આ વર્ષે 29 જૂન 2026, સોમવારના રોજ જ્યેષ્ઠ પૂર્ણિમા ઉજવાશે. આ દિવસ પૂજા-પાઠ, દાન-પુણ્ય અને ધાર્મિક વિધિઓ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ સાથે જ આ દિવસે આકાશમાં સ્ટ્રોબેરી મૂન પણ જોવા મળશે, જે ખગોળપ્રેમીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે.
શું છે સ્ટ્રોબેરી મૂન?
જૂન મહિનાની પૂર્ણિમાને વિશ્વભરમાં સ્ટ્રોબેરી મૂન તરીકે ઓળખવામાં આવે છે. તેનો અર્થ એ નથી કે ચંદ્રનો રંગ સ્ટ્રોબેરી જેવો લાલ કે ગુલાબી હશે. ઉત્તર અમેરિકામાં આ સમય દરમિયાન જંગલી સ્ટ્રોબેરી પાકતી હોવાથી ત્યાંની પરંપરા મુજબ જૂનની પૂર્ણિમાને આ નામ આપવામાં આવ્યું છે. ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર આ વખતે ચંદ્ર ક્ષિતિજની નજીક હોવાથી તે સામાન્ય દિવસોની સરખામણીએ વધુ મોટો અને તેજસ્વી દેખાઈ શકે છે.
ધાર્મિક રીતે શા માટે ખાસ છે જ્યેષ્ઠ પૂર્ણિમા?
જ્યેષ્ઠ પૂર્ણિમાનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે. આ દિવસે અનેક ધાર્મિક અનુષ્ઠાનો અને તહેવારો ઉજવવામાં આવે છે.
વટ પૂર્ણિમા વ્રત: સૌભાગ્યવતી મહિલાઓ વડના વૃક્ષની પૂજા કરીને પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના કરે છે.
સ્નાન અને દાન: પવિત્ર નદીઓમાં સ્નાન કરીને દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે.
જગન્નાથ જળયાત્રા: આ જ દિવસે પુરીમાં ભગવાન જગન્નાથની પ્રસિદ્ધ સ્નાન યાત્રા પણ યોજાય છે.
વટ પૂર્ણિમા 2026: તિથિ અને શુભ મુહૂર્ત
વ્રતની તારીખ: 29 જૂન 2026 (સોમવાર)
પૂર્ણિમા તિથિ શરૂ: 29 જૂન, સવારે 3:06 વાગ્યે
પૂર્ણિમા તિથિ પૂર્ણ: 30 જૂન, સવારે 5:26 વાગ્યે
અભિજિત મુહૂર્ત: બપોરે 11:57 થી 12:52 વાગ્યા સુધી
અમૃત કાળ: રાત્રે 8:53 થી 10:40 વાગ્યા સુધી
ભદ્રાકાળને લઈને ગભરાવાની જરૂર નથી
જ્યોતિષીય માન્યતા મુજબ આ દિવસે ભદ્રા પાતાળ લોકમાં રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે ભદ્રા પાતાળમાં હોય ત્યારે તેનો અશુભ પ્રભાવ પૃથ્વી પર માનવામાં આવતો નથી. તેથી આ દિવસે પૂજા-પાઠ અને માંગલિક કાર્યો નિર્ભયતાથી કરી શકાય છે.
આ રીતે કરો પૂજા
રાત્રે ચંદ્રોદય બાદ ચંદ્રદેવને કાચા દૂધ અને ગંગાજળથી અર્ઘ્ય અર્પણ કરો. ભગવાન સત્યનારાયણની કથા સાંભળો અથવા કરાવો. ઉપરાંત જરૂરિયાતમંદોને ઠંડું પાણી, શરબત અથવા ભોજનનું દાન કરવું પણ અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે.
વટ પૂર્ણિમાનું ધાર્મિક મહત્ત્વ
હિંદુ પરંપરામાં વટ પૂર્ણિમાનું વ્રત વિવાહિત મહિલાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. વડનું વૃક્ષ અમરતા, સ્થિરતા અને દીર્ઘાયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર માતા સાવિત્રીએ વડના વૃક્ષ નીચે યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા. તેથી આ વ્રત દાંપત્ય જીવનમાં અખંડ સૌભાગ્ય, પરસ્પર પ્રેમ, સુખ-સમૃદ્ધિ અને લાંબા આયુષ્યની કામના સાથે કરવામાં આવે છે.
આ પણ વાંચો: July Panchak 2026: જુલાઇમાં બે વખત બેસશે પંચક, જાણો ક્યાં કાર્ય કરવા વર્જીત
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)