શું તમે જાણો છો કે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર ચહેરાની આ બનાવટ માત્ર દેખાવ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે વ્યક્તિના સ્વભાવ, વિચારસરણી, વ્યક્તિત્વ અને જીવન સાથે જોડાયેલા અનેક સંકેતો પણ આપી શકે છે? ચાલો જાણીએ ચહેરાના અલગ-અલગ આકાર કઈ બાબતો તરફ ઈશારો કરે છે.

ગોળ ચહેરો

જો તમારો ચહેરો ગોળ છે અને ગાલ ભરાવદાર છે, તો સામુદ્રિક શાસ્ત્રમાં તેને શુભ માનવામાં આવે છે. આવા લોકો ભાવુક, સ્નેહી, દયાળુ અને મળતાવડા સ્વભાવના હોય છે. તેઓ બીજાની મદદ કરવા માટે હંમેશાં તૈયાર રહે છે અને તેમનું હૃદય સ્વચ્છ હોય છે. આવા લોકો કલા, શિક્ષણ, મીડિયા, હૉસ્પિટાલિટી અને પબ્લિક રિલેશન્સ જેવા ક્ષેત્રોમાં સારું નામ મેળવી શકે છે. ગોળ ચહેરાવાળા લોકો ધનના મામલે પણ ભાગ્યશાળી માનવામાં આવે છે.

ચોરસ અથવા વર્ગાકાર ચહેરો

જો કપાળ, ગાલ અને જડબાની પહોળાઈ લગભગ સમાન હોય તો તેને ચોરસ ચહેરો કહેવામાં આવે છે. આવા લોકો મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતા, વ્યવહારુ, દૃઢનિશ્ચયી અને શિસ્તબદ્ધ હોય છે. તેઓ સામાન્ય રીતે ભાવનાઓ કરતાં તર્ક અને બુદ્ધિને વધુ મહત્વ આપે છે. તેમનામાં નેતૃત્વ કરવાની સારી ક્ષમતા હોય છે. આવા લોકો વહીવટી સેવા, રાજકારણ, સેનામાં, વેપાર, એન્જિનિયરિંગ અથવા ઇમ્પોર્ટ-એક્સપોર્ટ જેવા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકે છે. તેમના જીવનમાં મળેલી સફળતા પાછળ તેમની મહેનતનો મોટો ફાળો હોય છે.

અંડાકાર ચહેરો

અંડાકાર ચહેરાવાળા લોકો બુદ્ધિશાળી, કલાત્મક અને સંતુલિત વિચારસરણી ધરાવતા હોવાનું સામુદ્રિક શાસ્ત્રમાં માનવામાં આવે છે. તેઓ પરિસ્થિતિ અનુસાર પોતાને ઝડપથી ઢાળી શકે છે. ડિઝાઇનિંગ, ફેશન, અભિનય, સંશોધન, લેખન અને મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં તેઓ સારી સફળતા મેળવી શકે છે. આવા લોકોમાં પ્રસિદ્ધિ મેળવવાની ક્ષમતા હોય છે. જો તેઓ પોતાના લક્ષ્ય પર એકાગ્રતા જાળવી રાખે તો જીવનમાં મોટી સિદ્ધિઓ મેળવી શકે છે.

પહોળો ચહેરો

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર પહોળા ચહેરાવાળા લોકો સરળ અને સંતુષ્ટ સ્વભાવના હોય છે. તેઓ સામાન્ય રીતે લોભ અને છળકપટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેઓ ખુશમિજાજ અને મધુર વાણી ધરાવતા હોય છે. આવા લોકો સારા શિક્ષક, માર્ગદર્શક અથવા લેખક બની શકે છે. તેમની વાતચીતની શૈલીને કારણે લોકો સરળતાથી તેમની સાથે જોડાઈ જાય છે.

હાર્ટ શેપ ચહેરો

હાર્ટ શેપ ચહેરાવાળા લોકો આકર્ષક, ભાવુક, સમજદાર અને સર્જનાત્મક સ્વભાવના હોય છે. તેઓ સંબંધોને ખૂબ જ ઈમાનદારીથી નિભાવવાનો પ્રયાસ કરે છે. કલા, સંગીત અને અન્ય સર્જનાત્મક ક્ષેત્રોમાં તેમની ઊંડી રુચિ હોઈ શકે છે. તેઓ ઘણી બાબતોને દિલથી સમજે છે અને લાગણીઓને મહત્વ આપે છે.

આ રીતે સામુદ્રિક શાસ્ત્રમાં ચહેરાની વિવિધ બનાવટને વ્યક્તિના સ્વભાવ અને જીવન સાથે જોડીને જોવામાં આવે છે. જોકે આ માન્યતાઓ પરંપરાગત શાસ્ત્રો પર આધારિત છે અને તેને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા તથ્ય તરીકે ન લેવું જોઈએ.

આ પણ વાંચો: August Planetary Transits: 2 મોટા ગ્રહણ અને 6 ગ્રહોની હલચલ, 11 ઓગસ્ટ સુધી આ રાશિ થશે માલામાલ!


(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)