વાસ્તુ શાસ્ત્ર અનુસાર, દરેક તસવીરની પોતાની એક ઊર્જા હોય છે. જો ઘરમાં નકારાત્મક સંદેશ આપતી પેઇન્ટિંગ્સ લગાવવામાં આવે તો માનસિક તણાવ, આર્થિક તંગી અને પ્રગતિમાં અવરોધો આવી શકે છે. ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર ઘરમાં કઈ તસવીરો બિલકુલ ન લગાવવી જોઈએ.

યુદ્ધ અથવા ઝઘડાના દ્રશ્યો

વાસ્તુ અનુસાર મહાભારત, યુદ્ધ અથવા કોઈપણ પ્રકારની હિંસા અને ઝઘડાને દર્શાવતી પેઇન્ટિંગ ઘરમાં ન રાખવી જોઈએ. આવી તસવીરો પરિવારના સભ્યો વચ્ચે મતભેદ અને તણાવ વધારતી હોય છે. ઘરમાં સતત કલેશનું વાતાવરણ બની શકે છે.

ડૂબતું જહાજ અથવા નાવ

જો વ્યવસાયમાં સતત નુકસાન થઈ રહ્યું હોય અથવા પૈસા પાણીની જેમ વહી રહ્યા હોય તો ધ્યાન રાખો કે ઘરમાં ડૂબતા જહાજની તસવીર તો નથી ને? વાસ્તુમાં તેને ખૂબ અશુભ માનવામાં આવે છે. તે ભાગ્ય ડૂબવાનું અને આર્થિક નુકસાનનું પ્રતિક માનવામાં આવે છે.

બંઝર જમીન અને સુકાઈ ગયેલી કલાત્મક તસવીરો

સૂકાયેલા વૃક્ષો, પાંદડાવિહિન છોડ, બંઝર જમીન અથવા જૂની વિરાન હવેલીના પેઇન્ટિંગ ઘરમાં નિરાશા અને નકારાત્મકતા લાવે છે. આવી તસવીરો મનમાં નકારાત્મક વિચારો પેદા કરે છે.

રડતા અથવા દુઃખી વ્યક્તિની તસવીર

ઘણા લોકો મોડર્ન આર્ટના નામે રડતા, દુઃખી અથવા પીડામાં દેખાતા લોકોની પેઇન્ટિંગ લગાવે છે. વાસ્તુ અનુસાર આવી તસવીરો ઘરના સભ્યોના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે અને ઘરમાં ઉદાસીનું વાતાવરણ ઉભું કરે છે.

અસ્ત થતા સૂર્યની તસવીર

ઉગતો સૂર્ય નવી આશા અને ઊર્જાનું પ્રતિક છે, જ્યારે અસ્ત થતો સૂર્ય જીવનમાં ઉતાર અને આળસનું પ્રતિક માનવામાં આવે છે. આવું પેઇન્ટિંગ લગાવવાથી કામમાં મન લાગતું નથી અને મહત્વપૂર્ણ કાર્યોમાં વિલંબ થવા લાગે છે.

આ પણ વાંચો: Grah Gochar: શુક્ર-બુધની યુતિથી આ રાશિઓનો થશે ભાગ્યોદય

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)