ઘરની છતને સુંદર અને હરિયાળી બનાવવી દરેકને ગમે છે. રંગબેરંગી ફૂલો અને લીલાછમ છોડ માત્ર ઘરની સુંદરતામાં વધારો કરતા નથી, પરંતુ આસપાસના વાતાવરણને પણ ખુશનુમા બનાવે છે. આજકાલ ઘણા લોકો ઘરની છત પર નાનું ગાર્ડન બનાવવાનું પસંદ કરે છે. જોકે, વાસ્તુશાસ્ત્ર અનુસાર છોડની પસંદગી કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

માન્યતા છે કે કેટલાક છોડ ઘરની છત પર લગાવવાથી નકારાત્મક ઊર્જા વધી શકે છે અને પરિવારની પ્રગતિમાં અવરોધ આવી શકે છે. તો ચાલો જાણીએ કે છત પર કયા પાંચ છોડ લગાવવાનું ટાળવું જોઈએ.

કાંટાવાળા અને અણીદાર છોડ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની છત પર કેક્ટસ અથવા અન્ય કાંટાવાળા છોડ લગાવવાનું ટાળવું જોઈએ. માન્યતા છે કે આવા છોડ ઘરમાં તણાવ અને નાની-નાની બાબતોમાં ઝઘડાનું કારણ બની શકે છે. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદ અને ચીડિયાપણું વધી શકે છે. તેથી ઘરની હરિયાળી માટે કાંટા વગરના સુંદર ફૂલોના છોડ પસંદ કરવા વધુ યોગ્ય માનવામાં આવે છે.

પીપળો અને વડલો

ઘણીવાર પક્ષીઓ અથવા પવન દ્વારા પીપળા અને વડલાનાં બીજ ઘરની છતની તિરાડોમાં પહોંચી જાય છે. ત્યારબાદ ત્યાં છોડ ઊગી નીકળે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની છત પર આ વૃક્ષો ઊગવા અશુભ માનવામાં આવે છે. જોકે, આ માત્ર ધાર્મિક માન્યતા નથી, પરંતુ તેની પાછળ વ્યવહારુ કારણ પણ છે. પીપળા અને વડલાનાં મૂળિયાં ખૂબ મજબૂત હોય છે, જે સમય જતાં છત અને દીવાલોને નુકસાન પહોંચાડી શકે છે.

અસ્તવ્યસ્ત રીતે ફેલાતી વેલ

મની પ્લાન્ટ સહિતની વિવિધ વેલવાળા છોડ ઘરની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ તેમને છત પર અસ્તવ્યસ્ત રીતે ફેલાવવા જોઈએ નહીં. વાસ્તુ માન્યતા અનુસાર, આ રીતે ફેલાયેલી વેલ ઘરની પ્રગતિમાં અવરોધ ઊભો કરી શકે છે. તેથી વેલને યોગ્ય આધાર આપીને વ્યવસ્થિત રીતે રાખવી જોઈએ. તેનાથી ગાર્ડન પણ સુંદર દેખાશે અને છોડની યોગ્ય સંભાળ પણ રાખી શકાશે.

બોન્સાઈ અને સૂકાઈ ગયેલા છોડ

બોન્સાઈ છોડ દેખાવમાં ખૂબ સુંદર હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેને મર્યાદિત વૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા અનુસાર, આવા છોડ ઘરની પ્રગતિમાં અવરોધ ઊભો કરી શકે છે. આ ઉપરાંત, છત પર સૂકાઈ ગયેલા અથવા મરઝાઈ ગયેલા છોડ એકઠા કરીને રાખવા જોઈએ નહીં. આવા છોડને સમયસર દૂર કરવા જોઈએ અને અન્ય છોડની યોગ્ય સંભાળ રાખવી જોઈએ.

રબર પ્લાન્ટ

રબર પ્લાન્ટ ઘરની સજાવટ માટે ખૂબ લોકપ્રિય છે. જોકે, તેને સીધા તીવ્ર સૂર્યપ્રકાશમાં રાખવાથી તેનાં પાંદડાં બળી શકે છે અથવા છોડની વૃદ્ધિ પર અસર થઈ શકે છે. વાસ્તુ માન્યતા અનુસાર, મરઝાયેલો છોડ ઘરમાં નકારાત્મક ઊર્જા લાવે છે. તેથી રબર પ્લાન્ટને તેની જરૂરિયાત મુજબ પ્રકાશ અને પાણી આપવું જોઈએ.

વાસ્તુદોષથી બચવા માટે રાખો આ બાબતોનું ધ્યાન

- ઘરની છત અને ગાર્ડનની નિયમિત સફાઈ રાખવી જોઈએ.

- વાસ્તુ અનુસાર ઈશાન ખૂણો એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો લીલોછમ છોડ લગાવવો શુભ માનવામાં આવે છે.

- છોડને સમયસર પાણી આપવું અને તેની યોગ્ય સંભાળ રાખવી જોઈએ.

- સૂકાઈ ગયેલાં પાંદડાં અને ખરાબ થયેલી ડાળીઓ સમયસર દૂર કરવી જોઈએ.

- છોડને યોગ્ય પ્રકાશ, હવા અને જગ્યા મળે તેનું ધ્યાન રાખવું જોઈએ.

આ પણ વાંચો: Vastu Tips: ઘરમાં વારંવાર સુકાઈ જાય છે મની પ્લાન્ટ? વાસ્તુશાસ્ત્ર અનુસાર હોઈ શકે છે આ મોટા સંકેતો

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)