- સંતાનના સારા સ્વાસ્થ્ય અને સુખદ ભવિષ્યની કામના સાથે આ વ્રત થાય
- આ વર્ષે પુત્રદા એકાદશી 27 ઓગસ્ટ 2023, રવિવારના રોજ આવશે
- પુત્રદા એકાદશીનું વ્રત અને પૂજા કરવાથી પુત્ર કે સંતાનનું સુખ પ્રાપ્ત થાય
હાલ ખુબજ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. પુત્રદા, પવિત્રા એકાદશી શ્રાવણ માસનાં શુક્લ પક્ષનો અગિયારમો દિવસ માનવામાં આવે છે. અગિયારમાં દિવસનાં કારણે તે એકાદશી કહેવાય છે. આ વર્ષે પુત્રદા એકાદશી 27 ઓગસ્ટ 2023, રવિવારના રોજ આવશે. એવી માન્યતા છે કે પુત્રદા એકાદશીનું વ્રત અને પૂજા કરવાથી પુત્ર કે સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે. દરેક મહિનામાં બે એકાદશી તિથિઓ (શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ) હોય છે અને અધિકામાસના કારણે આખા વર્ષમાં 24 એકાદશી તિથિઓ હોય છે. પરંતુ શ્રાવણ માસની પુત્રદા એકાદશી ખૂબ જ પુણ્યકારક અને લાભકારી માનવામાં આવી છે. કારણ કે આ એકાદશી પુત્ર પ્રાપ્તિનું વરદાન આપનારી માનવામાં આવે છે.
પુત્રદા એકાદશી ખૂબ જ પુણ્યકારક અને લાભકારી
વ્યક્તિ શ્રદ્ધા અને નિયમ પૂર્વક આ દિવસે વ્રત રાખે તેના પૂર્વ જન્મનાં પાપ દૂર થાય છે. સંતાન અને ધન-સંપદાનાં સુખ પ્રાપ્ત થશે. આ વ્રત કરનારાઓને પ્રાત: કાળ સ્નાન ધ્યાન કરીને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી જોઇએ. આખો દિવસ વ્રત રાખ્યા બાદ સંધ્યાનાં સમયે પૂજા કરી ફળ ફળાદી ગ્રહણ કરી શકો છો. રાત્રે જાગરણ કરવું. બીજા દિવસે બ્રાહ્મણને ભોજન કરાવી દાન-દક્ષિણા સહિત વિદાય કરવાં. પવિત્રા એકાદશીએ પુત્રદા એકાદશીનાં નામે ઓળખાય છે. તમામ એકાદશીના ઉપવાસની જેમ પુત્રદા એકાદશીનું વ્રત અને પૂજા પણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે સાથે વ્રત રાખવા અને કેટલાક ઉપાય કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને ખાલી ખોળો ભરાય છે.
પુત્રદા એકાદશી પર આ રીતે કરો પૂજા
રવિવાર, 27 ઓગસ્ટ, પુત્રદા એકાદશીના દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠવું, સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા. આ પછી પૂજા ઘરમાં દીવો પ્રગટાવીને વ્રતનો સંકલ્પ કરો અને હવે પૂજાની તૈયારી શરૂ કરો. પૂજા માટે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. સૌપ્રથમ ચૌકીમાં પીળા રંગનું કપડું ફેલાવો. હવે ભગવાનને હળદર અને ચંદનનું તિલક કરો, પછી ફળ, ફૂલ, નૈવેદ્ય વગેરે ચઢાવો અને ભોગ ધરાવો. પૂજામાં તુલસી અને તલ પણ અર્પણ કરવા જોઈએ.