ગણેશોત્સવની શરૂઆત થઇ ગઇ છે. કોઇ દોઢ દિવસ તો કોઇ 3 અથવા પાંચ, 10 દિવસ માટે ગણેશજીનું સ્થાપન કરે છે. ગણેશોત્સવનો તહેવાર 10 દિવસ ચાલે છે. એટલે કે 6 સપ્ટેમ્બર સુધી ચાલશે. 6 સપ્ટેમ્બરના રોજ ભગવાન ગણેશના વિસર્જન સાથે ગણેશોત્સવનું સમાપન થશે. ગણેશોત્સવ પર દરેક વ્યક્તિ પોતાના ઘરમાં ગણપતિની મૂર્તિ સ્થાપિત કરે છે અને તેમની પૂજા કરે છે.

બાપ્પાને પ્રસાદ કેવો ધરાવશો? 

ગણેશની પૂજા કરવાની સૌથી મહત્વપૂર્ણ વિધિઓમાંની એક છે તેમને ભોગ અથવા પ્રસાદ ચઢાવવો. બાપ્પાને ચઢાવવામાં આવતો ભોગ પવિત્ર માનવામાં આવે છે, તેથી તેને શુદ્ધતા, ભક્તિભાવ પૂર્વક અને કાળજી સાથે તૈયાર કરવો જોઈએ. આ પરંપરાને પવિત્ર રાખવા માટે પ્રસાદ બનાવતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.


 ગણપતિનો પ્રસાદ બનાવતી વખતે કઈ સાવચેતી રાખવી ?

  • ભગવાન ગણેશને હંમેશા તાજા ફળો, અનાજ, શાકભાજી અને ડેરી ઉત્પાદનો અર્પણ કરો.
  •  પ્રસાદ બનાવતા પહેલા શરીરની ચોખ્ખાઇ ખાસ રાખો, વાસણ તથા રસોડુ સ્વચ્છ હોવા જોઇએ.
  • ગણેશોત્સવ દરમિયાન ડુંગળી, લસણ અને નોનવેજ ટાળો. ખોરાક સાદો અને શુદ્ધ રાખો.
  •  મોદક, લાડુ, પંચામૃત વગેરે બહારથી ખરીદવાને બદલે ઘરે જ બનાવો.
  • ઘી અને ગોળને પવિત્ર માનવામાં આવે છે અને મીઠાઈઓમાં તેનો ઉપયોગ કરવો જોઈએ.
  • દૂધ, દહીં, મધ, ઘી અને ખાંડ ભેળવીને પંચામૃત બનાવો. પૂજા વિધિમાં પંચામૃત આવશ્યક માનવામાં આવે છે.
  • જમતા પહેલા હંમેશા ભગવાન ગણેશને ભોગ ચઢાવો.
  • ભગવાનને ભોગ ધરાવતા પહેલા તેને હંમેશા ઢાંકીને રાખો જેથી ધૂળ, માખીઓ અથવા જંતુઓથી દૂર રહે.
  • પ્રસાદી બનાવતી વખતે તેને ચાખવાની ભૂલ ન કરવી જોઇએ.
  •  પ્રસાદ હંમેશા તાજો જ બનાવીને ધરાવો.
  • પ્રસાદ બનાવવાના વાસણો સ્વચ્છ હોવા જોઇએ.
  • ભોગ ધરાવવા માટે પ્લાસ્ટિક કે ડિસ્પોઝલ વાસણો ન રાખો. સ્ટીલ, પિત્તળ કે કેળના પત્તાનો ઉપયોગ કરો.
  • ધાર્મિક વિધિનો આદર કરો: ભોજન કરતા પહેલા ભક્તિભાવપૂર્વક નૈવેદ્ય અર્પણ કરો.