હિંદુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આ જ કારણ છે કે મોટાભાગના હિંદુ પરિવારોમાં દરરોજ તુલસીની પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને કારતક મહિનામાં આવતા તુલસી વિવાહનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ દિવસે માતા તુલસીના લગ્ન ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ સાથે કરાવવામાં આવે છે. માન્યતા છે કે તુલસી વિવાહ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનું આગમન થાય છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા જળવાઈ રહે છે.

જોકે, તુલસી વિવાહ દરમિયાન કેટલીક નાની-નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી માનવામાં આવે છે. ઘણી વખત લોકો પૂજાની તૈયારીઓ તો સારી રીતે કરે છે, પરંતુ અજાણતાં કેટલીક એવી ભૂલો કરી બેસે છે, જેને ધાર્મિક દૃષ્ટિએ શુભ માનવામાં આવતી નથી. માન્યતા અનુસાર, આવી ભૂલોને કારણે પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. તેથી જો તમે પણ આ વર્ષે તુલસી વિવાહની પૂજા કરવાના હોવ તો આ પાંચ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

તુલસી વિવાહ 2026 ક્યારે છે?

હિંદુ પંચાંગ અનુસાર, વર્ષ 2026માં તુલસી વિવાહનો પવિત્ર તહેવાર 21 નવેમ્બર, શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ પર્વ કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ મનાવવામાં આવે છે. તેના એક દિવસ પહેલાં એટલે કે 20 નવેમ્બરે દેવઉઠી એકાદશી ઉજવવામાં આવશે. કેટલીક જગ્યાએ દેવઉઠી એકાદશીની સાંજે પણ તુલસી વિવાહ કરાવવાની પરંપરા છે. આ દિવસે ભક્તો માતા તુલસી અને ભગવાન શાલિગ્રામની પૂજા કરીને સુખ-સમૃદ્ધિની કામના કરે છે.

તુલસી વિવાહના દિવસે ન કરવી જોઈએ આ 5 ભૂલો

તુલસીના પાન ન તોડવા

ધાર્મિક માન્યતાઓ અનુસાર, તુલસી વિવાહના દિવસે તુલસીના છોડમાંથી પાન તોડવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને દ્વાદશી તિથિએ તુલસીનાં પાન તોડવા અશુભ માનવામાં આવે છે. તેથી જો પૂજા દરમિયાન તુલસીનાં પાનની જરૂર પડવાની હોય તો એક દિવસ અગાઉ જ જરૂરી પાન તોડીને રાખી લેવા જોઈએ. આમ કરવાથી પૂજાની તૈયારીઓ પણ સરળતાથી થઈ શકશે.

સાફ-સફાઈ કર્યા વગર પૂજા ન કરવી

તુલસી વિવાહની પૂજા કરતા પહેલાં પૂજાસ્થળની યોગ્ય રીતે સફાઈ કરવી જરૂરી છે. તુલસીનો કુંડો અને તેની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ. ગંદા કુંડા અથવા વેરવિખેર પૂજાસામગ્રી વચ્ચે લગ્નની વિધિ કરવાનું ટાળવું જોઈએ. તમે પૂજાસ્થળને ફૂલો, તોરણ અને રંગોળીથી સજાવી શકો છો. સ્વચ્છ વાતાવરણમાં પૂજા કરવાથી ધાર્મિક વિધિ વધુ સુંદર અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકાય છે.

માતા તુલસીને શણગાર્યા વગર ન રાખવાં

તુલસી વિવાહના દિવસે માતા તુલસીને દુલ્હનની જેમ શણગારવાની પરંપરા છે. તેથી તેમને લાલ રંગની ચુંદડી, ફૂલો, બંગડીઓ અને અન્ય શણગારની વસ્તુઓથી સજાવવામાં આવે છે. આ દિવસે માતા તુલસીનો વિશેષ શણગાર કરવામાં આવે છે. ઉતાવળમાં કોઈ તૈયારી કર્યા વગર પૂજા કરવાનું ટાળવું જોઈએ. પૂજાની તમામ સામગ્રી અગાઉથી તૈયાર રાખવી જોઈએ.

વાસી ફૂલો અને ગંદા વાસણોનો ઉપયોગ ન કરવો

તુલસી વિવાહની પૂજામાં સ્વચ્છ અને તાજી સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. પૂજા દરમિયાન વાસી ફૂલો, ગંદાં વાસણો અથવા બગડેલા પ્રસાદનો ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવતો નથી. તેથી પૂજા માટે તાજાં ફૂલો, ફળ, મીઠાઈ, દીવો, અગરબત્તી અને અન્ય જરૂરી સામગ્રી અગાઉથી તૈયાર રાખવી જોઈએ. પૂજાનાં વાસણો પણ સારી રીતે સાફ કરીને રાખવા જોઈએ.

તુલસી પાસે સળગતો દીવો મૂકીને ભૂલી ન જવો

તુલસી વિવાહના દિવસે દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. ભક્તો માતા તુલસીની સામે દીવો પ્રગટાવીને પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરે છે. જોકે, દીવો પ્રગટાવ્યા પછી તેને ધ્યાન આપ્યા વગર છોડી દેવો જોઈએ નહીં. તુલસીના છોડની આસપાસ સૂકાં પાન અને શણગારની વસ્તુઓ હોવાથી આગ લાગવાનો ભય રહે છે. તેથી દીવો હંમેશાં સુરક્ષિત જગ્યાએ રાખવો અને તેની આસપાસ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

આ પણ વાંચો : Vastu Tips: ઘરમાં વારંવાર સુકાઈ જાય છે મની પ્લાન્ટ? વાસ્તુશાસ્ત્ર અનુસાર હોઈ શકે છે આ મોટા સંકેતો

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)