દર મહિનાના કૃષ્ણ પક્ષના છેલ્લા દિવસે અમાસની તિથિ આવે છે. પરંતુ ભાદ્રપદ મહિનામાં આવતી પિઠોરી અમાસનું મહત્વ ખૂબ જ ખાસ હોય છે. તેને કુશાગ્રહણી પિઠોરી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતાઓ અનુસાર પિઠોરી અમાસના દિવસે સ્નાન, દાન, પિતૃઓને પિંડદાન અને તર્પણનું વિશેષ મહત્વ હોવાનું જણાવાયું છે. બાળકોના સુખ, સમૃદ્ધિ, લાંબા આયુષ્ય અને સફળતાની કામના કરવા માટે પિઠોરી અમાસ કરવામાં આવે છે.

પિઠોરી અમાસ ક્યારે છે?

દ્રિક પંચાંગ અનુસાર અમાવસ્યા તિથિ 22 ઓગસ્ટના રોજ સવારે 11:55 વાગ્યે શરૂ થશે અને 23 ઓગસ્ટના રોજ સવારે 11:35 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં પિઠોરી અમાવાસ્યાનું વ્રત 22 ઓગસ્ટના રોજ રાખવામાં આવશે.

પિઠોરી અમાવાસ્યાને 'કુશાગ્રહણી' કેમ કહેવામાં આવે છે?

આ દિવસે પવિત્ર કુશ ઘાસ એકત્રિત કરીને તેની પૂજા કરવામાં આવે છે. મત્સ્ય પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કર્યું અને હિરણ્યાક્ષનો વધ કર્યો અને પૃથ્વીને તેના સ્થાને પુનઃસ્થાપિત કરી. વધ પછી, જ્યારે તેમણે પોતાના શરીર પરથી પાણી છાંટ્ય ત્યારે તેમના કેટલાક વાળ પૃથ્વી પર પડ્યા, જે કુશા ઘાસમાં પરિવર્તિત થયા.

કથાઓ અનુસાર ભાદ્રપદની પિઠોરી અમાસ પર મા પાર્વતીએ 64 યોગિનીઓ સાથે મળીને ભગવાન ગણેશજીની પૂજા કરી. પિઠોરી શબ્દનો અર્થ થાય છે લોટની મૂર્તિ. આથી આ દિવસે મહિલાઓ 64 યોગિનીઓની પ્રતિમા બનાવીને તેની પૂજા કરે છે. 64 યોગિનીઓ દેવી શક્તિનું રૂપ માનવામાં આવે છે અને તેમની આરાધનાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

આ દિવસે મહિલાઓ વહેલી સવારે સ્વચ્છ કપડા પહેરીને પૂજાની તૈયારી કરે છે. સૂર્ય દેવને જળ આપ્યા બાદ પિતૃઓને જળ અર્પણ કરે છે. પિતૃઓને જળ અર્પણ કરતી વખતે ઓમ પિતૃભ્ય નમઃ મંત્રનો જાપ કરવો. પૂજા સ્થળે ઘીનો દીવો કરીને બાળકોના નામથી વ્રત સંકલ્પ લે છે. માન્યતા છે કે આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી સંતાનના જીવનમાં ખુશી આવે છે.