સ્નાન, ધ્યાન, મંત્રોચ્ચાર અને આરતીની સાથે ભગવાનને પુષ્પ અર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ ભગવાનને ફૂલ ચઢાવવું ભક્તિ, શ્રદ્ધા અને નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતિક છે. એવું માનવામાં આવે છે કે મનથી અને યોગ્ય રીતે અર્પણ કરાયેલા ફૂલોથી દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે અને ભક્ત પર પોતાની કૃપા વરસાવે છે.
શિવ પુરાણ, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં અલગ-અલગ દેવી-દેવતાઓને પ્રિય એવા પુષ્પોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દરેક દેવતાને તેમના સ્વભાવ અને તત્વ અનુસાર અલગ ફૂલ પ્રિય માનવામાં આવે છે. આવો જાણીએ ભગવાન ગણેશ, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને કયા ફૂલ અર્પણ કરવા શુભ માનવામાં આવે છે.
ભગવાન ગણેશને અર્પણ કરો લાલ ફૂલ
ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવતા તરીકે પૂજવામાં આવે છે. તેમની પૂજામાં લાલ રંગના ફૂલ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને લાલ જાસુદ (ગૂડહલ)નું ફૂલ ભગવાન ગણેશને અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.
આ ઉપરાંત દુર્વા ઘાસ ભગવાન ગણેશને અત્યંત પ્રિય છે. માન્યતા છે કે લાલ ફૂલ સાથે દુર્વા અર્પણ કરવાથી ભગવાન ગણેશ ઝડપથી પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી જીવનના અવરોધ દૂર થાય છે, મનને શાંતિ મળે છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
ભગવાન વિષ્ણુને પ્રિય છે કમળ અને મોગરાનું ફૂલ
ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલનહાર માનવામાં આવે છે. તેમની પૂજામાં હંમેશા પવિત્ર, સુગંધિત અને તાજા ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુને તુલસી, મોગરો અને ખાસ કરીને કમળનું ફૂલ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ધાર્મિક માન્યતા અનુસાર કમળના ફૂલમાં દેવી લક્ષ્મીનો નિવાસ હોય છે. તેથી ભગવાન વિષ્ણુને કમળ અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનલાભના યોગ મજબૂત બને છે.
ભગવાન શિવને પ્રિય છે આ ફૂલ
ભગવાન શિવની પૂજામાં અનેક પ્રકારના ફૂલ અને પત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. મહાદેવને ધતૂરાનું ફૂલ અને ફળ, આંકડાનું ફૂલ તેમજ બિલ્વપત્ર (બેલપત્ર) અત્યંત પ્રિય માનવામાં આવે છે.
શિવજીને બેલપત્ર અર્પણ કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. માન્યતા છે કે શ્રદ્ધાપૂર્વક ધતૂરો, આંકડાનું ફૂલ અને બેલપત્ર અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તના જીવનમાંથી દુઃખ-કષ્ટ દૂર કરીને સુખ, શાંતિ અને કલ્યાણનો આશીર્વાદ આપે છે.
આ પણ વાંચો: Vastu Tips: ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન બનાવો પૂજાઘર, નહીં તો લાગી શકે છે વાસ્તુ દોષ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)