સામાન્ય રીતે 'શનિ' નામ સાંભળતાં જ લોકોના મનમાં એક પ્રકારનો ભય કે ચિંતા પેદા થાય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રના ઊંડા અભ્યાસ મુજબ, શનિદેવ માત્ર સજા આપનારા ગ્રહ નથી, પરંતુ તેઓ મનુષ્યને તેના કર્મોનું યોગ્ય ફળ આપનારા 'ન્યાયના દેવતા' છે. આ જ કારણે હિન્દુ ધર્મમાં શનિ જયંતિના દિવસને અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવ્યો છે. આ ખાસ દિવસે ભક્તો પોતાના જીવનના કષ્ટો, ગ્રહ દોષો અને પ્રગતિમાં આવતા અવરોધોને દૂર કરવા માટે શનિદેવની વિશેષ ઉપાસના કરે છે.
શનિ પૂજાની સામગ્રીનું મહત્વ
શનિ પૂજામાં સરસવનું તેલ, કાળા તલ અને માટીના દીવાઓનો ઉપયોગ માત્ર એક પરંપરા નથી, પરંતુ તેની પાછળ ગહન જ્યોતિષીય મહત્વ છુપાયેલું છે. એવું માનવામાં આવે છે કે આ સામગ્રીના સાચા ઉપયોગથી શનિદેવના પ્રકોપ શાંત થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિનો સંચાર થાય છે.
શનિ જયંતિ 2026 આજે છે
વૈદિક પંચાંગ અનુસાર, દર વર્ષે જ્યેષ્ઠ મહિનાની અમાસના દિવસે શનિ જયંતિ મનાવવામાં આવે છે. વર્ષ 2026 માં, આ અમાસની તિથિ 16 મે, શનિવારના રોજ સવારે 5.11 વાગ્યે શરૂ થઇ અને 17 મે ના રોજ મોડી રાત્રે 1.30 કલાકે પૂર્ણ થશે.
શનિ જયંતિએ ખાસ સંયોગ
ઉદય તિથિના નિયમ પ્રમાણે, આ વર્ષે શનિ જયંતિ 16 મે 2026 ના રોજ ઉજવાઇ રહી છે. વળી આજે શનિ જયંતિ શનિવારના દિવસે જ આવતી હોવાથી આ સંયોગ અતિ શુભ અને પ્રભાવશાળી બની રહ્યો છે. જ્યોતિષીઓના મતે, આ દિવસે કરેલી પૂજા-અર્ચનાથી લાંબા સમય સુધી સકારાત્મક પરિણામો મળે છે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ હાલમાં શનિની સાડાસાતી કે ઢૈયાની અસરમાંથી પસાર થઈ રહ્યા છે.
ભગવાન શનિ અને કર્મોનો સિદ્ધાંત
મનુષ્યના મનમાં શનિદેવ પ્રત્યે ભય હોવાનું મુખ્ય કારણ એ છે કે તેઓ વ્યક્તિને તેની મહેનત અને કર્મોના આધારે જ પરિણામ આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ અથાગ પરિશ્રમ કરવા છતાં અસફળ રહે છે, અથવા આર્થિક અને વ્યાવસાયિક મોરચે સતત મુશ્કેલીઓ વેઠે છે, ત્યારે તેને 'શનિ દોષ' માનવામાં આવે છે.
પરંતુ વાસ્તવમાં, શનિદેવનો પ્રભાવ માણસને અંદરથી મજબૂત બનાવવાનું કામ કરે છે. તે આપણને જીવનમાં ધીરજ, શિસ્ત અને સંઘર્ષ સામે લડવાની શક્તિ શીખવે છે. આ જ કારણે આ દિવસે પૂજાની સાથે-સાથે ગરીબોની સેવા અને દાન કરવાનું અનંત પુણ્ય છે.
પૂજા સામગ્રીનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ
શનિદેવને કેમ ચઢાવાય છે સરસિયું ?
સરસવનું તેલ શનિ ગ્રહની ઉગ્રતાને શાંત કરવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. ભક્તો શનિ મંદિરોમાં તેલ અર્પણ કરે છે અથવા પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવે છે. આજે પણ એક પરંપરા તરીકે લોકો લોખંડના પાત્રમાં તેલ ભરીને તેમાં પોતાનું મોઢું (પ્રતિબિંબ) જોઈને તે તેલનું દાન કરે છે, જેને 'છાયા દાન' કહેવાય છે. આનાથી નકારાત્મક ઉર્જા અને નજર દોષ દૂર થાય છે.
કાળા તલનું મહત્વ
કાળા તલ શનિદેવને અતિ પ્રિય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ કાળા તલનું દાન કરવાથી વ્યક્તિના પૂર્વજન્મના પાપકર્મોના દોષો હળવા થાય છે. આ દિવસે કાળા તલનું દાન કરવું, તલવાળા પાણીથી સ્નાન કરવું અને કાળા તલના લાડુ વહેંચવા ખૂબ જ શુભ ગણાય છે. રાહુ-કેતુ કે નબળા શનિની પીડા ભોગવતા લોકો માટે કાળા તલનું દાન રામબાણ ઈલાજ સમાન છે.
દીવો પ્રગટાવવાનું રહસ્ય:
શનિ પૂજામાં દીવો પ્રગટાવવો એ અજ્ઞાન અને ભયના અંધકારને દૂર કરી જ્ઞાનના પ્રકાશ તરફ જવાનું પ્રતીક છે. ખાસ કરીને સાંજના સમયે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવાથી માનસિક તણાવ અને પારિવારિક કલેશ શાંત થાય છે. શનિદેવ મંદ ગતિએ ચાલતા ગ્રહ હોવાથી, તેમના આશીર્વાદ પણ ધીમે-ધીમે પરંતુ સ્થાયી રૂપે મળે છે.
શનિ જયંતિ પર શું કરવું અને શું ન કરવું?
શનિજયંતિએ શું કરવું ?
- જરૂરિયાતમંદ લોકોને કાળા કપડાં, અડદની દાળ, કાળા તલ, ચંપલ અથવા સરસવના તેલનું દાન કરવું.
- આ દિવસે હનુમાન ચાલીસા, બજરંગ બાણ અથવા શનિ સ્તોત્રના પાઠ કરવાથી શનિદેવ શીઘ્ર પ્રસન્ન થાય છે.
આ કાર્યો ભૂલથી પણ ન કરવા
- આ પવિત્ર દિવસે કોઈની સાથે અસત્ય ન બોલવું, કોઈ લાચાર કે ગરીબ વ્યક્તિનું અપમાન ન કરવું.
- ક્રોધ અને નકારાત્મક વિચારોથી દૂર રહીને મનમાં શિસ્ત જાળવવી.