષ્ય યોગ, આર્થિક, પારિવારિક અને આધ્યાત્મિક ત્રણેય ક્ષેત્રોમાં અત્યંત સકારાત્મક પરિણામો આપનાર સંયોગ છે આ સમય દરમિયાન કરવામાં આવેલા શુભ કાર્યો સફળતા અપાવવાની શક્યતા બહુ ઊંચી હોય છે.
પુષ્ય નક્ષત્ર વર્ષમાં કેટલી વાર આવે છે?
પુષ્ય નક્ષત્ર દર મહિને એક વાર આવે છે. એટલે કે તે એક વર્ષમાં આશરે 12 વખત પડે છે. ક્યારેક પંચાંગની ગણતરી પ્રમાણે આ સંખ્યા 13 પણ થઈ શકે, પરંતુ સામાન્ય રીતે તેને 12 વાર જ માનવામાં આવે છે.
ચંદ્ર દરેક નક્ષત્રમાં લગભગ 24થી 27 કલાક સુધી ગતિ કરે છે, તેથી દરેક ચંદ્રચક્રમાં પુષ્ય નક્ષત્રનું આગમન નક્કી હોય છે. આ નક્ષત્ર કર્ક રાશિ સાથે જોડાયેલું છે અને તેનો સ્વામી ગુરુ (બૃહસ્પતિ) માનવામાં આવ્યો છે, એટલે આ નક્ષત્ર અત્યંત શુભ ફળદાયક બને છે
આ નક્ષત્ર શુભ કેમ?
પુષ્ય નક્ષત્રને “સર્વસિદ્ધિ પ્રદ” એટલે કે દરેક કાર્યને સફળ બનાવવા વાળો નક્ષત્ર કહેવાય છે. આ સમયમાં કરાયેલા કાર્યોમાં સફળતા મળવાની સંભાવના વધુ હોય છે. વ્યવસાયની શરૂઆત, સંપત્તિ ખરીદી, સોનું ખરીદવું, વાહન લેવું કે કોઈપણ માંગલિક કામ માટે આ સમય શ્રેષ્ઠ ગણાય છે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
