માન્યતા અનુસાર, ઘરમાં કેટલીક શુભ વસ્તુઓ રાખવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે અને સુખ, શાંતિ તથા સમૃદ્ધિનું આગમન થાય છે. વાસ્તુ મુજબ કેટલીક વસ્તુઓને શુભ પ્રતીક માનવામાં આવે છે, જે ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.

હાથીની મૂર્તિ

વાસ્તુ શાસ્ત્રમાં હાથીને શક્તિ, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ગણેશના સ્વરૂપ સાથે હાથીનું જોડાણ હોવાથી ઘરમાં હાથીની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે.

માન્યતા અનુસાર, ચાંદીનો હાથી રાખવાથી રાહુ-કેતુના નકારાત્મક પ્રભાવને ઓછો કરવામાં મદદ મળે છે. ચાંદી સિવાય પિત્તળ અથવા તાંબાની હાથીની મૂર્તિ પણ રાખી શકાય છે. જોકે, ધ્યાન રાખવું કે મૂર્તિ ખૂબ નાની ન હોય અને તેની લંબાઈ લગભગ 4 થી 5 ઇંચ અથવા વધુ હોવી શુભ માનવામાં આવે છે.

મંગળ કળશ

વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓમાં કળશને સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયેલા અમૃત કલશને ધન અને વૈભવ સાથે જોડવામાં આવે છે.

ઘરમાં તાંબા અથવા પિત્તળનો કળશ રાખવો શુભ માનવામાં આવે છે. તેને ઘરના ઈશાન કોણ એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત કરવો જોઈએ. તેમાં પાણી ભરીને તાંબાનો સિક્કો નાખી શકાય છે. ઉપર આંબાના પાન રાખીને નાળિયેરથી કળશનું મુખ ઢાંકવામાં આવે છે. કળશ પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું અને મૌલી બાંધવી પણ શુભ માનવામાં આવે છે.

વાંસળી અને શંખ

વાસ્તુ શાસ્ત્રમાં વાંસળી અને શંખને પણ શુભ વસ્તુઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. માન્યતા અનુસાર, વાંસળી ઘરના પૂર્વ, ઈશાન અથવા ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મકતા વધે છે.

ઘરમાં શંખ રાખવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે એવી ધાર્મિક માન્યતા છે. તેને ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. નિયમિત પૂજા સ્થાનમાં શંખ રાખવાથી ઘરમાં શુભ ઊર્જાનો સંચાર થતો હોવાનું માનવામાં આવે છે.

હંસનું જોડું

વાસ્તુ અનુસાર હંસનું જોડું શાંતિ, પ્રેમ અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘરના લિવિંગ રૂમ અથવા મહેમાન ખંડમાં હંસની મૂર્તિ અથવા તસવીર રાખવી શુભ માનવામાં આવે છે.

માન્યતા છે કે તેને રાખવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને સમજણ વધે છે તથા સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે.

ધાતુનો કાચબો

વાસ્તુમાં કાચબાને પ્રગતિ, ધન અને લાંબી આયુનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં હંમેશા પિત્તળ અથવા ચાંદી જેવી ધાતુનો કાચબો રાખવાની સલાહ આપવામાં આવે છે. લાકડાનો કાચબો રાખવાનું ટાળવામાં આવે છે.

ધાતુના કાચબાને ડ્રોઇંગ રૂમમાં પાણી ભરેલા પાત્રમાં ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખી શકાય છે. તેનું મુખ ઘરની અંદરની તરફ હોવું શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર, તે ઘરમાં સ્થિરતા અને સકારાત્મક ઊર્જા લાવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: Vastu Shastra: અજાણતા જ ન કરશો આ ભૂલો, આવી આદતથી થશે વાસ્તુદોષ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)