- રક્ષાબંધન ભાઇ-બહેનના પાવન પ્રેમનો અનોખો અવસર
- આ વખતે રક્ષાબંધન 11 ઓગસ્ટ, ગુરુવારે ઉજવવામાં આવશે
- આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો
દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સમૃદ્ધ જીવનની કામના કરે છે અને ભાઈ તેની બહેનની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લે છે. આ વખતે રક્ષાબંધન 11 ઓગસ્ટ, ગુરુવારે ઉજવવામાં આવશે. આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો છે, જેને રાખડી બાંધવાનો યોગ્ય સમય માનવામાં આવતો નથી.
હિન્દુ કેલેન્ડર અનુસાર, રાખડી બાંધવાનો શુભ સમય સવારે 10 વાગીને 38 મિનિટથી રાત્રે 9 વાગ્યા સુધીનો છે. આ શુભ સમયે તમે તમારા ભાઈના કાંડા પર રાખડી બાંધી શકો છો. રક્ષાબંધન વિશે ઘણી હિન્દુ પૌરાણિક કથાઓ છે. આવો તમને જણાવીએ કે રક્ષાબંધનના ઈતિહાસ વિશે પુરાણોમાં શું કહેવામાં આવ્યું છે.
પૌરાણિક કથાઓ અનુસાર, રક્ષાબંધનની શરૂઆત મહાભારત સાથે જોડાયેલી છે. કહેવાય છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણની આંગળીમાં સુદર્શન ચક્રથી ઈજા થઈ હતી, જેનાથી લોહી વહી રહ્યું હતું. આ જોઈને દ્રૌપદીએ તેની સાડીનો એક ટુકડો ફાડી નાખ્યો અને લોહી વહેતું બંધ કરવા માટે તેને બાંધી દીધું. ત્યારથી આ કાપડનો ટુકડો પવિત્રપ્રેમનું પ્રતીક બની ગયો.
આ ઘટના પછી ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને જીવનભર તેની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. આ પછી ભગવાન શ્રીકૃષ્ણએ વસ્ત્રાહરના સમયે દૌપદીની રક્ષા કરીને પોતાનું વચન પૂરું કર્યું. આ ઘટના બાદ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે બહેનો ભાઈઓના કપાળ પર 'તિલક' લગાવે છે અને તેમના કાંડા પર દોરો કે રાખડી બાંધે છે. આ તહેવાર બહેનોની ભાઈ પ્રત્યેની બિનશરતી વિશ્વાસ દર્શાવે છે. આપણા શાસ્ત્રમાં બીજી એક કથા છે કે કુંતાજીએ અભિમન્યુને રાખડી બાંધી હતી. આપણે ત્યાં પરંપરા છે કે ફક્ત ભાઇ-બહેનને જ નહી સંતાનનોની રક્ષા માટે માતા પુત્ર કે દાદી પૌત્રને રક્ષાસૂત્ર બાંધી શકે.