રાખડી બાંધતી વખતે ઘણીવાર લોકો શુભ મુહૂર્ત જોતા હોય છે, પરંતુ વાસ્તુ પ્રમાણે રાખડી બાંધવી ઓછા લોકો ધ્યાનમાં લેતા હોય છે. રક્ષાબંધનના દિવસે આ વખતે વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભાઈને રાખડી બાંધો. આથી શુભ અને મંગળનો પ્રવાહ રહેશે તથા સકારાત્મક ઊર્જાનો સંચાર થશે. રાખડી બાંધવાની સંપૂર્ણ તૈયારી પહેલેથી જ રાખવી.આવો જાણીએ વાસ્તુ પ્રમાણે રાખડી બાંધવાના નિયમો વિશે.


રાખડીની પસંદગી

વૈદિક રાખડી

પાંચ વસ્તુઓથી રક્ષાસૂત્ર તૈયાર કરાય છે – દુર્વા (ઘાસ), અક્ષત (ચોખા), કેસર, ચંદન અને સરસવના દાણા. આ પાંચેય વસ્તુઓને રેશમના કપડામાં બાંધી દેવાં કે સીલાઈ કરાવવી અને પછી તેને કલાવામાં ગાંઠવી. આ રીતે વૈદિક રાખડી તૈયાર થાય છે. વાસ્તુ અનુસાર રાખડી કુદરતી વસ્તુઓથી બનેલી હોવી જોઈએ અથવા વૈદિક રાખડી ઉપયોગમાં લેવાય. જૂની રાખડી ક્યારેય બાંધવી ન જોઈએ.

યોગ્ય દિશાની પસંદગી

રાખડી બાંધતી વખતે યોગ્ય દિશા અને જગ્યા મહત્વપૂર્ણ હોય છે. રાખડી માટે ઘરના ઈશાન ખૂણો, પૂર્વ દિશા કે ઉત્તર દિશાનું સ્થાન પસંદ કરવું જોઈએ. જ્યાં શુદ્ધતા અને પવિત્રતા હોય. જો બહેન ભાઈને રાખડી બાંધે છે તો બહેન પશ્ચિમ તરફ મુખ રાખે અને ભાઈ પૂર્વ તરફ મુક રાખે એવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ઉપયુક્ત આસન

ભાઈને લાકડાના પાટલા પર બેસાડવો અને બહેનને કુશનું આસન પર બેસવું જોઈએ. બંનેના આસન વચ્ચે એટલી જગ્યા હોવી જોઈએ કે જ્યાં રાખડીની થાળી અને બીજો સામાન આરામથી મુકાઈ શકે. જો કુશનો આસન ન હોય તો સુતની દરીનો ઉપયોગ કરી શકાય. પ્લાસ્ટિકની ચટાઈ અથવા કપડાના આસનનો ઉપયોગ ન કરવો.

રાખડી બાંધવાના અન્ય નિયમો

-રાખડી બાંધતી વખતે કાળા, બ્લ્યુ, સફેદ કપડા ન પહેરવા. ગુલાબી, પીળા કે નારંગી રંગના કપડાં યોગ્ય છે. નવા ન હોય તો પણ સાફ-સફાઈવાળા કપડાં પહેરવા.

- બહેન પોતાના ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધે. જમણો હાથ કર્મ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે.

-રાખડી બાંધતાં પહેલાં ભાઈના જમણા હાથમાં નાળિયેર મુકવો અને તેની ઉપર 1 રૂપિયાનો સિક્કો મુકવો.

-ભાઈએ પોતાના હાથમાં દક્ષિણા કે ચોખા લઇને મુઠી બાંધી લેવી અને ત્યાર પછી રાખડી બાંધવાં દેવી.

-રાખડી બાંધતી વખતે ત્રણ ગાંઠ લગાવવી અત્યંત શુભ માનવામાં આવે છે.

-રાખડી બાંધ્યા પછી બહેન ભાઈને મીઠાઈ ખવડાવે અને આરતી ઉતારવી.

-ભાઈએ પોતાની બહેનના પગે લાગીને દક્ષિણા આપવી અને તેનું રક્ષણ કરવાનુ વચન આપવું. બહેન પણ ભાઈને આશીર્વાદ આપે.

-ત્યાર પછી ભાઈએ બહેનને ભેટરૂપે કપડાં કે નાણાં અર્પણ કરવા.

-ભાઈએ બહેનને ક્યારેય પણ કાંટાવાળી વસ્તુઓ ભેટમાં ન આપવી.

-ભદ્રકાલ અને રાહુકાળ જેવા અશુભ મુહૂર્તમાં રાખડી ક્યારેય ન બાંધવી.


  • Follow us on: