સુરતવાસીઓના પોતીકા પર્વ ચંદની પડવા અને ધાર્મિક રીતે ભારે મહાત્મય ધરાવતા શરદ પૂર્ણિમા પર્વની ઉજવણીને તિથીનો વિચિત્ર સંયોગ નડયો છે. એકમના ક્ષયને પગલે બન્ને પર્વની ઉજવણીને લઇને મતમતાંતર જોવા મળી રહ્યો છે. જેમાં સોમવારે શરદ પૂર્ણિમા અને મંગળવારે ચંદની પડવો ઉજવવાનો મત જ્યોતિષી આપી રહ્યા છે. આ સ્થિતિમાં સુરતવાસીઓ સોમવારે દૂધ-પૌંઆ, ખીર આરોગશે. જ્યારે મંગળવારે સ્વાદિષ્ટ ઘારી આરોગશે.
તિથીના વિચિત્ર સંયોગ વચ્ચે સોમવારે શરદ પૂર્ણિમાની ઉજવણી થશે
દર વર્ષે આસો સુદ પૂનમના રોજ શરદ પૂર્ણિમા પર્વ અને એક દિવસ પછી આસો વદ એકમે સુરતમાં ચંદની પડવા પર્વની ઉજવણી થાય છે. જોકે, ચાલુ વર્ષે પૂર્ણિમાની તારીખ અંગે લોકોમાં મૂંઝવણ પ્રવર્તી રહી છે. એકમની ક્ષય તિથી હોવાની સાથે શરદ પૂર્ણિમા ક્યારે ઉજવવી અને ચંદની પડવો ક્યારે ઉજવવો તે અંગે મતમતાંતર જોવા મળી રહ્યા છે. દરમિયાન તિથીના વિચિત્ર સંયોગ મુદ્દે જ્યોતિષીઓ સોમવારે પૂર્ણિમા અને મંગળવારે પડવો ઉજવવાનો સૂર આલાપી રહ્યા છે.
પૂર્ણિમા તિથી બે દિવસ આવી રહી છે
પૂર્ણિમા તિથી બે દિવસ આવી રહી છે. સોમવારે બપોરે 12.24 વાગ્યાથી પૂનમ શરૂ થાય છે અને મંગળવારે સવારે 09.17 વાગ્યે પૂર્ણાહુતિ થાય છે. એકમની ક્ષય તિથી વચ્ચે સવારે 09.17થી બીજા દિવસે સવારે 05.54 વાગ્યા સુધી એકમ છે. બુધવારે બીજની તિથી છે. શરદ પૂર્ણિમાએ રાત્રીનું ભારે મહત્વ હોય અને લક્ષ્મીજી આખી રાત ભ્રમણ કરતા હોવાની વાયકા હોય સોમવારે જ શરદ પૂર્ણિમા ઉજવાશે. સોમવારે કોજાગર, માણેકઠારી, શરદ પૂનમ, વ્રતની પૂનમ, મીરાબાઇ જયંતી, લક્ષ્મી-ઇન્દ્ર પૂજા, લક્ષ્મી પૂજા જેવા પ્રસંગો ઉજવાશે.
શરદ પૂર્ણિમાએ દૂધ-પૌંઆ, ખીર આરોગવાનું મહત્વ
જ્યોતિષીના જણાવ્યા મુજબ, શરદ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમાથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મીજી સમુદ્ર મંથનથી પ્રગટ થયા હતા. તેથી દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે નદી સ્નાન, દાન કરવામાં આવે છે. ખીર, દૂધ-પૌંઆ રાત્રી ચંદ્રના કિરણો નીચે મૂક્યા બાદ આરોગવાનું ધાર્મિક-વૈજ્ઞાનિક દૃષ્ટિએ મહત્વ છે. શરદ પૂર્ણિમાએ ચંદ્ર 16 કળાઓથી પૂર્ણ થઇ રાતભર પોતાના કિરણોમાંથી અમૃત વર્ષા કરે છે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.