હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે, જેમાં જન્મ, મૃત્યુ અને તે પછીના માર્ગ વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ઘણીવાર પરિવારમાં કોઈ પ્રિયજનના મૃત્યુ બાદ, તેમની યાદમાં લોકો તેમના કપડાં, ઘરેણાં કે અન્ય ચીજવસ્તુઓ વાપરવાનું શરૂ કરે છે. પરંતુ ગરુડ પુરાણ અનુસાર, આ કરવું આધ્યાત્મિક અને માનસિક દ્રષ્ટિએ હાનિકારક સાબિત થઈ શકે છે.
ઘરેણાં અને આભૂષણોનો ઉપયોગ
ગરુડ પુરાણ સ્પષ્ટપણે જણાવે છે કે મૃત વ્યક્તિના ઘરેણાં ક્યારેય પહેરવા જોઈએ નહીં. આભૂષણોમાં વ્યક્તિની ઊર્જા અને આસક્તિ સૌથી વધુ હોય છે. જો તમે તેમના ઘરેણાં પહેરો છો, તો તે વ્યક્તિનો આત્મા તમારી તરફ આકર્ષિત થઈ શકે છે, જે આત્માની મુક્તિના માર્ગમાં અવરોધ બને છે. જો કે, તમે આ ઘરેણાંને સ્મૃતિચિહ્ન તરીકે સાચવી શકો છો અથવા તેને ઓગાળીને નવા દાગીના બનાવીને ઉપયોગમાં લઈ શકો છો. એક અપવાદ એ છે કે, જો તે વ્યક્તિએ જીવતા હતા ત્યારે તમને કોઈ ઘરેણું ભેટ તરીકે આપ્યું હોય, તો તેનો ઉપયોગ કરવો શાસ્ત્ર સંમત છે.
વસ્ત્રો અને પિતૃ દોષની આશંકા
કપડાં એ વ્યક્તિના શરીર સાથે સીધા જોડાયેલા હોય છે, તેથી તેમાં મૃતકની ઉર્જા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. ગરુડ પુરાણ મુજબ, મૃતકના કપડાં પહેરવાથી તે વ્યક્તિનો આત્મા મોહના બંધન તોડી શકતો નથી અને સંસારમાં ભટકતો રહે છે. આનાથી પરિવારમાં પિતૃ દોષ લાગવાની શક્યતા રહે છે, જે જીવનમાં અવરોધો અને અશાંતિ લાવી શકે છે. શ્રેષ્ઠ માર્ગ એ છે કે મૃતકના કપડાં એવા જરૂરિયાતમંદોને દાન કરી દેવા જોઈએ જેમનો મૃતક સાથે કોઈ લોહીનો સંબંધ નથી.
પલંગ અને અન્ય વસ્તુઓ
માત્ર કપડાં જ નહીં, પણ મૃત વ્યક્તિ જે પલંગ કે પથારીનો ઉપયોગ કરતી હતી, તેનો ત્યાગ કરવો પણ હિતાવહ છે. માનવામાં આવે છે કે તે સ્થાન પર મૃતકની સ્મૃતિઓ અને ઊર્જા વ્યાપેલી હોય છે, જે જીવિત વ્યક્તિના મન પર નકારાત્મક અસર કરી શકે છે. પલંગ બદલવાથી આત્માને પણ શાંતિ મળે છે અને તે આસક્તિ મુક્ત થઈ શકે છે.
આત્માની શાંતિ માટેનો માર્ગ
જો તમે ઈચ્છો છો કે તમારા પૂર્વજોના આત્માને પરમ શાંતિ અને મોક્ષ મળે, તો તેમની વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ ઉપરાંત, ઘરે ગરુડ પુરાણનો પાઠ કરાવવો અને શ્રાદ્ધ વિધિનું પાલન કરવું જોઈએ. શુદ્ધ ભાવથી કરેલું દાન પિતૃઓને તૃપ્ત કરે છે અને પરિવાર પર તેમના આશીર્વાદ જાળવી રાખે છે.
ડિસ્ક્લેમરઃ આ માહિતી માત્ર ગ્રંથો અને પુરાણોના આધારિત છે. કોઇ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલાં જ્યોતિષનો અભિપ્રાય લેવો.
આ પણ વાંચોઃ April Born Personality: એપ્રિલમાં જન્મેલા જાતકોમાં હોય આ ખુબી, આ ક્ષેત્રમાં મેળવે નામના