ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં 13 ઓગસ્ટથી શ્રાવણની શરૂઆત થશે ઉત્તર ભારતમાં આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે, જે ભગવાન શિવની આરાધના માટે અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો મહાદેવને જળાભિષેક કરે છે, બીલીપત્ર અર્પણ કરે છે અને વિધિપૂર્વક પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવવાની પ્રાર્થના કરે છે. હિંદુ ધર્મમાં શિવપુરાણને ભગવાન શિવ સાથે જોડાયેલું સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે. આ ગ્રંથમાં માત્ર ભગવાન શિવની લિલાઓ જ નહીં, પરંતુ તેમના પરિવાર, ભક્તો અને શક્તિશાળી ગણો વિશે પણ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.
શિવપુરાણ અનુસાર ભગવાન શિવના અસંખ્ય ગણો હતા
શિવપુરાણ અનુસાર ભગવાન શિવના અસંખ્ય ગણો હતા, જે હંમેશા પોતાના સ્વામી પ્રત્યે સંપૂર્ણ સમર્પિત રહેતા હતા. આ ગણોમાં ભૂત, પ્રેત, પિશાચ, યક્ષ, ગંધર્વ અને અન્ય દિવ્ય શક્તિઓનો સમાવેશ થતો હતો. આ વિશાળ સેનાના કેટલાક મુખ્ય અને પરાક્રમી સેનાપતિઓનો ઉલ્લેખ શિવપુરાણમાં વિશેષ રીતે કરવામાં આવ્યો છે.
ભૈરવ બાબા
ભગવાન શિવના સૌથી શક્તિશાળી ગણોમાં ભૈરવ બાબાનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. તેમને ભગવાન શિવના તમામ પવિત્ર ધામોના રક્ષક માનવામાં આવે છે. આજેય કેદારનાથ, મહાકાલેશ્વર અને કાશી વિશ્વનાથ જેવા પ્રસિદ્ધ શિવ મંદિરોની આસપાસ ભૈરવજીના મંદિરો જોવા મળે છે. ધાર્મિક માન્યતા મુજબ ભૈરવ બાબા વિવિધ સ્વરૂપોમાં આ પવિત્ર સ્થાનોની રક્ષા કરે છે. તેઓ અનેક દિવ્ય અસ્ત્રો, શસ્ત્રો અને ગુપ્ત વિદ્યાના જાણકાર માનવામાં આવે છે.
વીરભદ્ર
ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ તરીકે વીરભદ્રનું વિશેષ સ્થાન છે. તેમની ઉત્પત્તિ દક્ષ પ્રજાપતિના યજ્ઞ સાથે જોડાયેલી છે. જ્યારે માતા સતીએ પોતાના પિતાના યજ્ઞમાં થયેલા અપમાનથી દુઃખી થઈ યજ્ઞકુંડમાં આત્માહુતિ આપી હતી, ત્યારે ભગવાન શિવે ક્રોધમાં પોતાની જટામાંથી વીરભદ્રને પ્રગટ કર્યા હતા. વીરભદ્રે દક્ષના યજ્ઞનો નાશ કર્યો અને દક્ષ પ્રજાપતિનું મસ્તક ધડથી અલગ કરી દીધું. તેમને ભગવાન શિવના સૌથી પરાક્રમી અને ઉગ્ર ગણ તરીકે ઓળખવામાં આવે છે.
ઘંટાકર્ણ
ભગવાન શિવના શક્તિશાળી સેનાપતિઓમાં ઘંટાકર્ણનું નામ પણ ખૂબ મહત્વનું છે. કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર તેઓ યક્ષરાજ કુબેરના સહયોગી પણ હતા. કેટલાક ગ્રંથોમાં તેમને ભૈરવનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. ઘંટાકર્ણને શૂરવીર, યુદ્ધકુશળ અને અડગ ભક્ત તરીકે વર્ણવવામાં આવ્યા છે. અનેક ધાર્મિક કથાઓમાં તેમના પરાક્રમનો ઉલ્લેખ મળે છે.
નંદીજી
ભગવાન શિવના સૌથી પ્રિય ગણ અને તેમના વાહન તરીકે નંદીજીનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર નંદીજી ઋષિ શિલાદના પુત્ર હતા. અલ્પ આયુષ્યના યોગને દૂર કરવા માટે તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને અમરત્વનું વરદાન આપ્યું અને પોતાનું વાહન તેમજ તમામ ગણોના મુખ્ય તરીકે સ્થાન આપ્યું. નંદીજીની અડગ ભક્તિ, વફાદારી અને શક્તિના કારણે આજે દરેક શિવ મંદિરમાં શિવલિંગની સામે તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે.
શિવપુરાણ આપણને શીખવે છે કે ભગવાન શિવના ગણ માત્ર સામાન્ય સહયોગી નહોતા, પરંતુ અદભૂત શક્તિ, પરાક્રમ અને અખંડ ભક્તિથી સમૃદ્ધ દિવ્ય યોદ્ધાઓ હતા. તેઓ હંમેશા ધર્મની રક્ષા, અધર્મના નાશ અને ભગવાન શિવના આદેશના પાલન માટે તત્પર રહેતા હતા. તેથી જ સાવન જેવા પવિત્ર મહિનામાં ભગવાન શિવની સાથે તેમના ગણોની પણ ભક્તિપૂર્વક સ્મૃતિ કરવામાં આવે છે.
આ પણ વાંચો: Guru Gochar 2026: બુધના નક્ષત્રમાં આવશે દેવગુરૂ બૃહસ્પતિ, આ રાશિના પ્રગતિના નવા દ્વાર ખુલશે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)