હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ હોય છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે અને ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ઘણો શુભ છે. માન્યતા છે કે આ પવિત્ર માસમાં વ્યક્તિને જે પણ સંકેત કે સપના આવે છે તેનો સીધો સંબંધ ભવિષ્યની ઘટના પર હોય છે. ખાસ કરીને કેટલાક સ્વપ્ન જો શ્રાવણ માસમાં દેખાય તો સૌભાગ્ય, સમૃદ્ધિ અને મનોકામનાની પૂર્તિનું સંકેત માનવામાં આવે છે. ત્યારે આવો જાણીએ શ્રાવણ માસમાં કેવા સ્વપન શુભસંકેતો આપનારા છે.
શિવ કે શિવલિંગ
જો તમને સ્વપ્નમાં ભગવાન શિવ કે શિવલિંગના દર્શન થાય તો અત્યંત શુભ મનાય છે. આ સ્વપ્ન એ વાતનું સંકેત છે કે ભગવાન શિવની કૃપા તમારા પર છે અને તમારા તમામ કષ્ટ દૂર થવાના છે. ધનલાભ, માન સન્માનમાં વૃદ્ધિ અને મનોકામના પૂર્તિના પણ સૂચક છે.
નાગ-નાગિન
શ્રાવણમાં નાગ દેવતાની પૂજાનું વિશેષ મહત્વ છે. જો સપનામાં નાગ-નાગણ દેખાય અને ખાસ કરીને જો સફેદ નાગ દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત છે. આ સપનું ધન પ્રાપ્તિ, પૈતૃક સંપત્તિમાં વૃદ્ધિ અને અટકેલા કાર્યો પૂર્ણ થવાનું પ્રતિક છે.
શ્રાવણમાં જો તમે કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરતા હોય તેવુ સ્વપ્ન આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સ્વપ્ન જીવનમાં સુખ શાંતિ, સમૃદ્ધિ અને તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ આપે છે.
ખેતર કે લીલીછમ હરિયાળી
સ્વપ્નમાં ચોમેર હરિયાળી છવાયેલી જોવા મળે, તથા ખેતર કે પછી વૃક્ષો જોવા મળે તો, તમારા જીવનમાં ખુશી અને બઢતીના સંકેત છે. જે વેપારમાં વૃદ્ધિ, નવા અવસરોની પ્રાપ્તિ અને સ્વાસ્થ્ય લાભનુ પ્રતિક છે.
બિલ્વપત્ર-ધતૂરો
બિલ્વ પત્ર કે ધતૂરો જો સ્વપ્નમાં જોવા મળે તો તે શિવની વિશેષ કૃપાનો સંકેત છે. જે તમારી તમામ ઇચ્છાઓ પુરી કરવી અને જીવનમાં સકારાત્મક બદલાવ સૂચવે છે. બિલ્વપત્ર અને ધતૂરો ભગવાન શિવને પ્રિય છે.
ડમરૂ
જો સપનામાં તમને ડમરુનો અવાજ સંભળાય અથવા તો ડમરુ દેખાય તો તે તમારા માટે શુભ છે. ડમરૂ ભગવાન શિવનું વાદ્ય યંત્ર છે અને તે દેખાવુ અથવા સંભળાવુ ખુશી, ઉત્સવો અને શુભ સમાચારોનું પ્રતિક છે.
ત્રિશૂલ
ભગવાન શિવનુ ત્રિશૂલ સૃષ્ટિ, સ્થિતિ અને સંહારનું પ્રતિક છે. જો ત્રિશૂલ સપનામાં દેખાય તો તમે શત્રુઓ પર વિજય, સમસ્યાઓથી મુક્તિ અને જીવનમાં સ્થિરતા આવવાના સંકેત છે.
નંદી
ભગવાન શિવનું વાહન નંદીના સપનામાં દર્શન થવા પણ શુભ મનાય છે. એ એવાતનો સંકેત છે કે તમારી મહેનતનું તમને ફળ મળવાનું છે . જીવનમાં સ્થિરતા અને સફળતા આવવાની છે.
ચંદ્રમા
ભગવાન શિવ પોતાના માથે ચંદ્રમા ધારણ કરે છે. જો તમને સપનામાં ચંદ્રમા જોવા મળે તો તે, માનસિક શાંતિ, સકારાત્મકતા અને જીવનમાં નવા પ્રકાશના આગમનનું સંકેત છે. જે તમારા સંબંધમાં મધપરતા અને ભાવનાત્મક સ્થિરતાનું પણ પ્રતિક છે.
(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથું કે તે સાચું અને સાબિત થયું છે. )