શ્રાવણમાં શિવજી પર અભિષેક કરવાનુ ખુબજ મહત્ત્વ છે. શિવજી પર ગંગાજળ ચડાવવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે જો કે ગંગાજળ ઘરે લાવવુ કે નહી તે અંગે અલગ અલગ મત મતાંતર છે. કાશીથી ગંગાજળ લાવવું વર્જીત છે. તેની પાછળ આધ્યાત્મિક રહસ્ય, શ્રદ્ધા અને શાસ્ત્રીય સંકેત દર્શાવાયા છે. દરેક ઘરમાં ખાસ કરીને પૂજા માટે ગંગાજળ લાવવામાં આવે છે તો સવાલ એ થાય કે કાશીમાંથી ગંગાજળ કેમ લવાતુ નથી શું છે તેની પાછળનું રહસ્ય કે પછી વહેમ.
કાશીને મોક્ષની નગરી કહેવામાં આવે છે
જેટલો આ સવાલ સહજ અને સરળ છે એટલો જ તેની પાછળ ઉંડાણવાળો, ભાવનાત્મક અને શ્રદ્ધા અને આત્મિક સંવેદનશીલતાનો છે.
ગંગાજળ ફક્ત કોઇ જળ નથી, જીવનની પવિત્ર ધારા છે. હિંન્દુ ધર્મમાં ગંગાજળનું વિશેષ મહત્ત્વ છે. ગંગાજળને અમૃતતુલ્ય માનવામાં આવે છે. ગંગાજળ પૂજન, તર્પણ, સ્નાન, સંસ્કાર અને શુદ્ધિકરણમાં જરૂરી છે. હરિદ્વાર, ઋષિકેશ અને ગંગોત્રીથી આ ગંગાજળ લાવવામાં આવે છે. આ ગંગાજળ ઉર્જાનું પ્રતિક, સકારાત્મક એનર્જી અને આસ્થાનું પ્રતિક છે, માન્યતા છે કે આનાથી પાપ ધોવાઇ જાય છે અને આત્માની શુદ્ધી થાય છે. જો કે જ્યારે કાશીની વાત આવે તો આ ગંગાજળને ઘરમાં લાવી શકાતુ નથી. કેમકે કાશી એ મૃત્યુની ભૂમિ છે અહી મૃત્યુનો ઉત્સવ મનાવવામા આવે છે. સ્કન્દ પુરાણ અનુસાર કાશ્યાં મરણં મુક્તિ એટલે કે કાશીનું મૃત્યુ મોક્ષનું વરદાન છે.
કાશીને મોક્ષની નગરી કહેવામાં આવે છે, અહી મણીકર્ણિકાના ઘાટ પર શરીરને અગ્નિદાહ અપાતો નથી, આત્માને મુક્તિ મળે છે. માન્યતા અનુસાર મૃત્યુના સમયે સ્વયં ભગવાન શિવ મૃતકના કાનમાં તારક મંત્ર ફૂંકે છે જેનાથી આત્માને જન્મોજન્મના ચક્કરથી મુક્તિ મળે છે.
શા માટે કાશીથી ગંગાજળ ન લવાય?
આ પ્રશ્ન ફક્ત પરંપરાનો નથી આત્મિક સમજ અને શ્રદ્ધાનો હોવાથી થોડો ઝટીલ છે. મણીકર્ણિકા અને હરિકશ્ચંદ્ર ઘાટ પર પ્રતિદિન સેંકડો મૃતકોની અસ્થીઓનુ મા ગંગામાં વિસર્જન કરવામાં આવે છે. આ ગંગા ફક્ત જીવનદાયિની નથી, મોક્ષદાયની છે આત્માઓના મોક્ષની સાક્ષી બને છે.
આધ્યાત્મિક ભાવ
માન્યતા છે કે કાશીથી લાવવામાં આવેલ જળ જો કોઇ મૃત આત્માના અવશેષના સંપર્કમાં આવે તો આ તે આત્માના મોક્ષમાં બાધા બને આથી આત્માના સન્માન માટે આ કરવામાં આવતુ નથી. આ નિયમ છે અને આથી જ કાશીથી ગંગાજળ લાવવામાં આવતુ નથી.