ભારતના તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લામાં રામેશ્વરમમાં આવેલું રામેશ્વરમ મંદિર હિન્દુ ધર્મના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને સમગ્ર વિશ્વમાં તેની એક ખાસ ઓળખ છે. હિંદ મહાસાગર અને બંગાળની ખાડી વચ્ચે સ્થિત આ મંદિર ધાર્મિક શ્રદ્ધા, સ્થાપત્ય અને પૌરાણિક કથાઓનો અદ્ભુત સંગમ છે.

રામેશ્વરમ હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીથી ચારે બાજુથી ઘેરાયેલું છે

રામેશ્વરમ હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીથી ચારે બાજુથી ઘેરાયેલું છે. એ શંખના આકારનો દ્વીપ છે. સદીઓ પહેલાં આ દ્વીપ ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલો હતો, પરંતુ ધીરે ધીરે સાગરની લહેરોથી કપાઇને અલગ થઇ ગયો અને આ ટાપુ ચારેબાજુથી પાણીથી ઘેરાઇ ગયો. ત્યારબાદ એક જર્મન એન્જિનિયરે રામેશ્વરમને જોડવા પુલનું નિર્માણ કર્યું હતું.

ભગવાન શ્રીરામે શ્રીલંકાથી પરત ફરતી વખતે દેવોના દેવ મહાદેવની આ જગ્યા ઉપર પૂજા કરી હતી

ભગવાન શ્રીરામે શ્રીલંકાથી પરત ફરતી વખતે દેવોના દેવ મહાદેવની આ જગ્યા ઉપર પૂજા કરી હતી. એમના નામ પરથી રામેશ્વર મંદિર અને રામેશ્વર દ્વીપનું નામ પડ્યું. એવી માન્યતા છે કે રાવણનો વધ કર્યા બાદ ભગવાન રામ પત્ની સીતા સાથે રામેશ્વરના તટ પર પરત ફર્યા હતા. દ્વીપમાં કોઇ મંદિર નહોતું. રામ ભગવાને રાવણનો વધ કર્યો હતો. રાવણ બ્રાહ્મણ હોવાથી રામને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું હતું. એ પાપનું નિવારણ કરવા ઋષિ-મુનિએ રામને ભગવાન શિવની પૂજા કરવાનું સૂચન કર્યું હતું,

ભગવાન શિવની મૂર્તિ લાવવા શ્રી હનુમાનને કૈલાસ પર્વત મોકલવામાં આવ્યા હતા

તેથી ભગવાન શિવની મૂર્તિ લાવવા શ્રી હનુમાનને કૈલાસ પર્વત મોકલવામાં આવ્યા હતા. જ્યારે હનુમાન સમય પર શિવલિંગ લઇને પરત ન ફર્યા ત્યારે દેવી સીતાએ સમુદ્રની રેત વડે શિવલિંગ બનાવ્યું હતું. ભગવાન રામે આ જ શિવલિંગની પૂજા કરી હતી. પછીથી હનુમાન દ્વારા લાવવામાં આવેલા શિવલિંગની પણ ત્યાં જ સ્થાપના કરી દેવામાં આવી હતી.

15મી શતાબ્દીમાં રાજા ઉડૈયાન સેતુપતિ અને નાગુર નિવાસી વૈશ્યે 78 ફીટ ઊંચા ગોપુરમનું નિર્માણ કરાવ્યું હતું. મંદિરના દક્ષિણમાં બીજા ભાગની દીવાલનું નિર્માણ તિરુમલય સેતુપતિએ કરાવ્યું હતું. આમ, સમયની સાથે મંદિરનું નિર્માણ થતું ગયું.