વર્ષ 2026નું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ આજે એટલે કે 12 ઓગસ્ટે થવા જઈ રહ્યું છે. એક તરફ આ ખગોળીય ઘટના દુનિયાભરના વિજ્ઞાનપ્રેમીઓનું ધ્યાન ખેંચી રહી છે, તો બીજી તરફ શ્રાવણ અમાવસ્યા એટલે કે હરિયાળી અમાસના દિવસે થવાના કારણે તેનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ પણ વધી ગયું છે. ચાલો જાણીએ આ સૂર્યગ્રહણનો ચોક્કસ સમય, તે કયા દેશોમાં દેખાશે અને ભારતમાં તેની કોઈ અસર થશે કે નહીં.

સૂર્યગ્રહણ 2026નો ચોક્કસ સમય

પંચાંગ અને ખગોળીય ગણતરીઓ અનુસાર, આ ખગોળીય ઘટના રાત્રિના સમયે પોતાના ચરમ પર પહોંચશે. ગ્રહણની શરૂઆત આજે રાત્રે 9:04 વાગ્યે થશે. ત્યારબાદ રાત્રે 11:16 વાગ્યે ગ્રહણ ચરમસીમાએ પહોંચશે, જ્યારે ચંદ્ર સૂર્યને સૌથી વધુ ઢાંકી દેશે. ગ્રહણનું સમાપન 13 ઓગસ્ટની રાત્રે 1:27 વાગ્યે થવાનું જણાવવામાં આવે છે.

આ એક પૂર્ણ સૂર્યગ્રહણ (Total Solar Eclipse) છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ ગ્રહણ કર્ક રાશિ અને આશ્લેષા નક્ષત્રમાં બની રહ્યું છે. આ સમય દરમિયાન ગ્રહોની સ્થિતિને પણ જ્યોતિષની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

શું ભારતમાં દેખાશે સૂર્યગ્રહણ?

ભારતના લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે? 

જવાબ છે ના.

આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ભારતીય સમય અનુસાર ગ્રહણ રાત્રે શરૂ થઈ રહ્યું હોવાથી તે સમયે ભારતમાં સૂર્ય ક્ષિતિજની નીચે હશે. તેથી ભારતમાંથી લોકો આ દુર્લભ ખગોળીય નજારો સીધો જોઈ શકશે નહીં.

ભારતમાં સૂતક કાળ માન્ય રહેશે?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂર્યગ્રહણનો સૂતક કાળ સામાન્ય રીતે તે સ્થળે જ માન્ય ગણાય છે જ્યાં ગ્રહણ દેખાય. કારણ કે 12 ઓગસ્ટનું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, તેથી ભારતમાં તેનો સૂતક કાળ માન્ય રહેશે નહીં

આથી લોકો સામાન્ય રીતે અમાસની પૂજા, શિવ આરાધના, પિતૃ તર્પણ અને દાન-પુણ્ય કરી શકે છે. મંદિરના કપાટ બંધ રાખવા અથવા વિશેષ સૂતકના નિયમો પાળવાની જરૂરિયાત રહેશે નહીં.

દુનિયામાં ક્યાં દેખાશે?

આ પૂર્ણ સૂર્યગ્રહણ મુખ્યત્વે ઉત્તરી ગોળાર્ધના કેટલાક વિસ્તારોમાં જોવા મળશે. ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, ઉત્તરી રશિયા, એટલાન્ટિક મહાસાગર, ઉત્તરી સ્પેન અને પોર્ટુગલના કેટલાક વિસ્તારોમાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળી શકે છે.

આ ઉપરાંત કેનેડાના મોટા ભાગના વિસ્તારો, ઉત્તર અમેરિકાના કેટલાક ભાગો, યુરોપના અન્ય દેશો અને ઉત્તર-પશ્ચિમ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં આ ગ્રહણ આંશિક સ્વરૂપે દેખાશે.

ઘરે બેઠા કેવી રીતે જોઇ શકાશે?

ભારતમાં આ ગ્રહણ રાત્રે અને અદૃશ્ય હોવાથી તેને સીધું જોઈ શકાશે નહીં. જોકે, વિજ્ઞાનપ્રેમીઓ ઓનલાઈન માધ્યમથી આ ખગોળીય ઘટનાની લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકે છે. NASAની સત્તાવાર વેબસાઇટ અથવા NASA+ જેવા પ્લેટફોર્મ પર ગ્રહણ સંબંધિત લાઇવ કવરેજ અને વૈજ્ઞાનિકોની માહિતી મેળવી શકાય છે.

જે દેશોમાં આ ગ્રહણ દેખાય છે ત્યાં તેને જોવા માટે હંમેશા પ્રમાણિત સોલર ફિલ્ટર અથવા Eclipse Glassesનો ઉપયોગ કરવો જોઈએ. નરી આંખે સૂર્યગ્રહણ જોવાથી આંખોને ગંભીર નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો: Vastu Tips: ભોજન બનાવતી વખતે ન કરશો ગુસ્સો, માનસિક સ્થિતિ પર થશે અસર


(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)