ઘર પોતાનું હોય કે ભાડાનું, તે જગ્યાનું વાતાવરણ અને વાસ્તુ બંને રહેવાસીઓ પર અસર કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભાડાના ઘરમાં પ્રવેશ કરતા પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી નકારાત્મક અસરોથી બચી શકાય છે અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
ભાડાના ઘરના વાસ્તુનો પ્રભાવ કોના પર વધુ પડે છે?
વાસ્તુશાસ્ત્ર મુજબ જો ભાડાનું ઘર વાસ્તુ અનુસાર યોગ્ય ન હોય તો તેનો સૌથી વધુ પ્રભાવ ત્યાં રહેતા ભાડૂત પર પડે છે, કારણ કે તે દરરોજ એ ઘરની ઊર્જા સાથે જોડાયેલો રહે છે.
જોકે મકાનમાલિકનો પણ પોતાના ઘરની સાથે સૂક્ષ્મ અને કર્મ સંબંધ રહે છે, પરંતુ તેની અસર ભાડૂતની સરખામણીએ ઓછી માનવામાં આવે છે. કેટલીક માન્યતાઓ અનુસાર આવા ઘરમાં ભાડૂતો લાંબા સમય સુધી ન ટકતા હોવા અથવા વારંવાર વિવાદ થવા જેવી પરિસ્થિતિઓ પણ ઊભી થઈ શકે છે.
રસોડું અને બેડરૂમનું વાસ્તુ ખૂબ મહત્વનું
વાસ્તુ અનુસાર રસોડું યોગ્ય દિશામાં ન હોય તો ઘરના સભ્યોને માનસિક તણાવ, આર્થિક મુશ્કેલીઓ અથવા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
જો બેડરૂમમાં વાસ્તુદોષ હોય તો ઊંઘમાં ખલેલ, દાંપત્ય જીવનમાં મતભેદ અને માનસિક અશાંતિ અનુભવાઈ શકે છે. મુખ્ય દરવાજામાં વાસ્તુદોષ હોવાની માન્યતા મુજબ જીવનમાં અવરોધો અને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
ભાડાના ઘરમાં પ્રવેશ કરતી વખતે શું કરવું?
જો તમે નવા ભાડાના ઘરમાં રહેવા જઈ રહ્યા હોવ તો શક્ય હોય તો શુભ મુહૂર્તમાં ગૃહપ્રવેશ કરવો. ધાર્મિક માન્યતાઓ અનુસાર શુભ તિથિ અને નક્ષત્રમાં પ્રવેશ કરવો શુભ માનવામાં આવે છે.
ઘર પસંદ કરતાં પહેલાં ધ્યાન રાખો કે:
રસોડું યોગ્ય દિશામાં હોય. ઈશાન (ઉત્તર-પૂર્વ) ખૂણામાં ટોયલેટ ન હોય. ઘરમાં પૂરતો પ્રકાશ અને હવાની અવરજવર રહેતી હોય. પ્રવેશ પહેલાં ઘરની સફાઈ કરવી જરૂરી
ઘરમાં રહેવા જતાં પહેલાં સંપૂર્ણ સફાઈ કરો. વાસ્તુ માન્યતાઓ મુજબ મીઠાંવાળા પાણીથી પોચો કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે એવી માન્યતા છે. ઘરના જાળાં, ધૂળ અને ગંદકી દૂર કરવી પણ શુભ માનવામાં આવે છે.
ધાર્મિક ઉપાયો પણ માનવામાં આવે છે શુભ
ઘરમાં પ્રવેશના પ્રથમ દિવસે ઘરના મંદિરમાં શુદ્ધ દેશી ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાનની કપૂરથી આરતી કરો. કેટલાક દિવસો સુધી ગુગ્ગળનો ધૂપ કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બનતું હોવાનું પરંપરાગત માનવામાં આવે છે.
પાણીનું લીકેજ ન રહે તે ખાસ તપાસો
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં નળ, પાઇપ અથવા પાણીની ટાંકીમાંથી સતત પાણી ટપકવું શુભ માનવામાં આવતું નથી. ભાડાના ઘરમાં રહેતા હો તો પણ આવી સમસ્યા હોય તો મકાનમાલિકને જાણ કરીને તેને વહેલી તકે ઠીક કરાવવું જોઈએ.
આ પણ વાંચો: Numerology: મૂળાંક 2, 6 અને 9ના લોકો હોય છે મિત્રતાના સાચા સાથી, મુશ્કેલીમાં ન છોડે સાથ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)