હિંદુ ધર્મમાં સંક્રાંતિના પર્વનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. આ દિવસે સૂર્યદેવની ઉપાસના, અર્ઘ્ય અર્પણ અને દાન-પુણ્ય કરવાનું ખૂબ શુભ માનવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી તમામ સંક્રાંતિઓમાં વૃશ્ચિક સંક્રાંતિનું પણ વિશેષ સ્થાન છે. આ દિવસે સૂર્યદેવ તુલા રાશિમાંથી નીકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે.

વૃશ્ચિક સંક્રાંતિનો પવિત્ર તહેવાર 16 નવેમ્બર, સોમવારે

વર્ષ 2026માં વૃશ્ચિક સંક્રાંતિનો પવિત્ર તહેવાર 16 નવેમ્બર, સોમવારના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે શ્રદ્ધાપૂર્વક પૂજા-પાઠ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી સુખ-સમૃદ્ધિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ વૃશ્ચિક સંક્રાંતિની સાચી તારીખ, સૂર્યના ગોચરનો સમય, પૂજાનું શુભ મુહૂર્ત અને આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

ક્યારે છે વૃશ્ચિક સંક્રાંતિ 2026?

હિંદુ પંચાંગ અનુસાર, જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. જ્યારે સૂર્ય તુલા રાશિમાંથી નીકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે આ દિવસને વૃશ્ચિક સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.

વર્ષ 2026માં વૃશ્ચિક સંક્રાંતિ 16 નવેમ્બર, સોમવારના રોજ ઊજવવામાં આવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, તુલા રાશિના સ્વામી શુક્ર છે, જ્યારે વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ છે.

સૂર્યના રાશિ પરિવર્તનનો સમય

જ્યોતિષીય ગણતરી અનુસાર, 16 નવેમ્બર 2026ના રોજ સાંજે 7 વાગ્યાને 48 મિનિટે સૂર્યદેવ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે સંક્રાંતિના પુણ્યકાળ અને મહાપુણ્યકાળનું વિશેષ મહત્ત્વ રહેશે.

- સંક્રાંતિની તારીખ: 16 નવેમ્બર 2026, સોમવાર

- સૂર્યનું રાશિ પરિવર્તન: સાંજે 7:48 વાગ્યે

- પુણ્યકાળ: બપોરે 12:06થી સાંજે 5:27 વાગ્યા સુધી

- મહાપુણ્યકાળ: બપોરે 3:40થી સાંજે 5:27 વાગ્યા સુધી

- પૂજાનો શુભ સમય: સવારે 6:16થી 8:26 વાગ્યા સુધી

વૃશ્ચિક સંક્રાંતિનું ધાર્મિક મહત્ત્વ

સનાતન ધર્મમાં સૂર્યદેવને ઊર્જા, આરોગ્ય અને જીવનના આધાર તરીકે પૂજવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, વૃશ્ચિક સંક્રાંતિના દિવસે સૂર્યદેવની ઉપાસના કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સકારાત્મકતાની પ્રાપ્તિ થાય છે.

આ દિવસે માતા-પિતા અને ઘરના વડીલોના આશીર્વાદ લેવા પણ શુભ માનવામાં આવે છે. સંક્રાંતિનું પર્વ માત્ર ધાર્મિક આસ્થા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા અને સેવા ભાવના અપનાવવાનો સંદેશ પણ આપે છે.

વૃશ્ચિક સંક્રાંતિની પૂજા વિધિ

1. વૃશ્ચિક સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો.

2. ત્યારબાદ તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરો અને તેમાં લાલ ચંદન અથવા રોળી ઉમેરો.

3. સૂર્યોદય સમયે પૂર્વ દિશા તરફ મુખ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો.

4. અર્ઘ્ય આપતી વખતે 'ૐ સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરો.

5. ત્યારબાદ ધૂપ-દીપ પ્રગટાવીને સૂર્યદેવની પૂજા કરો.

6. સૂર્યદેવને ગોળ અથવા ગોળમાંથી બનાવેલી ખીરનો ભોગ ધરાવો.

7. અંતમાં પરિવારની સુખ-સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો.

વૃશ્ચિક સંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવું શુભ?

ધાર્મિક માન્યતા અનુસાર, સંક્રાંતિના દિવસે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ગોળ, તલ, ચોખા, ઘઉં અને અન્ય અનાજનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

નવેમ્બર મહિનામાં ઠંડીની શરૂઆત થતી હોવાથી જરૂરિયાતમંદ લોકોને ધાબળા, સ્વેટર અને ગરમ કપડાંનું દાન પણ કરી શકાય છે. આ ઉપરાંત ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન કરાવવું તથા અસહાય લોકોને મદદ કરવી પણ પુણ્યદાયી માનવામાં આવે છે.

આમ, વૃશ્ચિક સંક્રાંતિનો દિવસ સૂર્યદેવની આરાધના, દાન-પુણ્ય અને સેવાકાર્યો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે પોતાની શ્રદ્ધા અને ક્ષમતા અનુસાર પૂજા કરીને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ.

આ પણ વાંચો: Palmistry: હથેળીમાં ભાગ્ય રેખા તૂટેલી છે? તો કરો આ ઉપાય, શનિદેવની કૃપાથી ચમકી શકે છે કિસ્મત!

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)